Posted by: readsetu | ઓક્ટોબર 15, 2016

Kavyasetu 255 Yamini Vyas

દિવ્ય ભાસ્કર > 11 ઓક્ટોબર 2016

કાવ્યસેતુ  255    લતા હિરાણી  

લ્યો ! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું !
શું હજી હું તમને હરિજી અઢાર વર્ષની લાગું ?

જાન લઈને ઝટ આવોને બારણાં ખુલ્લાં રાખું !
મૈયરના ગંગાજળ ને તુલસી છેલ્લે છેલ્લે ચાખું.
દહેજમાં શું જોઈએ, કહેજોના કરશો ને ત્રાગું ?

લ્યો ! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું !

ચુંદડી ઓઢી દોડી સહુને આવજો આવજો કરવા !
ચાર ખભે ડોલીએ મ્હાલી ચાલી પ્રભુને વરવા !
શમણામાં પણ તક ના ચૂકું તેથી હું તો જાગું !

લ્યો ! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું !  ….. યામિની વ્યાસ

ગીત મનને પ્રસન્નતા આપે. ભલે એ ગવાય નહીં તો પણ. લય શબ્દોમાં એક કુદરતી મીઠાશ ભરી દે અને એ ગીતનું જમાપાસું છે. મૃત્યુને પણ ગીતમાં વણી શકાય ? હા, એમ તો રાવજી પટેલે કેટલું સુંદર અને ભાવવાહી ગીત લખ્યું જ છે ને ! ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’. પ્રથમ પંક્તિમાં ‘કંકુના સૂરજ’ હોવા છતાં આથમવાની વાતથી જ એક ઊંડી ઉદાસીનો આભાસ વરતાય છે, મૃત્યુ આંખો સામે આવી જાય છે. સત્ય એ છે જ કે કવિએ ખરેખર પોતાની આંખો સામે મોત ભાળ્યું છે.

આ ગીતની ખૂબી એ છે કે વાત મોતની હોવા છતાં ધ્રુવ પંક્તિ આંખમાં અજવાળા ભરી જાય. પહેલી પંક્તિમાં માગું મોકલવાની વાત, વળી લખે કે શું હરી હું તમને અઢાર વર્ષની લાગું ? અને પેલા એંસી વર્ષનો ઉલ્લેખ ભુલાઈ જાય. એક રમતિયાળ ભાવ મનમાં રમવા લાગે. ‘માગું’ શબ્દ કોઈપણ ઉમરની સ્ત્રીના મનમાં રોમાંચ જગવી જાય, આ કલ્પના દરેક ભાવકને જચી જાય અને એ જ આ ગીતની સફળતા છે. અલબત્ત પછીના અંતરામાં ગંગાજળ અને તુલસીનો ઉલ્લેખ પેલા એંસી વર્ષની યાદ અપાવી જાય અને ગીતના મૂળ વિષય તરફ લઈ જાય. બીજા અંતરામાં સહુને આવજો આવજો કરવાની વાત અને ચાર ખભે ડોલીનો ઉલ્લેખ મોતના ભાવને સ્પષ્ટ બતાવે પણ તોયે એથી એની હળવાશ જરીયે ઓછી નથી થતી. શબ્દોની પસંદગી અને આ આખાયે ભાવની અભિવ્યક્તિની રીત એવી છે કે મૃત્યુનો ભાવ જાણ્યા પછીયે એનો ભાર વર્તાય નહીં. રમતાં રમતાં મોત આવવાનું હોય અને થપ્પો કરીને જતું રહે, કંઈક એવું જ. એટલે ખરેખર અહીં વાત મૃત્યુની હોવા છતાં એને આનંદથી ગાઈ શકાય એવું સરસ    ગીત બન્યું છે. આ કવિની કલ્પનામાં સર્જાયેલું, શણગારાયેલું મૃત્યુ છે.

મૃત્યુ એક એવો વિષય છે કે જેણે એને પોતાની સન્મુખ ભાળ્યું હોય કે જે એને અડીને પાછું આવ્યું હોય એ એના ઓથારમાંથી મુક્ત થઈ શકે નહીં. પોતાના સાવ અંગત સ્વજનને આંખ સામે મોતના મુખમાં જતું જોવાની પીડા પણ એટલી જ હૃદય વિદારક હોય છે અને એ ક્યારેક વર્ષો સુધી માનવીનો પીછો ન છોડે. એ દૃશ્ય આંખ સામે તરવર્યા કરે અને ઊંઘમાં પણ માણસ હબકી જાય એ સચ્ચાઈ છે. ચિંતકો, ફિલોસોફરો કહે છે કે મોત આવતાં પહેલાં ન મરો. જીવનને છેલ્લા શ્વાસ સુધી માણો. એ ખૂબ ઉમદા વાત છે. સંતો આવું કરી શક્યા છે પણ એ જીવનની કે જીવનને જોવાની આદર્શ અવસ્થા છે. મૃત્યુનું વાસ્તવ જુદું છે, એ ભયાનક છે. એ ધરતી પર રહેનારું અને ધરતી પર જીવનારા સામાન્ય માનવીનું છે.   

  

 

 

Advertisements

Responses

  1. અરે! આતો જાણે મીરાનું ગીત!!!!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: