Posted by: readsetu | જૂન 13, 2017

Kavyasetu 285 Aarati Rupani

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 6 જૂન 2017

કાવ્યસેતુ  285  લતા હિરાણી 

ના કદી કુરાનની આયાત પઢી એવું બને

તો જ તોડી હોય માતાની મઢી એવું બને.

પારકી મા કાન વીંધે એ જરૂરી તો નથી

આંગળી એના જ નખને હો વઢી એવું બને

સાધુ મનમાં ડર પતનનો રાખવો સારો નહીં

એક કીડી પણ હિમાલય હો ચઢી એવું બને.

શબ્દકોષો તો બધા કંઠસ્થ પળમાં થઈ શકે

છેતરે જે હોય અક્ષર તે અઢી એવું બને.    

થાપ ના ખાશો તમે હસતા ચહેરા જોઈને

વેદના હો સ્મિતથી થોડી મઢી એવું બને…. આરતી રૂપાણી

માન્ચેસ્ટરની મરણચીસો, ઇન્ડોનેશીયામાં આતંક….. બોંબ બ્લાસ્ટી હેવાનિયતના આ બે તાજા દાખલા, બાકી છાશવારે આવા સમાચારોથી આપણી આંખ અને મન ટેવાઇ ગયા છે. આરામથી ચા પીતાં પીતાં આ સમાચાર વાંચીને ગીતો ગણગણતા આપણે ઓફિસે જઈ શકીએ કે ગેસ પર કૂકર ચડાવી શકીએ. આમાં વાંક આ નફરતથી ભરેલા સમાજનો પણ છે. ચારે બાજુ એટલી હદે હિંસા ચાલ્યા કરે કે મન સંવેદનહીન ન બનતું જાય તો જ નવાઈ !  સિવાય કે છાપા વાંચવાના બંધ કરીએ ! એય શક્ય નથી. હિન્દુ મુસલમાનના રમખાણોનો અફસોસ ક્યાં કરવો ? ઇન્ડોનેશિયા તો સંપૂર્ણપણે મુસ્લિમ દેશ છે ! સિરીયાની હાલત આંખ સામે છે. ચોખ્ખીચણક વાત એ છે કે સરેરાશ માનવીમાં મૂલ્યો જેવી કોઈ ચીજ રહી નથી અને જાણે હિંસાની જ દુહાઈ છે. હિન્દુ, મુસ્લિમ કે કોઈપણ ધર્મ પહેલા માનવતાની દુહાઈ દે છે પણ ધર્મને પૂરું સમજ્યા હોય તો ને ! કુરાનના કલમા કાળજેથી કંઠસ્થ કર્યા હોય એ કત્લેઆમની કળને કાયમ માટે ડિફ્યૂઝ કરી દે ! વેદ-ઉપનિષદની વાવમાં ઊંડા ઉતરી એના શીતળ જળનો સ્પર્શ કર્યો હોય એ વિતંડાવાદને કદી ન સ્વીકારે. એના માટે ભગવા અને લીલા રંગમાં કોઈ ફરક રહે નહીં. આવા લોકોને મંદિર, ગુરુદ્વારા, મસ્જિદ સરખા મૂલ્યવાન હોય. 

જાત સામે આયનો ધરતા રહેવું, ખુદને ખુદા સમક્ષ રજૂ કરતાં રહેવું એ સાચા મનુષ્યત્વની પરખ છે. આટલું સમજવા માટે કોઈ કોર્ટ, કચેરી, ન્યાયાધીશની જરૂર નથી. મનની ખીણોમાં ખોદકામ કરતાં રહેવાનું છે. સોનાના કણો ત્યાં પડ્યા જ હોય છે. નકામો કચરો દૂર કરીએ એટલે મળી આવે. ધર્મની સાચી સમજણ અને સ્વતપાસ કરતાં માણસ શીખી જાય તો આ વિશ્વમાં શાંતિ સ્થપાઈ જાય. જો કે મોટી ઉમરે આ બધું પ્રૌઢશિક્ષણ બની રહે છે. જેમ આતંકવાદીઓ નાના બાળકોને હિંસાની તાલીમ આપે છે એમ આપણે સૌ બાળકોના મનમાં  શાંતિનું, ન્યાયનું અને માનવતાનું ભાથું ભરીએ તો એક દિવસ એ મુઠ્ઠીભર તત્વોને નમવું જ પડે. જરૂરી છે કે આંગળીએ જ નખને વઢવું પડે અને  ટેરવાના મુલાયમ સ્પર્શના સ્પંદનો પાસે નખની તાકાત હારે જ.

એક વાર લક્ષ્ય નક્કી કર્યા પછી એમાંથી ચ્યુત થવાનો ડર રાખવો એ તદ્દન વાહિયાત છે. એના કરતાં તો સામાન્ય માણસની જેમ જીવી નાખવું. શંકા ક્યારેય શિખર સાધવા ન દે. મનના નેગેટીવ વિચારો નેગેટીવ બાબતોને જ ખેંચે. જેવું વિચારીએ એવું જ થાય. આત્મબળના એ કાંગરા ખેરવી નાખે. બાકી કીડીને જુઓ, એ કોઈ નકારાત્મક વિચાર વગર એની યાત્રા ચાલુ રાખે અને મોટા પહાડો ચડી જાય !

પ્રેમ કદી છેતરતો નથી, હા, પ્રેમનો ભ્રમ જરૂર છેતરે માટે સચ્ચાઈની ખેવના રાખવી. અલબત્ત એના માટે કોઈ ખાસ કસોટીઓની જરૂર પડતી નથી. અંતરાત્મા જાગૃત હોય અને થોડી સારાસારની સમજ હોય તો સાચા-ખોટાની પરખ થઈ જાય છે. બાકી મોહ ભાન ભૂલાવે એ તો જગપ્રસિદ્ધ વાત છે. છેલ્લા શેરને પણ આ વાત લાગુ પડે. સ્મિત મઢયા ચહેરાની વેદના વાંચવા માટે અંતરની આંખો જોઈએ. તો પછી થાપ ખાવાનો વખત ના આવે.

ગઝલના છંદસ્વરૂપની ઝીણી ચોકસાઇ છોડીએ તો ભલે જાણીતી વાતો પણ અસરકારકરૂપે આમાં કહેવાઈ છે. કવયિત્રીઓની કવિતાનું સંપાદન કરતાં કરતાં જ્યાં કવિત્વના ચમકારા પમાયા છે એવા નામોમાં આ એક નામ ગણી શકાય.    

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: