Posted by: readsetu | ઓગસ્ટ 11, 2016

Falvitaran

ફળવિતરણ – લતા હિરાણી  (Original article)

આદિત્ય કિરણ > જૂન 2016

1998ની સાલ. લાયન્સ ક્લબમાં હું એ વખતે સેક્રેટરી હતી. ક્લબનો એક કાયમી પ્રોજેક્ટ છે, દર મહિને હોસ્પિટલમાં ફળ વિતરણ. મને એ કામ આકર્ષતું પણ જ્યાં સુધી પદ સંભાળ્યું નહોતું ત્યાં સુધી કંઇક પ્રતિકુળતાઓ આવ્યા રાખતી. મંત્રી બન્યા પછી તો જવાનું જ હતું.

પ્રથમ માસમાં એ પ્રોજેક્ટ આવ્યો. થેલાઓ ભરીને અમે ફળો ખરીદ્યાં અને સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા. મનમાં ભાવ અને પગમાં થનગનાટ હતો. આજુબાજુના વાતાવરણે એ ભાવને ઘણી ઉંચાઇએ પહોંચાડ્યો. સામે મળતી દરેક વ્યક્તિની નજર સાથે મારી નજર મળતી અને મારા શરીરમાં જાણે મધર ટેરેસા પ્રવેશતા હોય એવું હું અનુભવવા લાગી. હાથમાં થેલાનું ખાસ્સું વજન હતું પણ થેલામાં જાણે ફળો નહીં સોનામહોરો ભરી હતી.. થેલાં ઉપાડીને ચાલતાં કપાળે પરસેવો વળતો હતો પણ હું સિવિલ હોસ્પિટલના નહીં, મહાનતાની સીડીના પગથિયા ચડી રહી હતી.

અમે ઓર્થોપેડિક વૉર્ડમાં પહોંચ્યા. હૉલ ઘણો મોટો હતો. પીડાતા, રીબાતા દર્દીઓ અને એમનાં લાચાર સગાંવહાલાંઓથી છલકાતો હતો. એ બધાની વચ્ચે ફરતા ડૉકટરો, નર્સો, આયાઓના સાવ શુષ્ક, ભાવવિહીન ચહેરાઓ જોઇને મને લાગ્યું કે માનવતા ખરે જ મરી પરવારી છે. આટલા દુખ અને પીડા વચ્ચે માનવી કેમ આટલો નિર્વિકાર રહી શકે ? પણ પછી થયું આવું વિચારવું નિરર્થક છે. અત્યારે મને ઇશ્વરે જે ફરજ સોંપી છે એ પૂરા દિલથી બજાવી લઉં.

વૉર્ડમાં દવાઓની સાથે અસ્વચ્છતાને કારણે બીજી અનેક વાસ ભેગી થઇ મારા નાક પર હુમલો કરતી હતી. પણ મારા એક હાથે થેલો ઉંચકવાનું અને બીજા હાથે કેળાં વહેંચવાનું કામ કરવાનું હતું. એ વાસથી બચવા નાક આડે રુમાલ ધરવાની મને ફુરસદ ક્યાં હતી ?

પૂરી નમ્રતાથી હું પહેલા ખાટલે ગઇ. દર્દીના બંને પગે પ્લાસ્ટર હતું. જાણે પાટાના જ બે પગ પડ્યા હતા. દર્દીની આંખો બંધ હતી. એના ટેબલ પર હું બે કેળાં મુકવા ગઇ ત્યાં એની બાજુમાં બેઠેલા બહેને હાથ લંબાવ્યો. બહુ સંકોચથી એમના હાથમાં મેં બે કેળાં મુક્યાં અને એમની સામે નજર માંડી. એમના બે હાથ જોડાઇ ગયા. જાણે મેં અડધું રાજપાટ આપી દીધું હોય એવી આભારવશતા એમની આંખોમાં છવાઇ ગઇ. મારાથી એ નજરનો ભાર ન ખમાયો. મનની ઉંચાઇ અડધી થઇ ગઇ. પછી ન હું એમની સામે નજર માંડી શકી ન મારા ગળામાંથી શબ્દો  નીકળી શક્યા.

બીજા ખાટલે દસેક વર્ષનો એક બાળક હતો. એનું લગભગ આખું શરીર પ્લાસ્ટરમાં વીંટળાયેલું હતું. એની આંખ ખુલ્લી હતી. આ વખતે કેળા ટેબલ પર મુકવાને બદલે એની માના હાથમાં મુક્યા જેથી એણે હાથ ન લંબાવવો પડે. મા સામે નજર માંડવાની હિંમત ઘટી ગઇ હતી જેથી સીધું બાળક સામે જોયું. અમે વૉર્ડમાં પ્રવેશ્યા ત્યારનું બાળક કેળાના થેલા તરફ તાકી રહ્યું હતું. બાળક સાથે નજરનો દોર સંધાય ત્યાં સુધીમાં તો માએ કેળું છોલી બાળકને ખવડાવવાનું શરુ કરી દીધું હતું. બાળકની આંખોમાં મેં કેળાનો સ્વાદ છલકાતો જોયો. મને કંઇક રાહતની લાગણી થઇ. પણ મારા મનની ઉંચાઇ હવે કેળાની છાલ પરથી લપસીને બાળકના પગ સાથે બાંધેલી લટકતી ઇંટ સુધી પહોંચી ગઇ હતી અને મારી સ્વસ્થતા મને દગો દઇ ગઇ હતી.

ત્રીજા ખાટલા પર કોઇ બહેન હતી. બાજુમાં એની ઘરડી મા બેઠી હતી. મેં નીચી નજરે એના ખોળામાં કેળા મુક્યાં ને એ મા બોલી, બેન, ભગવાન તારા દીકરા જીવતા રાખે. ઇંટથી જમીન સુધીનું અંતર પછીના ખાટલે પહોંચતાં જ ખતમ થઇ ગયું. માત્ર બે કેળાં મળતાં જોડાતા બે હાથો અને એમની આંખોમાં છવાતી આભારવશતા કે દયનીયતાથી હું ભોંયભેગી થઇ ગઇ. મનનો અહમ ઓગળીને મને તુચ્છ કરી મુકતો હતો. વૉર્ડમાંથી બહાર નીકળી ત્યારે હાથમાં કેળાંનો ભાર નહોતો, મન પર પેલી દંભી ઉંચાઇનો ભાર હતો.

ફળવિતરણનું કામ પૂરું થયું ને મનવેતરણનું કામ શરુ થયું. માત્ર બે કેળાં આપી દઇને મેં એમને એવું તે શું આપી દીધું ? આના કરતાં અનેક ગણો બગાડ ઘરમાં થયો હશે ! અને એ બે કેળા આટલાં કિંમતી હોય તો એ વાત સમજતાં મને આટલાં બધાં વર્ષો લાગ્યાં ?

લાયન્સ ક્લબમાં અનેક વાર આવું વાક્ય સાંભળ્યું છે, આ ક્લબે આટલા લાખ રુપિયાના સેવાકીય કાર્યો કર્યાં. અને મને થાય કે શું સેવાકીય કાર્યોનું મૂલ્ય રુપિયામાં આંકી શકાય ખરું ? આંકડા વહીવટ માટે જરુરી છે પણ હું શબ્દો આમ વાપરું છું આ ક્લબે આટલા લાખ રુપિયા સેવાના કામમાં વાપર્યા. કેમ કે કોઇપણ આંકડો પેલા બે કેળાના મુલ્ય કરતાં મોટો થતો જ નથી.

 

 

Advertisements

Responses

  1. સરસ કામ. “બે કેળા” અમુલ્ય…

    • Thank you Vimalaji.

      Sent from Samsung Mobile


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: