Posted by: readsetu | ઓક્ટોબર 15, 2016

Om Ringanaye Namah (hasya lekh)

ઓમ રીંગણાયે નમ :                                                     લતા હિરાણી

આદિત્ય કિરણ > September 2016

 

શું વાત છે !! અમે મહાઆશ્ચર્યમાં ધુબાકો મારતાં પૂછ્યું.

હા, હા, ખરેખર.. જુઓ હમણાં બની જશે. પડોશીએ અમને ઝીલી લીધા, અમારા દુખતા ઢીંચણની ચિંતા કરીને.

વાત એમ બની કે અમે અમારા પડોશીને ત્યાં ખબરઅંતર પુછવા ગયેલા. અમને સીધી રસોડામાં જ એન્ટ્રી મારવાની આદત. એમાં ફાયદો ખરો, નુકસાન કાંઇ નહીં. અમારા પડોશી નલિનીબહેન રીંગણ, બટાકા, કાંદા, કેળા વગેરે લઇને બેઠા હતા.

અમને બધાં જ લીલાં શાક પ્રિય. સ્વાસ્થ્યની ચિંતા ભેજામાં ભરેલી રહે. કારેલા અતિ ગુણકારી. બાબા રામદેવના પ્રભાવે અમે દુધી ખાવામાં જ નહીં, પૂજામાંયે રાખતા થઇ ગયા. પ્રસાદ તો રોજ લેવો જ પડે. ભીંડા, ચોળી, ગવાર, કોબી, ફ્લાવર…. એ દમામવાળા શાકો.  તુરિયા ગલકાં જેવાં સીઝનલ શાકોને તરછોડાય નહીં. આમ અમારા ભોજનમાં સૌનો આવકાર.

અમેં કહ્યું ને અમને લીલાં શાકભાજી પ્રિય. એટલે કાળા રીંગણને જોઇને અમારું મન ક્યારેય લીલું થાય નહીં. કદીક એની દયા ખાઇને બટાકા સાથે નિભાવી લઇએ એ જુદી વાત. તમે પૂછશો, અરે કમભાગી, રીંગણના ઓળાનું શું ? તો અમારું કહેવાનું એ છે કે એમાં કાળી છાલ નીકળી જાય, વળી જાતિ બદલાય જાય. નાન્યતરમાંથી નર થઇ જાય એટલે એ પછી રીંગણ શાના !!!

હા, તો વાત એમ બની કે અમે અમારા પડોશીના રસોડામાં પેસ્યા. અમારા એ નલિનીબહેનના હાથમાં રીંગણ હતા. ઓહો રીંગણની કંઇ વાનગી બનાવો છો કે !! અમે અમારી સમજદારી પર હાસ્યનો છંટકાવ કરવાનો પ્રયત્ન કર્યો. નિશાન ખાલી ગયું. હા, રીંગણના ભજીયા બનાવું છું. આવો ને. અમને લખલખું આવી ગયું.

ભજીયા અમારી પ્રિય વાનગી. અમારે અમારી રુચિનું સત્યાનાશ નહોતું વાળવું. અમે વાત વાળી,

ખરા છો નલિનીબહેન, રીંગણના તે ભજીયા હોતા હશે !!!

અરે લતાબહેન, રીંગણના ભજીયા મસ્ત બને. રીંગણની ચટણી અને રીંગણનું અથાણુંયે હું તો બનાવું. તમને ચખાડીશ. અમારા અજ્ઞાન પર એમણે મંદ મંદ હાસ્ય ભભરાવ્યું. અમારું મોં રીંગણ જેવું થઇ ગયું.

જો કે આશ્વાસનની વાત એ હતી કે થાળીમાં રીંગણની સાથે કાંદા, બટાકા, કેળાં વગેરે પણ સમારેલાં હતાં વળી બહુ જરુરી હતું કે આશ્ચર્ય સિવાયના ભાવ અમે દાબી રાખીએ.

હજી તો મારે કામના ઢગલા પડ્યા છે, તમારા ભાઇ હમણાં આવશે. કહેતાં અમે પુંઠ ફેરવી લીધી. એક બાજુ રીંગણા અને બીજી બાજુ ભજીયાનું ખીરું, અમારાથી એ દ્ર્શ્ય નહોતું ખમાતું.

ઘરમાં આવતાંવેંત અમે દરવાજો ભીડી દીધો અને કામમાં આ દુર્ઘટના ભુલવાનો પ્રયત્ન કર્યો. અમને કળ વળે એ પહેલાં જ બેલ વાગી. દરવાજો ખોલ્યો તો નલિનીબહેનની રુચિતાના હાથમાં ભજીયાની મોટી ડીશ અને મોટો બાઉલ હતાં.

આંટી, તમારું કિચન બંધ. તમારે અને અંકલને ભજીયા જોઇએ કેટલાં ! મમ્મીએ ફટાફટ રીંગણની ચટણીયે બનાવી નાખી છે !!

બહુ આશા સાથે અમે બધા ભજીયા ભાંગી જોયા.

હવે અમારા રસોડામાંયે એન્ટ્રી મારવાની હિંમત નથી. આજે અમે કાળો ઉપવાસ રાખ્યો છે આ રમખાણના શોકમાં.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: