Posted by: readsetu | જાન્યુઆરી 5, 2017

Kavyasetu 265 Anami

વાચકમિત્રોને ખાસ વિનંતી કે મને આ કવિતા મોકલનાર કવયિત્રીએ કવિતાની નીચે પોતાનું નામ નથી લખ્યું તો આપ અથવા આપના કાવ્યપ્રેમી લોકો મારફત આ કવયિત્રીનું નામ શોધી આપશો ? આભાર.

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 27 ડિસેમ્બર 2016

કાવ્યસેતુ 265  લતા હિરાણી (મૂળ લેખ)

હું માત્ર પત્ની

જ્યારે જ્યારે હું ઘરખર્ચનો હિસાબ કરું છું

ત્યારે લાગે છે કે હું એક રાજ્ય ચલાવું છું.

જ્યારે હું રસોડામાં રાંધવા ભરાઈ જાઉં છું

ત્યારે લાગે છે હું એક મહાન શેફ છું.

જ્યારે હું ઘરના માંદા સભ્યોને સંભાળું છું

ત્યારે લાગે છે કે હું સારી ડોકટર છું.

જ્યારે હું બાળકોને ભણાવું છું

ત્યારે લાગે છે કે હું સારી ગુરુ છું

જ્યારે હું છોકરાઓના ચિત્રોમાં રંગ પૂરું છું

ત્યારે લાગે છે કે હું સારી ચિત્રકાર છું.

જ્યારે હું મનની વાત કાગળ પર લખુ છું

ત્યારે લાગે છે કે હું સારી લેખિકા છું  

પણ

જ્યારે જ્યારે પતિ સામે આવે છે

ત્યારે લાગે છે કે હું માત્ર પત્ની છું

અને

બધાં ખિતાબો ખરી પડે છે….. અનામી

 

પ્રિય વાચકો, મારી પાસે આ કવિતા આવી. મને ગમી પણ કવયિત્રીનું નામ ગેરહાજર ! એટલે જ આ કૉલમ માટે પસંદ કરી, કદાચ આ પાનું કવયિત્રીને મારા સુધી પહોંચાડે ! આખી કવિતામાંથી પસાર થયા પછી જ તમે મારા શબ્દો સુધી પહોંચ્યા હશો એટલે આ બાબતે તમે મારી સાથે સમ્મત થશો કે સાવ સામાન્ય લાગતી શરૂઆત અંતે મનમાં ચચરાટ થાય એવી ચોટ આપી જાય છે, સ્ત્રીઓ તો આ ખૂબ સારી રીતે સમજી શકશે અને એ જ એનું કલાતત્વ.

એક ગૃહિણી સાચે જ એક રાજ્ય ચલાવતી હોય છે. ઘરના હિસાબકિતાબથી માંડીને મહેમાનોની સરભરા સુધીના બધા જ ક્ષેત્રો એ સરસ રીતે નિભાવતી હોય છે. મા પાસેથી જે શીખીને આવી અને એમાં પોતાના અનુભવો અને સમય સંજોગોએ જે ઉમેર્યું એ એનું ભાથું. ઘર ચલાવવા માટે એણે કોઈ અભ્યાસક્રમ કર્યો નથી હોતો કે નથી હોતી કોઈ વ્યાવસાયિક તાલીમ પણ તેમ છતાંયે આ બધુ સહજરીતે નિભાવવું એ સ્ત્રીના લોહીમાં વહેતું હોય છે. સંભાળ લેવાનું એને લગભગ શીખવવું નથી પડતું. નાનકડા દીકરા દીકરીના વર્તનને જોશો તો આ તરત સમજાઈ જશે.

અહીંયા મોટા ભાગની સ્ત્રીઓ અનુભવતી હોય એ ભાવ આરોપાયા છે. કેટકેટલા રોલ કુશળતાથી ભજવતી સ્ત્રીની કદર એના પતિને કેટલી હોય છે ? “પણ, જ્યારે જ્યારે પતિ સામે આવે છે, ત્યારે લાગે છે કે હું માત્ર પત્ની છું અને બધાં જ ખિતાબો ખરી પડે છે…..” આટલા શબ્દોમાં કવયિત્રીએ કેટલું બધુ કહી દીધું છે ! ઓફિસમાં પ્રમોશન માટે ટળવળતા કે વખાણના શબ્દો સાંભળવા માટે બોસને મસકા મારતા અથવા એકાદ નાનકડા ખિતાબ માટે ગૌરવથી ફુલાતા પતિને સ્ત્રીના કામને કે એની એકાદ કુશળતાનેય બિરદાવવાની જરૂર નથી લાગતી. પ્રશંસાના બે શબ્દો સાંભળવા સૌને ગમે છે, સ્ત્રીઓ એમાંથી બાકાત કેમ હોઈ શકે ? પણ મોટેભાગે એણે પોતાની પીઠ જાતે જ થાબડી લેવાની હોય છે. એ પછીય “આખો દિવસ તું કરે છે શું ? આટલુંય તારાથી ન થાય ?” આ શબ્દો કેટલીય ગૃહિણીઓએ અનેકવાર સાંભળ્યા હશે. દિવસભરના કામથી થાકેલી પત્ની પાસેથી પણ કેટલાય પતિ એના ‘દામ્પત્યજીવનના હકો’થી વંચિત ન રહી શકે, એય એક જુદી વાસ્તવિકતા છે. વોટ્સ એપના જોક્સમાં વારેવારે વગોવાતી સ્ત્રી એ પુરુષોના ભેજાની પેદાશ છે. સચ્ચાઈ આ કવિતામાં લખાયેલા શબ્દોની આજુબાજુ, ઉપરનીચે જીવે છે ! બાકી અપવાદ તો બંને પક્ષે હોય.

લ્યો ત્યારે, મારા વતી આ કવયિત્રીને શોધી અભિનંદન આપજો.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: