Posted by: readsetu | જુલાઇ 20, 2017

Kavyasetu 290 – Tu Varas Charekor

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 11 જુલાઇ 2017

કાવ્યસેતુ 290  લતા હિરાણી

તું વરસ ચારેકોર

તમે સ્પર્શો ને હું લથબથ ભીંજાવ

સજન! તમે એવું ચોમાસું થઈ જાવ. 

અષાઢી હેત એવું અનરાધાર વરસે, હું તો કોરી રાખું કેમ જાતને 

અંધારે ઓરડે પુરી બેઠી છું હું તો, ઈચ્છાની માજમ રાતને 

રોમે રોમ આનંદની છોળો ફૂટે એવા, ઝોંકાર અજવાળા પાવ

સજન! તમે એવું ચોમાસું થઈ જાવ. 

પ્રિત્યુંની નદીયું સાવ ઘેલી થઈને, પછી વ્હેતીતી મારી આંખમાં 

જળની તે કંઠી હું તો પેરીને કંઠમાં, ઉડતીતી પંખીની પાંખમાં

અંગેઅંગ જળની સોળો ઉઠે એવું, માથાબોળ માથાબોળ ન્હાવ

સજન! તમે એવું ચોમાસું થઈ જાવ……….. શૈલેષ પંડ્યા 

લથબથ ભીંજાવાની મોસમ પૂરબહારમાં ખીલી ગઈ છે, મેહુલિયો માત્ર અમદાવાદમા જ નહીં, ચારે બાજુ ચોધાર વરસી રહ્યો છે ત્યારે આવું ગીત ગણગણવાનું મન થઈ જાય ! વરસાદ એ આકાશનું ધરતીને નિમંત્રણ છે. આભ જ્યારે રહી નથી શકતું ત્યારે વરસે છે અને ધરતીને બાથમાં લઈ લે છે. ઝરમરથી શરૂ કરીને એ તૂટીયે પડે છે ને ધરતીને લથબથ કરી મૂકે છે. આ માત્ર આકાશનું વરસવું જ નથી, ધરતીની તીવ્ર તરસનોય અંતિમ મુકામ હોય છે. મહિનાઓ સુધી એણે ઝંખ્યા કર્યું હોય છે, ક્યારેક વરસો પણ… એની આંખોનો ભેજ વરાળ થઈને ઉપર પહોંચે  છે અને એ વાવડ પહોંચતા જ આખરે આભ વરસી પડે છે. જો કે હંમેશા આવું ન પણ થાય. ક્યારેક ધરતીની આંખો વરસી વરસીને રણ થવા આવે ને તોય એ પત્થરદિલ બની બેસી રહે એવું બનતું હોય છે. જોવામાં આભ કેવું નરમ, નમણું અને ઋજુદિલ લાગે ! દુનિયા આખીને એ કોમળ વાદળનો ભર્યો દરિયો લાગે પણ જેણે એની તરસ વેઠી છે એ જાણે છે કે તિરાડો ખમીને એણે પત્થર થવાનું છે. લીલાંછમ કુમળા તરણાં  હવે છાતી પર લહેરાવાના નથી. 

અહી કવિની નાયિકાની તરસનો અંત દેખાય છે. અલબત્ત કવિતામાં હજુ ઝંખનાના ધોધ છે, પણ શબ્દોમાં વરતાય છે કે જાણે એનું આભ હાથવેંતમાં જ છે. અષાઢ મન મૂકીને વરસે છે ને હૈયાની તરસને હેલે ચડાવે છે. હવે અંધારા ઓરડામાં જાતને પૂરી રાખવી, કોરી રાખવી અઘરું કામ છે. સાજનને આવવાનું જ નહીં, ધોધમાર વરસીને અઢળક અજવાળાથી લથબથ કરી મૂકવાનું નિમંત્રણ છે. સાજનને એવું કહેણ છે કે મન મલ્હાર ગાઈ ઊઠે અને તનમાં સુખના સરવર લહેરાય !  

આકાશ માદકતા છલકાવે ને હવા પણ નશીલી બની જાય એવી મોસમમાં આવું ગીત એટલે કે ગીતના શબ્દો આંખોથી સોંસરવા અંદર ઉતરી જાય ને કૈંકના સૂતેલા અરમાન જગાવે એ સ્વાભાવિક છે. એય ખરું કે આ અરમાનો ગરમ ગરમ ભજીયા અને દાળવડાના પણ હોય તો એને ગુનેગાર ગણવાની જરૂર નથી. ‘માણસ માત્ર, અરમાનને પાત્ર’ એ યાદ રાખવું પડે. યાદ રાખવા જેવી બીજી કેટલીય બાબતો છે. બાહરી જ નહીં, ભીતરી ભીનાશ પણ સચવાઈ રહેવી જોઈએ. આપણે જંગલોના જંગલો ઉજાડતા જઈએ, ભોંય પર ભરચક ભીંતોના ભંડાર ભરતા  જઈએ તો પરિણામ એ આવે કે મલ્ટીસ્ટોરીના મજલાઓ પર મહાલવામાં, નંદવાયેલી ધરતીનો ઊંડો ધ્રાસ્કો ન તો સમજાય કે ન અનુભવાય. એની તરસી ચીસ વાંઝણી થઈને હવામાં વલોપાત કર્યા કરે.

જળ તરબોળ કરે ત્યાં સુધી જ આનંદ છે. એ તાંડવ કરે ત્યારે ભલભલાની ત્રેવડ તૂટી જાય છે. આખરે એ ઉવેખાઈને કોરીધાકોર થયેલ કુદરતનો કકળાટ છે. કેદારનાથનો કહેર કૈંક એવો જ કારસો હતો. ઘટનાઓ આપણી આસપાસ બનતી જ રહે છે. જાગવાની તરસ જાગે છે. (અંધારે ઓરડે ક્યાં સુધી બેસી રહેવું છે ?) મોબાઇલમાં ડૂબેલી કુમળી આંખોને મોસમનો નજારો શું છે, એની ઓળખ સુદ્ધાં ન રહે એટલા સુક્કાં ન થઈ જઈએ. (નાજુક આંખોને વરસતી દિશાનો વૈભવ ઓળખાવવાનું કામ આપણું છે. ભીતરી ભીનાશનો આ સાદ છે.) તનની તરસના જ્વાળામુખી ફાટવા માંડ્યા છે અને વિવેકભાન પણ વિસરાતું જાય છે ત્યારે એ તરફ સમજણના, સંવેદનાના સ્રોત સુકાઈ ન જાય, માણસાઈ તરડાઇ ન જાય અને આદમી અલીપ્ત થઈને અંધારા એકદંડિયા ઓરડામાં પુરાઈ ન જાય એ પણ પ્રકૃતિનો જ સાદ છે, યાદ રહે…..

     

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: