Posted by: readsetu | સપ્ટેમ્બર 12, 2016

Kavyasetu 250 Jinesh Shah

મિત્રો 2011થી શરૂ થયેલી ‘કાવ્યસેતુ’ કોલમની યાત્રાનો આ 250મો હપ્તો ! ખૂબ આનંદ છે. દિલથી આભારી છું આ કૉલમ શરૂ કરાવનાર દિવ્ય ભાસ્કરના અધિકારીઓએ શ્રી મનીષભાઇ મહેતા અને હજુયે એટલો જ સહયોગ આપનાર શ્રી કૃષ્ણકાંતભાઈ ઉનડકટની…. સરસ મજાનો સહકાર આપનાર શ્રી શેફાલીબહેન પંડ્યા અને શ્રી મીરાબહેન ત્રિવેદીની… ખૂબ ઉમળકાથી મારી કોલમને વધાવનાર સૌ વાચક મિત્રોની અને મારા કવિમિત્રોથી તો હું રળિયાત છું …….

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 6 સપ્ટેમ્બર 2016

કાવ્યસેતુ 250   લતા હિરાણી (Original Article)

મારા બાહુ બન્યાં એથી બળિયા..
મેં ત્રોફાવ્યા તેની ઉપર તુજ નામે માદળિયાં !

હું તો આળી-ભોળી-ઘેલી ઉડતીતી આકાશ,
ડાળ ભુજાઓની પ્રસરાવી તેં બાંધી ચોપાસ.
ટહુકાનાં રંગોથી થૈ ગ્યા મેઘધનુષી ફળિયા !

દીવો બાળી જીવ્યે જાતી, સૂરજ ભાળ્યો નોતો,
તેજ લીસોટો કંચૂકી થઇ બાંધ્યો હૈયા સોતો.
ઝળહળ ઝળહળ આંખે આંજ્યા મીઠાં રે ઝળઝળિયાં !

નાવલડી લઇ એક દિવસ હું ગઈતી માઝમ રાત્રે,
બહાર દરિયો, ભીતર દરિયો ભીનાં ભીનાં ગાત્રે.
સો સો હાથ ઉલેચું તો પણ આવે નાહિ તળિયા !

મારા બાહુ બન્યાં એથી બળિયા..
મેં ત્રોફાવ્યા તેની ઉપર તુજ નામે માદળિયાં !  ~~ જિનેશ શાહ.  

આખુંય ગીત વાંચીએ તો એક નારીના પ્રેમરસનો સમુદ્ર શબ્દોમાં ઘૂઘવતો વરતાય. એટલે એક વિચાર એમ પણ આવે કે આ બળિયા બાહુ તે એક સ્ત્રીના જ ! આમ તો હવે સાક્ષી રેસલિંગમાં ઓપલિમ્પિક સીલ્વર મેડલ લઈ આવે પછી આવો સવાલ મનમાં જાગે તો એ જરા ખોટું કહેવાય, નહીં ? છોડો, આ તો કવિતા છે. ‘બળિયા બાહુ’ એ વહન કરે છે, સમગ્ર શક્તિના સંચારને. કવિતામાં ‘બળિયા’ શબ્દ બીજી ક્ષણે હૈયા સાથે જડાઈ જાય છે. હાથોમાં કે શરીરના કોઈપણ ભાગમાં તાકાત તો મન આપે છે, હૈયામાંથી આવે છે અને હૈયું જો હરખાય, ધરાય તો જ તાકાત આપે નહીંતર ઊલટું શક્તિ છીનવી લે એ મારો, તમારો, સૌનો અનુભવ છે.

હૈયું વ્હાલમના વિચાર માત્રથી હરખાય છે. જેનું નામ ત્રોફાવવાના ઓરતા જાગે એ વ્હાલમ કેવો હોય ? કેવું એનું વ્હાલ હોય ને કેવો વરતારો ? સ્ત્રીને વેલ કહી છે તે અમસ્તું નહીં ! પોતાના મનના માનેલા પુરુષને પામ્યા પછી સ્ત્રીને અવલંબિત રહેવું ગમે છે. પોતાનો પુરુષ જ પોતાનો આધાર બને એવું એ હંમેશ ઇચ્છતી હોય છે. એ ઝંખે છે કે વ્હાલમ એને વીંટી લે, ઊંચકી લે ને આલિંગી લે. પછી ફળિયામાં મેઘધનુષી ટહુકાઓ જ વેરાય…  

સૂરજ તો રોજ ઊગે પણ લોક માટે, વિરહીણી માટે એ ત્યારે જ ઊગે જ્યારે મનભાવન પિયુ મળે ! ત્યાં સુધી એ  દિલમાં આશાનો દીવો જલાવીને બેઠી હોય ! ને પછી મીઠા ઝળઝળિયાંનો અવસર આવે ત્યારે મન કેવું રોમાંચિત થઈ જાય ! પ્રેમરસ બે કાંઠે છલકાય ત્યારે અંદર બહાર દરિયો જ ઘૂઘવે. એના તળિયા કે તાગ હોય જ નહી… અહીં મને ગમી ગઈ એ આ પંક્તિ છે, “સો સો હાથ ઉલેચું તો પણ આવે નાહિ તળિયા !” બંને રીતે આ શબ્દો ખૂબસૂરત છે. ભાવની રીતે તો ખરા જ પણ ‘નહીં’ને બદલે ‘નાહી’ શબ્દનો પ્રયોગ લયને સાચવી લે છે અને એક મધુરતા પેદા કરે છે. આ બંને શબ્દોનો ઉચ્ચાર કરી જુઓ તો ‘નાહી’ શબ્દની રસલીલા પરખાઈ આવશે. આ શબ્દ એક તરંગ જન્માવે છે જે ક્યાંક અર્વાચીનકાળની તો ક્યાંક મીરાંના કે સૂફીપદોની સુગંધ બક્ષી જાય છે.

નારીના મનોભાવોને લઈને આપણાં ઘણાં ગુજરાતી કવિઓએ શૃંગારગીતો રચ્યાં છે. કવિઓ એમાં વધુ સફળ રહ્યા છે એમ કહીએ તો ખોટું નથી અને એનું બીજું પાસું એય હોઈ શકે કે સ્ત્રીઓ પાસે અભિવ્યક્તિ માટે શૃંગાર સિવાય પોતાના અનેક સૂક્ષ્મ મનોભાવોની રેલમછેલ છે. પોતાના રોજિંદા જીવનની આંટીઘૂંટીઓમાંથી પસાર થતાં કલાની જે ક્ષણો જડી જાય તે સહજ રીતે એ જ વિષયને પકડી લે ! નારી સંવેદનોની પુરુષ અભિવ્યક્તિમાં આ કવિએ સરસ ઝીણું કાંત્યું છે એ નક્કી.  

 

   

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: