Posted by: readsetu | જુલાઇ 19, 2016

Kavyasetu 244 Parul Khakhkhar

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 19 જુલાઇ 2016

કાવ્યસેતુ 244   લતા હિરાણી

ધૂંધવતું છે ઠરવા તો દે,
ડહોળ જરા આછરવા તો દે.

વ્યાજે લીધેલા સ્મિતોનાં,
બાકી હપ્તા ભરવા તો દે.

ગુલમહોરી રાતોનાં પ્રેતો,
આંખેથી ઉતરવા તો દે.

જીવી જાવું એમાં શું છે !
છાતી કાઢી મરવા તો દે.

શૂળ ત્વચાની સોંસરવી ગઇ,
ઊંડે જઇ ખોતરવા તો દે.

ઊંડું, છીછરુ નક્કી ના કર,
ભરતીને ઓસરવા તો દે.

ક્યાં લગ પોલંપોલ શબદની,
કંઇક નક્કર કરવા તો દે.   પારુલ ખખ્ખર

 

ગતિશીલ ગુજરાત તો હમણાં હમણાનું કહેવાયું. શહેરોનું જીવન ક્યારનુંય અતિગતિશીલ બની ચૂક્યું છે. સમય નથી, ધીરજ નથી. બધુ ઝટ પતાવવું છે, રાહ જોવી શબ્દ પ્રયોગ લગભગ ડિલીટ થવા આવ્યો છે તો દે.. રદીફ મને મારા નાનીમાની યાદ અપાવી જાય છે. દિવસના દસ વાર મારી કંઈક માગણી હોય ને દરવખતે એમનો જવાબ હોય,  શાંતિ રાખ, જરા જંપવા તો દે’. હવે આવું કહેનારા રહ્યા નથી ને કહેતા હોય ત્યાં સાંભળનારા રહ્યા નથી.

આખીયે ગઝલનો સાર એ જ છે કે ધીરજ ધર, ઉતાવળ ના કર. આગ હજી ધૂંધવે છે, ઠરી જાય પછી વાત. આ સ્મિત, ખુશીઓ દેખાય છે એટલી સહજ નથી. એની પાછળ કંઇ કેટલીય પીડાઓ વહોરી છે. એના હજી હિસાબ ચૂકતે કરવાના બાકી છે. આંખોએ ગુલમહોરી રાતોના સપના જોયા છે અને એ સપના જ રહ્યા છે, પાંપણો એના પ્રેત લઈને ફરે છે. ભાર એનો ઉતારવા તો દે. જંતુની જેમ જીવવું કબુલ નથી. મુશ્કેલીઓ ભલે આવે, સામી છાતીએ લડવું છે પણ સમય તો જોઈએ ને ! કાંટો અંદર સુધી ભોકાયો. એટલા જ ઊંડે જઈ એને ખોતર્યા વગર એ બહાર થોડો નીકળે ? સામે દેખાય છે એ તો ભરતીના પાણી છે, ભરોસો ન કરાય. છીછરા માનીને કૂદીએ અને ઊંડાય નીકળે ! રાહ તો જોવી જ પડે ને ! અને આખરે એક સર્જકની વાત. શબ્દોથી રમતા તો ઘણાને આવડી જાય, કંઈક નક્કર કામ કરી બતાવે ત્યારે ખરું !   

 

શેરો ઓછા શબ્દોમાં ઘણું કહી જાય છે. રજૂઆતમાં નાવીન્ય છે. પ્રત્યેક શેર એક જુદો મિજાજ લઈને આવે છે પણ એમાં પરોવાયેલું સૂત્ર એક છે અને એની છટા સ્પર્શી જાય છે. વ્યાજે લીધેલા સ્મિતો અને એનાય બાકી હપ્તા કે ગુલમહોરી રાતોના પ્રેતો અને એને આંખેથી ઉતારવાની વાત અનોખી બની રહી છે. ઉઝરડાઓને ઉઘાડવાના છે અને ઢાંકવાનાય છે ! એની વાત કરવામાં હળવાશ હાથવગી છે, કળા છે.  

ધીરજના ફળ મીઠા કહેવત સૌએ સાંભળી છે પણ અમલની વાત જુદી છે. તો દે માત્ર બે અક્ષરના બે શબ્દો અને એનાથી બનતો રદીફ બહુ અસરકારક બની રહે છે. તો શબ્દમાં ભાર છે અને દે શબ્દમાં માગણી છે. અહીં જે માગણી છે એમાં વજન છે પણ વિદ્રોહ નથી. જે ભાર છે ભાવનો અને ભીનાશનો છે. જે કરવું છે એના પ્રત્યે પૂરી જાગૃતિ અને સમજણ છે. રોજબરોજની વાતોનો ઝટકો છે, એમાં જ્યાં અટકવું પડે છે એનો ખટકો છે. નાનકડી મથામણો ને એમાંથી બહાર આવતું જીવનદર્શન, વર્તનનું સત્ય સ્પર્શી જાય છે.    

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: