Posted by: readsetu | ઓગસ્ટ 23, 2016

Kavyasetu 248 Shakur Sarvaiya

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 23 ઓગસ્ટ 2016

કાવ્યસેતુ 248   લતા હિરાણી         (Original Article)

 કુમળાં શાકભાજી વેંચતા બકાલીના વિચારને

લશ્કરી કવાયતને નીરખતા અમલદારના

વિચારો સાથે સરખાવી શક્યો નથી હજી સુધી.

ઊડતા હંસો અને ફૂટપાથ ઉપર ટૂંટીયું વાળીને

સૂતેલા કૂતરાની વચ્ચે

કશુંય સામ્ય સ્થાપિત કરી શકાતું નથી.

પવનથી ઊડી જતી ઓઢણી ઉપર

લીલા પાલવથી ઢંકાયલી ચાંદની ઉપર,

વરસાદની ઝીણી ઝરમર ઉપર,

તમરાંના એક સૂરીલા અવાજ ઉપર

લીન  જાઉં છું

એમ નિખાલસતાથી કહી શકું છું;

પરંતુ

દોહવાતી ગાયના પાછલા પગ ઉપર

અને પગને બાંધતા દોરડા ઉપર

કવિતા કરવા જેટલો કવિ નથી થયો

 હું કબુલ કરૂં છું.   ……………. શકુર સરવૈય

 નેટ પરથી અછાંદસ કવિતા મળી. કવિ શકૂર સરવૈયાની કવિતા મૂકનાર બીજું કોઈ હતું. એને રજૂ કરનારની જેમ મને પણ લાગ્યું કે આમાં શું નોંધપાત્ર છે ? પણ અંત સ્પર્શી ગયો. બહુ સરળતાથી કવિ પોતાની મર્યાદા પહેલા વર્ણવે છે. પોતાની સંવેદનાનો પણ પરિચય આપે છે પરંતુ સાચે સામાન્ય બાબત છે. એમની છેલ્લી વાત છે ગાયના પગ પર દોરડા બાંધવાની વાત. ગાયનું દૂધ એના વાછરડા માટે હોય છે જેમ પૂરી પ્રાણીસૃષ્ટિમાં માતા એના બાળકના પોષણ માટે દૂધ આપે છે. પ્રાકૃતિક વ્યવસ્થા છે. અને એટલે સ્વાભાવિક રીતે પોતાના બચ્ચા માટેનું દૂધ દોહવા જતાં માણસને ગાય સાંખી શકે. છતાંય માણસને વાછરડાનું દૂધ તો ઝૂટવવું છે અને ગાયને દોહતા પહેલા એના પાછલા બેય પગ બાંધી દે છે જેથી ગાય લાત મારી દે. માણસ જેટલું ક્રૂર પ્રાણી બીજું કોઈ ન હોઈ શકે ?

કેટલી સહજતાથી આપણે વાઘ, દીપડા જેવા પ્રાણીઓને હિંસક ચીતરી દઈએ છીએ ? જે માત્ર પોતાના આહાર માટે આ બધુ કરે છે અને એ ય એનો કુદરતી ખોરાક છે. જ્યારે માણસ તો પોતાનું પેટ ભરાઈ જાય પછીય ધંધો કરી વધુ પૈસા કમાવા માટે આ અને આવું કેટલુંય કરે છે ! માણસના સ્વાર્થની કોઈ સીમા નથી. કરોડો, અબજો, ખર્વો કમાયા પછીયે એને ધરવ થતો નથી. પાણીની જેમ ઉડાડતો માણસ જરા જેટલી બીજા જરૂરિયાતમંદની મદદ માટે હાથ લંબાવી શકતો નથી. આ માણસ સંસ્થા બને છે ત્યારે એની આ વૃત્તિ વકરે છે.

ચારેબાજુ એકરોમાં પથરાયેલા ભવ્ય મંદિરો અને સંપ્રદાયોના ધોધમાર પ્રચાર જોઈને આ વિચાર આવે. શું ભગવાન ભવ્ય મંદિરોમાં જ બિરાજી શકે ? મૂળે મંદિર એટલે ગામની બહાર લોકોને ઈશ્વરના નામે અંતરાત્મા સાથે જોડાવાનું સ્થળ હશે. પછી એમાં વિધિવિધાનો ઉમેરાયા હશે. ત્યાં સુધીય ઠીક હતું પણ હવે તો જાણે ભગવાનને માર્કેટમાં જ મુકાયા છે. કેટલાય સંપ્રદાયો વચ્ચે સ્પર્ધા જ ચાલતી હોય એમ લાગે. કેટલા અનુયાયીઓ વધારી શકો ? કેટલી મોટી બોલી બોલી શકો ? કેટલું દાન મેળવી શકો ? કહેવાતા સંતોના રાફડા ફાટયા છે અને એની લીલા(?)નો કોઈ પાર નથી. આવા સંતોને અનુયાયીઓમાં ગુંડાઓની પણ જરૂર પડે જ.. પછી એ જ થાય જે કોઈ સમજદાર માનવી સમજી શકે.  બહુ જાણીતા નામો અહી ટાંકી શકાય પણ જવા દો ….

કવિતાનો એક ધારદાર સ્પર્શ ભાવકને ક્યાંથી ક્યાં લઈ જાય ! આ વિચારની તાકાત છે, આ રજુઆતની તાકાત છે. આપની ચારેબાજુ કેટકેટલું પથરાયેલું છે.. પગ બાંધીને દોહવાતી ગાય આપણે બધાએ જોઈ હોય. એનું સંવેદન કવિને જ સ્પર્શે અને ભાવક સુધી પ્રસરે. અછાંદસ કવિતા મોટેભાગે કોઈ આવા અણીદાર વિચારમાંથી જ જન્મતી હોય છે… એટલે જ એને પ્રાસ કે મીટરના બંધન માફક નથી આવતા.       

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: