Posted by: readsetu | ઓગસ્ટ 9, 2016

Kavyasetu 247 Varsha Barot

7દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 9 ઓગસ્ટ 2016

કાવ્યસેતુ  247    લતા હિરાણી  (Original Article)

નથી હું લેખિકા કે નથી કોઈ કવિયત્રી
છતાં પણ,
પળેપળ મારી આંગળીઓ કવિતા રચે છે
રસોડામાં ગોઠવેલ ગેસની સગડી પર
ને ઝાડુ-પોતાથી ઘરની ફર્શ પર
કપડા પર પડતા ધોકાના ધબ….ધબ…. અવાજમાં
આખીયે નિચોવાઈ જાઉં છું ને પછી,
સૂકવવા મૂકું છું જાતને તડકામાં
ઘરના ખૂણેખૂણામાં ફરી વળતી મારી આંગળીઓ
કવિતા રચતાં-રચતાં થાકી જાય છે ત્યારે
સુકાઈ ગયેલી મારી જાતની ગડી વાળીને
ગોઠવું છું કબાટમાં
હાંફ ઉપર હાંફના ખડકલા કરીને
એકાંતના અંધારામાં બે-ઘડી નિરાંતનો શ્વાસ લેવા મથું છું
ત્યાં તો હાથમાં પ્રકાશપીંછી લઈને ઊભેલો સૂરજ
બારણે ટકોરા દઈને મને જગાડે છે ફરીથી કવિતા રચવા
ને ફરીથી, ઉત્સાહ સાથે હું ખૂંપી જાઉં છું
જન્મથી માંડીને મૃત્યુ લગી કંઈ કેટલીયે કવિતા રચતી રહું છું
પરંતુ મારી એકપણ કવિતાની નોંધ સુદ્ધાં નથી લેવાતી.
શું ખરેખર જગતમાં શબ્દનો જ મહિમા હશે…..?………. વર્ષા બારોટ

નારી અને લયને કદાચ જન્મજાત સંબંધ છે. મને લાગે છે કે લય એના લોહીમાં વહે છે એટલે જ જુઓને મોટાભાગના લોકગીતોની રચયિતા સ્ત્રીઓ જણાઈ આવશે. એણે ક્યાંય પોતાનું નામ નથી લખ્યું પણ હાલરડાથી માંડીને બાળકને રમાડતા, કુવે પાણી ભરતા, છાણાં થાપતા, છાશ વલોવતા, ભીંતે ઓકળીઓ પાડતા, દરવાજે સાથિયો રંગોળી પૂરતા કેટકેટલા ગીતો મળી આવે છે ! શેરી ને સીમના, મરશિયા ને મંગળ ચોઘડિયાના ગીતો જ ગીતો. ગીતો કન્યાવિદાયના ને ગર્ભવતી સ્ત્રી માટેના ગીતો.. લગ્નપ્રસંગમાં તો પ્રત્યેક વિધિના ગીતો ગાતી માંડવા પક્ષની સ્ત્રીઓ અને જાનડીઓ, અરે, વેવાઈને જે વાત સીધી રીતે ન કહી શકાય એ ગાઈને કહેવા માટે ફટાણાનોય ભંડાર ! આપણી પરંપરામાં ગીતોનો ખજાનો ભર્યો છે અને મોટાભાગના ગીતો સ્ત્રીઓએ રચ્યા છે. અલબત્ત હવે શહેરોમાં આ બધું હવે ભૂંસાતું જાય છે પણ ગામડામાં હજી દરેક પ્રસંગે સ્ત્રીઓ જ ગીતો ગાતી હોય એ જળવાયુ છે ખરું.

આ અછાંદસ ગીતમાં મને આ સૂર વર્તાય છે. સ્ત્રી જીવનભર કવિતા રચતી રહે છે. સવારના ઊઠે ત્યારથી માંડીને રાતના નીંદર એની પાંપણો ઢાળી દે ત્યાં સુધી એના પ્રત્યેક વર્તનમાં લય છે, સર્જન છે પણ મોટેભાગે એની નોંધ નથી લેવાતી. એ એની ફરજ છે, એમાં કોઈને કશી મોટી વાત લાગતી જ નથી. સ્ત્રી જ્યારે નથી હોતી ત્યારે પુરુષને ખબર પડે છે કે પત્નીનું અસ્તિત્વ શું ચીજ છે ! પણ ફિરસે વોહી રફતાર !

આ કાવ્યમાં જાતને તડકામાં સુકવવાની અને ગડી વાળીને કબાટમાં મૂકવાની વાત કાવ્યપદાર્થ સુધી પહોંચે છે. અહી ગર્ભિતાર્થ વર્તાય છે. ઉપેક્ષાના દુખથી ભીના થયેલા મનને સૂકવી ફરી કાર્યરત થવાનો કે કંતાઈ ગયેલી કાયાને ઘરની જરૂરિયાતો પૂરી કરવા વ્યવસ્થિત કરતાં રહેવાનો પ્રયાસ સૂચવાયો છે. રાત પડે થાકેલી સ્ત્રીના ‘હાંફના ખડકલા’ એ સ્પર્શી જતું કલ્પન છે. કામનો અને કામના થાકનો બોજ લઈને જ એ સુએ છે. રાત પલકારાની જેમ વીતી જાય છે કેમ કે ઘડી બે ઘડી શ્વાસ જંપે ન જંપે ત્યાં તો સૂરજની સવારી બારણે ટકોરા દેવા માંડે છે. ગમી ગયેલી વાત એ પણ છે કે આખરે નિરાશાનો સૂર નથી. ફરી ઉત્સાહથી બીજા દિવસની કવિતા રચાવાની શરૂ થાય છે. કોઈ જાતની કદર વગર પણ કામ કર્યે જ જવું એ જ તો એની શક્તિનું રહસ્ય છે. હા, એને પ્રશ્ન થાય છે ખરો કે શું ખરેખર જગતમાં શબ્દનો જ મહિમા હશે ? આ સતત રચાતી નિશબ્દ કવિતાનું કોઈ મૂલ્ય નહીં ?

 

 

Advertisements

Responses

 1. Vah! Khub sunder!

 2. શબ્દોની નહી પણ પોતિકી કવિતા,ખૂબ જ સરસ.

  • Thank you.

   Sent from Samsung Mobile

 3. very nice……tame lakhta raho, ame vanchta rahi ye

  • Thank u Surajji.

   Sent from Samsung Mobile


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: