Posted by: readsetu | જૂન 20, 2017

કાવ્યસેતુ 287

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 20 જૂન 2017

કાવ્યસેતુ 287   લતા હિરાણી

હરીન

કાલ સુધી તો મને

રંગીન પાંખથી ઝૂલતું

મુગ્ધ ફૂલ પર ઘૂમતું

એકાદ પતંગિયુ

થવાનું બહુ મન હતું.

પણ

આજે ખબર પડી કે

તને

રંગીન પતંગિયાને  

નોટના બે પાનાં વચ્ચે

રાખી મૂકવા બહુ ગમે છે.……. આકૃતિ વોરા

પતંગિયા તો કદી રાખ્યા નથી પણ અમે નોટના પાના વચ્ચે સરસ મજાનું ફૂલ મૂકી રાખતા. દિવસો પછી એની સુકાઈ ગયેલી રંગીન પાંખડીઓ અને પાનાં પર પડેલી એની છાપ જોવાની બહુ મજા આવતી. છોકરાઓ આમ પતંગિયા પકડીને રાખતા હશે, એ ખબર નહોતી. જીવનની આવી રોજીંદી સહજ રમતો – બાબતોમાંથી જુદો અર્થ ઉપસાવાય ત્યારે એ સ્પર્શી જાય છે.

એક ઉંમર છે જ્યારે આંખોમાં દૃશ્યો કરતાં સપનાઓ વધુ હોય. મનમાં કલ્પનો ને તરંગો એવો કબજો જમાવે કે નજર સામે જે હોય એ કાં તો દેખાય નહીં કાં ધૂંધળું ભાસે. રંગીન દુનિયા ને રંગીન સપના. ચાલવા કરતાં ઊડવાનું વધુ ગમે. મન પતંગિયાની પાંખો પહેરીને ઊડ્યા જ કરે. એવું જ સુંદર, એવું જ રંગીન, એવું જ મુલાયમ અને એવું જ સોહામણું. જો કે આ સમય ઝાઝો ટકતો નથી. વાસ્તવિકતા મોં ફાડીને સામે આવે ત્યારે પતંગિયાને ભૂલી જવું પડે છે.  જો કે અહીં નાયિકાની વ્યથા જુદી છે. જેની સાથે ઊડવાના અરમાન સેવ્યા છે એ જ કેવો કઠોર દિલ છે ! જેને પોતે પ્રેમ કરે છે એને મનની કુમાશ ને સુખના સપનાની કોઈ પડી નથી ! ઊલટું પીડા આપવામાં વધારે આનંદ આવે છે ! 

આ તો ઘરઘરકી કહાની છે. સાર્વત્રિક સત્ય છે. પણ તોય દરેકને એ અનુભવ લેવો છે. જો કે એ અમુક અંશે સાચું પણ છે. દરેક ઉંમરનો એક તકાજો હોય છે. એ પ્રમાણે માનસિકતા અને એ પ્રમાણે દિલની જરૂરિયાત હોય છે. એને વશ વર્તવું જ પડે ! એ પ્રકૃતિની દેણ છે. રોક્યું ન રોકાય એવું તોફાન છે. એય ખરું કે એ દરેકના જીવનમાં આવે જ એવું નથી. શાંત તળાવ જેવી જિંદગી જીવી જનારા સંખ્યાબંધ લોકો છે. એમના જીવનમાં ખાસ ભરતી નથી આવતી, એટલે ઓટનો પણ સવાલ નથી. એ બસ જીવ્યે જાય છે અને એક દિવસ બધું પૂરું થાય છે.

જે ભરતી અનુભવે છે એમને ઓટનો પણ સામનો કરવો પડે છે. પ્રેમ કર્યો તો પછડાવું પણ પડે…. ઝંઝાવાતોને ઝેલવા એ ય એક આનંદ છે ને ! પહાડો ખૂંદનારા અનેક વિષમ પરિસ્થિતિનો ભોગ બને છે તોયે અટકવાનું નામ નથી લેતા. અંતે એને જિંદગી જીવ્યાનો સંતોષ હોય છે. જીવનના અનુભવોનું એક બીજુય પાસું છે. ક્યારેક બીજાના અનુભવ પરથી શીખી લેવું પડે. હંમેશા બધું પોતાના અનુભવે જ શીખવાનો આગ્રહ રાખીએ તો એક જન્મ ઓછો પડે ! વડીલોને આ જ ઉપાધિ હોય છે સંતાનો સાંભળતા નથી અને સંતાનોને ય આ જ ઉપાધિ, વડીલો ચૂપ રહેતા નથી !

આપણે તો ફરી પતંગિયા પર આવી જઈએ. એ ભલે નાનું, ક્ષણિક પણ જીવી જવાની મજા છે. ઊડી લઈએ, ફૂલો પર ફરી લઈએ, શ્વાસમાં સુગંધ ભરી લઈએ અને નજરનો કેફ બની લઈએ. બસ એટલું કે કોઇની નોટબુક સુધી જવાની જરૂર નથી, પહોંચીયે ગયા તો ઓકે… પણ પાનામાં પુરાવા સુધી તો નહીં જ…..      

 

 

Advertisements

Responses

  1. ખુબ સુંદર પ્રસ્તુતિ

  2. its wasvery pleasent moment to see you on gtpl kavya ras on sunday episod

    • Thank u very much Narenbhai.

      On 20 Jun 2017 5:48 p.m., “સેતુ ~ લતા જ. હિરાણી” wrote:

      >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: