Posted by: readsetu | ફેબ્રુવારી 28, 2017

Kavyasetu 273 Varsha Barot

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 28 ફેબ્રુઆરી 2017

કાવ્યસેતુ 273   લતા હિરાણી

 તારે જે કહેવું છે મને, એજ 

મારે કહેવું છે તને 

અને 

મારે જે કહેવું છે તને, એજ 

કદાચ 

તારે પણ મને 

પણ 

શબ્દ એકેય મળતો નથી 

અને

મૌન એવા આપણે 

એકબીજાને 

બતાવીએ છીએ –

સૂર્ય

ફૂલો, પતંગિયાઓ, વૃક્ષો…

વેલી, નદી, તળાવ, ઝરણાઓ

ખેતરો, પહાડો, પંખીઓ

દૂર ક્ષિતિજે રેલાતાં 

રંગો 

અને

હસી પડતા 

ચાંદ-તારાઓ….  વર્ષા બારોટ

 

પ્રેમની કોઈ ભાષા હોય છે ? શબ્દોમાં વ્યક્ત થતો પ્રેમ શબ્દના ચોકઠામાં બંધિયાર બનીને તરસે છે એવું ઘણીવાર નથી લાગતું ? દરેક શબ્દ શબ્દકોષના પાને બંધાયેલો છે, એના લિખિત અર્થની પરિસીમાની બહાર ક્યાં નીકળી શકે છે ? જ્યારે ભાવજગતની સીમાઓ અનંત છે. વૃક્ષની પાંદડી પર વિહરતું કૂણું હાસ્ય દરિયાના મોજાં પર સવાર થઈને વાદળો સુધી વિસ્તરી શકે છે. ઝાકળથી ધોયેલી ફૂલોની આંખો જે દૃશ્ય નિહાળે છે તે ભૌતિક આંખોથી જોવું શક્ય નથી. આ ફૂલોના સપનાની કે પાંદડીના હાસ્યની સંવેદના  માનવી અનુભવી શકે છે જો અંદરના તાર રણઝણતા રહી શક્યા હોય તો !

એકદમ સીધી સાદી પણ અંદર તરબતર કરી મૂકે એવી આ કવિતા. લાગણીના ઘોડાપૂર જગાવે એવી કવિતા. કે પછી શાંત રહીને છલકાવી દે એવું ભાવજગત. મને કવિ અદમ ટંકારવીના આ શેર યાદ આવે છે, એક તારું નામ લખતાં આવડ્યું ને પછી તો સ્લેટ કોરી રહી  અને જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી, લીમડાની ડાળ મીઠી થઇ ગઇ…. બે કે ચાર અક્ષરનું નામ આખી જિંદગી છલાછલ ભરી દે એવું બને કે પ્રેમિકાની ઓઢણીથી કડવા લીમડાની ડાળ મીઠી થઈ જાય ! કલ્પનાનો જાદુ તો ખરો જ ખરો પરંતુ અહીં સંવેદનાનું સત્ય પણ એટલું જ ચળકતું !   

બંને તરફથી પ્રેમનો એકધારો પ્રવાહ વહે છે ત્યારે શબ્દો મૌનનું સ્વરૂપ ધારણ કરી લે છે. શું મારી વાત કે શું તારી વાત ? એક જ છે બધું ! અંદરથી ઊભરાતું તત્વ એક જ છે … આંખો મંડાય છે એકબીજા પર ને શબ્દો ન મળતા એ દૂર રેલાય છે, ક્ષિતિજ, ચાંદ, તારા ને સૂરજ તરફ… નદી, ઝરણાં ને સાગર એ પ્રેમના જ લયમાં ને તાલમાં ઝૂમે છે. પંખીઓ પ્રેમના જ ગીત ગાય છે. ખેતરો પર લહેરાતી ફસલ ને ક્ષિતિજે વેરાતા રંગો પ્રેમ સિવાય બીજું કશું જાણતા નથી. હૈયામાં ટહૂકાઓ વિસ્તરે છે ને આંખમાં ગુલમહોર ખીલે છે.  નજરથી નજર મળે છે ને દિશાઓ ઝળહળી ઊઠે છે…. સુગંધની સફર ક્યારે આદરી બેસાય છે ને ક્યારે હાથમાં હાથ પકડીને પરોવાઈ જવાય છે એની ખબર નથી રહેતી…

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: