Posted by: readsetu | સપ્ટેમ્બર 27, 2016

Kavyasetu 253 Dipti Vachchharajai

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ  > 27 સપ્ટેમ્બર 2016

કાવ્યસેતુ 253  લતા હિરાણી

ટહુકા

રખાવો ડાળ લીલીછમ, કરે તોફાન આ ટહુકા!
પછી ભીતરથી રમ પમ પમ, કરે તોફાન આ ટહુકા!

કરી રાખો હૃદયના પિંજરામાં બંધ તો શું થ્યું?
મળે જ્યાં ઈવ ને આદમ, કરે તોફાન આ ટહુકા!

અરે! આ ગાલના ખંજન કહી ગ્યાં આજ હસવામાં,
ભલે ઘેરી વળે વાલમ, કરે તોફાન આ ટહુકા!

વસી ગ્યો મુગ્ધ યૌવનમાં રસીલો વાયુ વાસંતી,
ભરીને એક ઉંડો દમ, કરે તોફાન આ ટહુકા!

ઉછેરી રેશમી પડઘા, અધર પર એક પરવાનો,
હજી જો છેડશે મધ્યમ, કરે તોફાન આ ટહુકા!

રમત કોની, રજા કોની, મળ્યા નહિં કોઇ સંદર્ભો,
શિવા‘, આ પાશમાં કાયમ, કરે તોફાન આ ટહુકા! ………. દીપ્તિ ભગત-વછરાજાની શિવા

ટહુકા એ વસંતનો અને વસંત એ યૌવનનો ગુંજારવ છે. એની મીઠાશનો કોઈ જોટો જડે એમ નથી. ટહુકાને અને વસંતને કે વસંતને અને યૌવનને જુદા પાડી શકાય નહીં. ટહુકો એ માત્ર અવાજ છે, રવ છે અને શબ્દો વગર પણ એની પાસે અદભૂત આકાર છે. આ અનોખા આકારમાં મેઘધનુષના રંગો છે, નદીની મસ્તાની ચાલ છે, ઝરણાનું સુમધુર ખળખળ છે, સાગરની ઉછાળતી વેગવાન ભરતી છે. અરે, આ ટહુકા પાસે સોળે કળાએ ખીલતું નૃત્ય પણ છે. સંગીત એને બાથ ભીડીને ચાલે છે. પ્રેમીજન એના હૃદયને સંપૂર્ણ ખોલીને કહી શકે કે ટહુકો છે તો આ વિશ્વ છે. ટહુકા વગરનું વિશ્વ વેરાન વગડો છે. 

આ ટહુકાનો રવ કેવો છે ? આ રવ છે એક મીઠા સ્પંદનનો. એક એવો રવ જે પ્રિયજનના વિચારમાત્રથી ઉદભવે છે. તે સ્પંદનોની સિતારના તારને હળવેથી છેડે છે ને પછી આ રણઝણતો રવ કંપન સાથે ફરી વળે છે. પ્રત્યેક ધબકારમાં ને લોહીના વહેતા લયમાં. એ સંભળાતો નથી પણ અનુભવાય છે. હૈયાના રસભીના ટોડલે આસન જમાવીને એ ચહેકે છે. આ ચહેકટ સામા હૈયાને સ્પર્શવા ને ઉન્માદનું વાહન કરવા સક્ષમ છે. બસ એટલે જ એ કહેવાણા તોફાની ટહુકા.

સ્ત્રી અને પુરુષના આકર્ષણના મૂળમાં છે આ રસનું શાસ્ત્ર પછી તેમના ઐક્ય માટે જવાબદાર બને છે આ ટહુકા. આમ તો એ સુષુપ્ત અવસ્થામાં પડ્યા રહે અને જાગૃત થાય તો મનનો કબ્જો લઈ લે. એને કોઈ આકાર નથી છતાં એનો વ્યાપ ક્યાં ક્યાં નથી ? એ કોક ઘેલી પ્રિયતમાના ગાલના ખંજનમાં ડોકાય છે તો વળી કોક રસિકડો લડાવી લડાવીને શ્વાસમાં ઘૂંટે છે તો એના સૂરમાં છે. હવે જો આ ઇજન સામા હૈયાને પહોંચે તો આ મિલનના સૂરનો  આલાપ છેડાયા વગર રહે ખરો ?

નવો નવો વસંતનો પરિચય હોય એવા મુગ્ધ યૌવનને પ્રેમની બારાખડી સમજ્યા વિના જ તેનો અર્થ તારવી લેવાની ઉતાવળ હોય છે. અહી રસના શાસ્ત્રની રેખાઓ રચાઇ જાય છે. પ્રેમ અનેક રીતે બોલકો બને છતાં પણ તેની અપારદર્શિતામાં જ એ પ્રેમનું મૂલ્ય ચાર ચાસણી ચઢી જાય છે, આ ગહન અર્થમાં પ્રેમ પદારથ છે, સ્નેહ સંહિતા છે. રેખાઓ વળોટવાનું બનતું રહે છે કેમ કે રસનું શાસ્ત્ર અને શસ્ત્ર એની અસરોમાં ક્યાંય કસર છોડતું નથી  પણ પછી આ ગહેરાઈને ય જે તાગી લે છે એ ખરા અર્થમાં યૌવનરસના સમુદ્રમાં ડૂબીને પાર ઉતરી જાય છે.

ઈતિ ટહુકાપુરાણ સમાપ્ત :    

 

 

Advertisements

Responses

  1. ખૂબ જ સુંદર..; શબ્દ અને પદની ગોઠવણ અને તેમના અર્થનું સૌંદર્ય; શબ્દ રચનાની ખૂબી. તે ત્રણ રીતે દર્શાવી શકાય છે. શબ્દ લાલિત્ય; પદ લાલિત્ય અને અર્થ લાલિત્ય……Everything is here.

    • Thank you very much. Keep reading..

      Sent from Samsung Mobile


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: