Posted by: readsetu | જુલાઇ 5, 2016

Kavyasetu 242 Minaxi Chandarana

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 5 જુલાઇ 2016

કાવ્યસેતુ > 242   લતા હિરાણી (Original Article)

સહારો શબ્દનો

ભાલનું કુમકુમ શબદ, સેંથે સિતારો શબ્દનો
ચાલ અડવા હાથ પર કરીએ ઠઠારો શબ્દનો.
સનસનાટીથી ભર્યા અખબાર શી રીઢી મજલ,
ને ગઝલના ગાન કરતો એકતારો શબ્દનો.
ના હલેસાં, નાવ ના, દીવો નહીંદાંડી નહીં,
એક ધખના આપની એક ધ્રુવતારો શબ્દનો.
હાથમાં લઈ હાથ ઝૂલા ઝૂલીએ ને મહાલીએ,
રોજ ઘરને આંગણે મેળો હજારો શબ્દનો.
મૌનનો ગોરંભ તૂટો, ને રણો લીલાં થજો,
આપણે વરસાદ થઈએ એકધારો શબ્દનો.
કાલથી જેલાં પડ્યાતાં અશ્રુઓ સૂને ખૂણે,
તગતગ્યાં મોતી બની, ખૂલતાં પટારો શબ્દનો.
શબ્દ આપણ કામધેનુ, શબ્દ વૈતરણી નદી,
પાર થાવું શબ્દની, લઈને સહારો શબ્દનો.  – મીનાક્ષી ચંદારાણા

જીવન વહેંચાયેલું હોય છે સમયના ટુકડાઓમાં. મોટેભાગે એટલી હદે કે એ જીવન છે એ જ ભુલાઈ જાય. તમામ શ્વાસો, આખુંય અસ્તિત્વ સમયના ચકડોળ પર ઝૂલતું રહેતું હોય. જ્યારે સ્નાયુઓની તાકાત ઘટે, અવસ્થાની મર્યાદા ઇન્દ્રિયો સામે ડોળા કાઢીને ઊભી રહી જાય ત્યારે માણસ ડઘાઈ જાય છે. ક્યાં ગયું એ જીવન ? ઓહ ! એ તો ઘડિયાળના કાંટે અને પોતાનામાં પરોવાયેલા રહીને પૂરું થયું ! આ સામાન્ય રીતે દરેકના જીવનમાં બનતી ઘટના છે. આ વાત ખૂબ પીડા આપનારી બની રહે કે જ્યારે સાવ અચાનક સમયના ટુકડા વેરણછેરણ થઈને અવકાશમાં ઓગળી જાય, એવી રીતે કે પોતે ક્યાં છે, શું છે એ વિચારવા માટેનું એકાદ અનુસંધાન પણ ન બચ્યું હોય ! 

હયાતીનો માનવીના વશમાં કોઈ વિકલ્પ નથી એટલે ફરી બેઠા થઈને શોધ આદરવી પડે કે જ્યાં પોતાની જાતને જોડી શકાય. વાત સ્ત્રીની છે, સ્ત્રીના જીવનમાં અચાનક ત્રાટકી પડેલી એકલતાની છે ને એમાંથી બહાર નીકળવાની મથામણની છે. અચાનક મળેલી એકલતા જેટલી અંધારઘેરી છે, એમાંથી નીકળવાની મથામણ એટલી જ ઊજળી પ્રકાશરેખા બની ગઈ છે ને એ આ કાવ્યનું સૌંદર્ય છે અને નાયિકાનું આંતરસૌંદર્ય છે. રસ્તા ખીણમાં જનારા હોય ને શિખરે પહોચાડનારા પણ હોય, પસંદગીની તક ઈશ્વર સૌને આપે છે. સમજણનું વર્તુળ જેટલું વિસ્તૃત એટલી જ દિશાઓ ફોરમભરી હોય. 

કુમકુમ, સેંથો, અડવા હાથ સ્વયંસ્પષ્ટ છે. એમાં ‘ઠઠારો’ શબ્દ એક જુદો મિજાજ પ્રગટ કરે છે. આ શબ્દ જ મજબૂતાઈ, ખડતલપણાનો અહેસાસ આપે છે. ‘ઠઠારા’ની જગ્યાએ ‘શણગાર’ મૂકી જુઓ, તફાવત તરત સ્પષ્ટ થઈ જશે. એકલવાયી જિંદગીને એક મજબૂત કવચનીય જરૂર હોય, ભલે એ પોતે પોતાના જ આધારે ઊભું કર્યું હોય ! અત્યંત રોચક બાબત એ છે કે આ ઠઠારો શબ્દનો છે. શબ્દનું શરણું લીધું છે, શબ્દનો આધાર છે. શબ્દને પહેર્યો છે, શબ્દને ઓઢયો છે, શબ્દનું જ કવચ છે એટલે હવે કોઈ ફિકર નથી.

આખીયે રચનામાં શબ્દનો જ મહિમા છે. એનું વૈશિષ્ટ્ય એ છે કે શબ્દ એક સ્ત્રીના જીવનનો આધારસ્તંભ બની રહે છે ત્યારે શબ્દનો વરસાદ મૌનના ગોરંભ તોડી દે અને વેરાન રણને લીલાછમ બનાવી દે, એ કલ્પન રેશમની જેમ અંતરને સ્પર્શી જાય છે. શબ્દનો પટારો જેવો ખૂલે કે આંખની પલકો પરના બિંદુ મોતી બનીને તગતગે આ બધી વાત સામાન્ય લાગતી હોવા છતાં અસામાન્ય છે કેમ કે શબ્દો સામાન્ય નથી. શબ્દો અનેક અર્થસરોવરો છલકાવે છે. દરેક શબ્દનો પોતાનો મિજાજ ને પોતાનો ઇતિહાસ છે. એ સુખદ છે તો દુખદ પણ છે. એમાં ઠઠારો છે ને શણગાર પણ છે. સ્મિત છે ને ચીસ પણ છે. શબ્દો ક્યારેય ડિક્શનરીમાં ચિતરાયેલા અર્થોના બંધનને સ્વીકારતા નથી. એની પોતાની અદૃશ્ય રેખાઓ હોય છે ને એ ક્યારેય ક્યાંય પણ વિસ્તરી શકે છે. 

ઘરકુટુંબને ત્યાગી દેવાની, કે સમાજની સ્થાપિત વ્યવસ્થાના વિકલનની સ્પષ્ટ વાત કર્યા વગર, જીવનના એકએક ડગલે, એકએક સ્થળે શબ્દના આકલનની વાત, વિઘટનને બદલે સંઘટનની વાત અહીં કરવામાં આવી છે. આપણે ત્યાં વાયકા છે કે મૃત્યુ પછી વૈતરણી નદી પાર કરવાની આવે છે, ત્યારે ગાયનું પૂંછડું ઝાલીને પાર થઈ શકે છે. ભાષામાં શબ્દની પ્રચૂરતા એ વૈતરણી છે, અને વિવેકના સંયમથી શોભતો શબ્દનો પ્રયોગ એ કામધેનુ છે. છેલ્લા એક શેરમાં, શબ્દની એકાધિક અનુભૂતિઓને પ્રયોજીને શબ્દને ઘણે, ઘણે ઊંચે સ્થાને મૂકવાની જે કલ્પના કરવામાં આવી છે. જુઓ કે અહીં શબ્દ કામધેનુ બનીને, શબ્દની વૈતરણી નદીમાં, શબ્દના સહારે શબ્દના કાંઠાને પાર કરાવે એવી જે મનોકામના કરવામાં આવી છે  એ સાચે જ અનન્ય છે.

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: