Posted by: readsetu | જાન્યુઆરી 29, 2017

Kavyasetu 269 Tejas Dave

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 24 જાન્યુઆરી 2017

કાવ્યસેતુ 269  લતા હિરાણી

જે થાય કરી લે

તારી સામે મારી ઇચ્છા લે આ મૂકી, તારાથી જે થાય કરી લે;
સૂરજ સામે આંખ અમારી બે આ મૂકી, તારાથી જે થાય કરી લે.

ધક્કા મારી-મારીને તેં કીધુંતું કે, ‘અહીંયા કદી ન પાછો ફરતો’,
તેં દીધેલી ધમકી ગજવે મેં આ મૂકી, તારાથી જે થાય કરી લે.

ડૂબી જવાને માટે નીકળ્યો નથી લઈને હોડી, દરિયા, સમજી લેજે!
છિદ્ર પડેલી હોડી તરતી એઆ મૂકી, તારાથી જે થાય કરી લે.

ઝાડ કહે કે, ‘એક જ તણખે આખું જંગલ ખાક થશેપણ જંગલ રચવા-
એક જ કૂંપળ કાફી છે ને તે આ મૂકી, તારાથી જે થાય કરી લે.  – તેજસ દવે

સર્જકની નવ્યચેતના, ખુમારીથી છલોછલ અભિવ્યક્તિનો આ ગઝલમાં અનુભવ થાય છે. યુવાકવિનો યુવામિજાજ અહી શબ્દે શબ્દે પ્રગટે છે. ખૂબ જાણીતા શબ્દપ્રયોગ ‘તારાથી જે થાય તે કરી લે’ને રદીફ બનાવી કેવા ઊંચા નિશાન તાક્યા છે ને પામ્યા છે ! આટલી લાંબી રદીફ નિભાવવી અને તેય ક્યાંય આયાસ ન વરતાય એ રીતે, ભાવનો અસ્ખલિત પ્રવાહ સહજ જ વહ્યે જતો હોય એમ નિભાવવી એ કુશળતા માંગી લે છે.  

‘તારાથી જે થાય, કરી લે’ બોલ્યા નહી હોય તોય અનેકવાર સાંભળ્યુ તો હશે જ. આ શબ્દોમાં શરણાગતિ નથી, વિદ્રોહ પણ નથી. ખુમારી છે, આત્મબળનો પડઘો છે. પરિસ્થિતી ચાહે કોઈ પણ હો ! સવાલ સાધનનો નથી, સાધનાનો છે. ડિમાન્ડનો નથી, ડેડીકેશનનો છે. આ ભાવપ્રવાહમાં ગાંધીજી યાદ આવે. મૂઠીભર આવડત ને ચપટીભર સાધનો પણ કેવો અડીખમ મિજાજ કે આખી બ્રિટિશ સલ્તનતને એ કહી શક્યા, ‘શસ્ત્રો ઊગામ્યા વગર, અમે આ ઊભા આઝાદી માટે, થાય એ કરી લો !’ આટલા મોટા સૂરજ સામે બે આંખનું તેજ પૂરતું છે, એ ચેતનાથી ભરીભરી હોય તો ! બે આંખના તેજ સામે સૂરજને અસ્ત થવું પડે છે ને અજવાળું સલામત રાખી શકાય છે. એ જ તાકાત છે જે નાનકડા દીવાને આભ ભરીને અંધારા સામે અડીખમ જલતો રાખે છે. પ્રથમ શેરમાં ‘લે આ મૂકી’ શબ્દપ્રયોગ પણ દાદ આપવી પડે એવો દમદાર રચાયો છે.

ધમકીને વશ થવાનું નાયકના સ્વભાવમાં નથી. સામેવાળો જે પણ કહે, એના શબ્દોની પોટલી ખિસ્સામાં મૂકીને છાતી કાઢીને ઊભા રહી શકાય. ‘થાય તે કરી લે’ કહેવું જરાય સહેલું નથી પણ ખુમારીથી કહેવાયા હોય તો આ ચાર શબ્દો સામે ચતુર્વિધ સેના હારી જાય. ‘પોતડીમાં જે બળ હતું એ દંડામાં નહોતું’ સિદ્ધ થયેલું જ ને ! એકવાર નીકળ્યા તે નીકળ્યા. મંઝીલ નક્કી છે, હોડી ને હલેસા, જે છે તે છે. દરિયો કરી કરીને શું કરી લેશે ? હોડીમાં છિદ્ર હોય તોય હૈયાની હામમાં કોઈ કચાશ નથી. આત્મબળમાં કોઈ ઉઝરડો નથી.  

ખુમારીના તેજને પ્રગટાવતી આ ગઝલનો અંતિમ શેર અદભૂત થયો છે. એકદમ તાજું અને નવીન કલ્પન ભાવકને સ્પર્શી જાય છે. એક તણખો દાવાનળ જગવી શકે તો સામે એક કૂંપળ નવું જંગલ રચી શકે ! પાયાનું સત્ય અને સત્યનો મિજાજ ! કવિએ અહી ખુમારી પ્રગટાવવા માટે આ બેય તત્વોને સામસામે મૂક્યા છે પણ વિનાશ આખરે નવસર્જનનો પ્રથમ તબક્કો છે. એ વાત પણ એટલી જ સાચી છે કે તણખો અને કૂંપળ એ સૃષ્ટિસર્જનના સાધનો છે. તણખો પેટની આગને ઠારી શકે છે, જીવનને રક્ષી શકે છે એ વાત ભૂલી શકાય નહીં. આ બંને મળીને જ નવજીવનની પ્રક્રિયા આગળ ધપાવે છે. જીવનનું સ્થાપત્ય આ બંને મળીને રચે છે. સામસામેના ધ્રુવો પૃથ્વીને સમતુલા બક્ષે છે. તણખો અને કૂંપળ, બંને હાથમાં હાથ ઝાલીને ઝંઝાવાતોને કહી શકે, ‘જીવન તો પાંગરતું જ રહેવાનું, તારાથી થાય તે કરી લે !’   

        

 

 

 

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: