Posted by: readsetu | નવેમ્બર 22, 2016

Kavyasetu 260 Kumar Pashi

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 22 નવેમ્બર 2016

કાવ્યસેતુ 260  લતા હિરાણી

તારા નામે લખું છું : સિતારા, પતંગિયા, આગિયા

તારા રસ્તાઓ સીધા સરળ હોય

એના પર છાયા હોય ઝગમગતા આકાશની

અણદેખ્યા વિશ્વનાં રૂપાળાં રહસ્યો ખૂલતા જાય તારા પર

જેથી આંખોમાં તારી સ્વપ્નો હોય ઊંચેરા ઉડ્ડયનનાં.  

તારા નામે લખું છું : આનંદ, આરજૂ, ખુશબુ

તારો એકએક દિવસ ખૂબસૂરત હોય, નમૂનેદાર હોય

તારી કોઈ પણ રાત ચાંદ-તારાથી ખાલી ન હોય

સવાર થતાં જ્યારે તું ઊઠે

તારી સામે ફેલાયેલી હોય દિશાઓ ફૂલોની

જ્યારે રાત આવે

તારી આંખોમાં સ્વપ્નો હોય હિંડોળાના

તારા નામે લખું છું : એ આખુંયે ખુશનુમા શહેર

જે મેં જોયું નથી

તારા નામે લખું છું સઘળાએ ખૂબસૂરત શબ્દો

જે મેં લખ્યા નથી

તારે નામે ઊજળી સવાર, રંગીન સાંજ લખું છું

સનાતન જામ લખું છું

જે સુખની ક્ષણો મને પ્રાપ્ત થઈ છે એ બધી જ તારે નામે લખું છું

તારે નામે લખું છું…. કુમાર પાશી  (અનુ. સુરેશ દલાલ)  

 

કુમાર પાશીનું મૂળ આ ઊર્દૂ કાવ્ય છે. સીધું સાદું પણ ભાવનાના હિલ્લોળે લખાયેલું આ નર્યું પ્રણયકાવ્ય છે. સનમના એક તલ પર સમરકંદ બુખારા ન્યોચ્છાવર કરનારની વાત સાહિત્યમાં વાંચી છે. અહીંયા એવુંય ખરું ને જરા જુદુંય ખરું…  આ પ્રેમીના દિલમાં લાગણીઓનો મહાસાગર ઘૂઘવે છે, ઉમંગ અને આવેગના આવર્તનોથી મન તરબતર છે. પ્રિયા પર બધું કુરબાન કરી દેવાની અમાપ ઇચ્છા આસમાન સુધી ફેલાયેલી છે. પ્રેમમાં તર્કને સ્થાન નથી જ નથી.

 

હું તને ચાહું છું આ વાક્ય કેટલું વપરાયું હશે ! એ અર્થવિહીન લાગે છે હવે. ખરેખર તો ચાહવાની વાત જ અપેક્ષાથી ભરપૂર છે. પ્રેમ કંઈક પામવાની ભાવનાથી જ થાય છે અને એ સંતોષાય નહીં એટલે સંબંધનો અંત. જે ઝંખ્યું હતું એ પામ્યા નહીં એટલે પ્રેમનો અંત. પ્રશ્ન થાય કે એમાં પ્રેમ નામનું તત્વ હતું ખરું ? અલબત્ત એકવાત એ પણ છે કે આ ઊંચાઈએ બહુ ઓછા, કહો કે આંગળીને વેઢે ગણી શકાય એટલા જ પહોંચે. શિખર સહજ સાધ્ય હોય તો એની મહત્તા જ શું ? સામાન્ય લોકો તળેટીમાં જીવીને જ આયખું પૂરું કરે. ઊંચા આદર્શો જાણવા છતાં પોતાની શક્તિ મુજબ જ આત્મસાત થઈ શકે. જીવનની તમામ ભાવનાઓ માટે આ લાગુ પડે. એ સ્વાભાવિક પણ છે.

અહીં નાયકને માત્ર આપવું છે. કશું જ જોઈતું નથી. સિતારા, પતંગિયા, આગિયા કે ચાંદ-તારાથી ઝગમગતું આકાશ કોઇની માલિકીનું નથી અથવા સૌનું છે. મારી બારીમાંથી દેખાતું આકાશ મારું છે. પણ કોઈને આકાશ આપવાની ભાવનાય મનમાં રંગબેરંગી ફૂલો ખીલવી જાય એ નક્કી. આકાશની સાથે નાયકને આનંદ, આરજૂ, ખુશબુ આ પૃથ્વી પરનું સઘળું ઐશ્વર્ય અને સઘળી સુંદરતા ન્યોચ્છાવર કરી દેવી છે. એક એક દિવસને ખુશબુદાર અને એક એક રાતને સ્વપનોના હિંડોળાથી ભરી દેવી છે. જે પોતાને નથી મળ્યું એ પણ આપવું છે. પ્રિયાને સુખથી ભરી દેવા સિવાય બીજો કોઈ વિચાર મનમાં નથી અને પ્રવેશી શકે એમ પણ નથી એટલું મન છલોછલ છે… સરળ અને ભાવથી ભરીભરી કવિતા સૌને ગમી જાય તેવી છે. ભાવકના મનનેય તરબતર કરી જાય એવી છે.    

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: