Posted by: readsetu | ડિસેમ્બર 12, 2017

Kavyasetu 310

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 12 ડિસેમ્બર 2017

કાવ્યસેતુ 310   લતા હિરાણી

સંબંધ તારો ને મારો ..(મૂળ લેખ)

 

આજે મને પહેલીવાર સમજાયું કે ગોઠવણ એટલે શું ?

રંગરોગાન વગરના સંબંધનો ચહેરો

પહેલીવાર ધોધમાર અજવાળામાં

આંખ સામે ખૂલી ગયો !

તું… જાણે સામે કિનારે

અને

તારી આસપાસ નાચતી

નિર્વસ્ત્ર હકીકતોની ભૂતાવળ……

આ કિનારે એકલીઅટૂલી હું.

મારા ખિસ્સામાં

મારી અપેક્ષાઓ, અધિકારોનું ચુંથાયેલું લિસ્ટ……..

કહેલા-ન કહેલા

માની લીધેલા શબ્દોના

લીરેલીરા !

આંખમાં રેતી ને હોઠ પર ઝાંઝવા,

આપણી વચ્ચેના પુલને

ફુરચેફુરચા થઇ ઊડી જતો જોઇ રહ્યા છીએ

આપણે બંને અસહાય ! ………….. કાજલ ઓઝા 

 

કવયિત્રી કાજલ ઓઝાનું આ કાવ્ય અત્યંત માર્મિક છે. કાવ્યનો વિષય છે સંબંધ, પછી સંબંધમાંથી ચુવે છે કોરી નાખતી ગોઠવણ….. કવિતામાં છે એક સાથીનો બીજા સાથીદાર તરફ લંબાયેલો હાથ પણ પછી હથેળીમાં ઠલવાય છે તણખા……સંબંધનેય રંગરોગાન થાય છે, એને સજાવાય છે, મેકઅપ થાય છે. એનું સાચું સ્વરૂપ છુપાવવાના પ્રયત્નો થાય છે. પછી કોઇક દિવસ તો એવો જરૂર આવે છે જ્યારે ધોધમાર અજવાળામાં નકાબ ખુલી જાય છે ને રંગો ખરી પડે છે કેમ કે અહીં સાયુજ્ય કરતાં ગોઠવણનું મહત્વ વધારે હતું.

 

નાયક સામે કિનારે છે. એની આસપાસ હકીકતો બેશરમ થઇને નગ્ન નાચ રચે છે, અર્થાત ઉઘાડા વાસ્તવથી એ પણ હતપ્રભ છે તો નાયિકા આ કિનારે છે. એના ખિસ્સામાં છે અપેક્ષાઓ અને અધિકારોનું ચુંથાયેલું લિસ્ટ….  બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ નંદવાતો હોય છે આ અપેક્ષાઓને કારણે, અહમને કારણે.. જેમાં આખરે ચુંથાઇને ફાટવાનું જ હોય છે !! માનવી કદીયે પોતાની અપેક્ષાઓ, આકાંક્ષાઓથી મુક્તિ નથી મેળવી શકતો. પોતાના અધિકારોથી મન વાળી નથી શકતો. જે દિવસે એ એવું કરી શકશે ત્યારે એ સામાન્ય મનુષ્ય મટીને મહાત્મા બની જશે.. પણ આ સૃષ્ટિમાં વસતા એક અદના માનવીનું આ ગજું નથી જ નથી.. એટલે જ અપેક્ષાઓ અને એનાથી મળતી નિરાશા, આકાંક્ષાઓ અને પછી ફરી વળતી હતાશા… અધિકારોના ચોળાયેલા લિસ્ટની ફરી ગડી વાળવી મુશ્કેલ બને છે.. આવું જ્યારે બીજા સંબંધોમાં બને છે ત્યારે મન દુભાય છે પણ આ સાવ પોતાની, જેને હૃદયમાં સ્થાન આપ્યું છે એવી વ્યક્તિ તરફથી બને છે ત્યારે મનની આખી નદી સૂક્કીભઠ્ઠ થઇ જાય છે.

 

 

‘કહેલા, ન કહેલા, માની લીધેલા શબ્દોના લીરેલીરા ! ….’ કેટલીયે વાર કશુંક કહેવા જતાં સામેની વ્યક્તિ એમાંથી સાવ જુદા અર્થો તારવે છે અને એ ભયાનક અંજામ આણે છે. અપેક્ષાઓ જેમ મુશ્કેલી સર્જે છે એમ સંવાદો પણ.. સંવાદ જ્યારે વિસંવાદ થાય છે, શબ્દો ક્યારેક બોલાઇને ને ક્યારેક નહીં બોલાઇને પણ સંબંધમાં ઝંઝાવાતો લાવી દે છે. શબ્દના કે મૌનના અનેક અર્થઘટનો થઇ શકે પણ એની પાછળ સંબંધના ખરા સ્વરૂપનો આખો સંદર્ભ ભર્યો હોય. એની સમજણ પાછળ જીવાયેલી જિંદગીનો ઇતિહાસ દટાયેલો હોય. એટલે એને જીવનાર કે ઝીલનાર સિવાય બીજી કોઇ વ્યક્તિ એનો ન્યાય ન કરી શકે !!

 

નાયિકા ડૂબેલી નથી કેમ કે હવે ડૂબવા જેવું કશું બચ્યું જ નથી. સંબંધની ભીનાશ સુકાઇ ગઇ છે. બંને વચ્ચે વહેતી નદીમાં માત્ર ધૂળ ને ઢેફાં બચ્યાં છે. નાયિકાની આંખમાં જળ નથી, રેતી છે. સતત ખુંચ્યા કરતી રેતી. જોવાની વાત એ છે કે આંખમાં ખુંચતું એકાદ કણું પણ આંસુ વહેવડાવે ત્યારે અહીંયા ચૂરચૂર થયેલા સંબંધની રેતી છે.. જેણે આંખની ભીનાશ સાવ સૂકવી દીધી છે… હોઠ પર તરસ તો હોય જ પણ એમાં લીંપાયા છે ઝાંઝવા… એની તરસ કદીયે નથી છિપવાની !! આ આખાય અનુસંધાન પછી સંબંધનો પૂલ સાબુત રહી શકે એ માનવું દુષ્કર છે. એના ફુરચેફુરચા જ હોય. એના પર મંડાયેલા ડગલાંના નિશાન શોધવાયે મુશ્કેલ બને એટલાં… અને અંતમાં નાયિકા કહે છે ‘આપણે બંને – અસહાય’ આ જ ખૂબી છે કાવ્યની… બહુ સમજણની આ વાત છે એટલે જ અહીં આક્રોશ છે પણ આરોપ નથી. અંદર ઊંડે ઊંડે ક્યાંક આ આખી ઘટમાળમાં પોતાની જવાબદારી પણ સૂચવાય છે !! કવિ અશોકપુરી ગોસ્વામી લખે છે,

સાવ સાદો દાખલો ખોટો થયો

એક ડાઘો ભૂંસતાં મોટો થયો.

જીતવું પણ હારના જેવું હતું

આપણો જુદો નફો-તોટો થયો.

 

 

આખીયે કવિતામાં સંબંધના ભાવપક્ષનો સરસ ઉઘાડ છે. સંબંધના એકએક પડને ખોલતી ને સૂક્કી આંખે તોલતી આ ભાવધારામાં મને બે વાત બહુ મહત્વપૂર્ણ લાગી છે. માની લીધેલા શબ્દોના….  અને આપણે બંન્ને અસહાય !… આ બે શબ્દાવલિ વગર કદાચ આખી વાત એકાંગી બની રહેવાનો સંભવ રહેત. કાવ્યમાં સંબંધના અંતની કે તૂટવાની વાત તો સ્પષ્ટ જ છે પણ આ શબ્દો દ્વારા કવયિત્રીએ તૂટેલા સંબંધનેય સમતુલા બક્ષી દીધી છે, ન્યાય આપી દીધો છે. માની લીધેલા શબ્દોના….. કહીને દર્શાવ્યું છે કે એકબીજાને સમજવામાં ભૂલ બંને પક્ષે હોઇ શકે… અને એમ જ આપણે બંને અસહાય.... અર્થાત સંબંધ તૂટવાની પીડા અને લાચારીય બંને પક્ષે… સંબંધનો સેતુ નષ્ટ થયા પછીયે કવયિત્રીએ સમજણના દોરને સંભાળવાનો પ્રયત્ન કર્યો છે જે કવિતાના ભાવપક્ષને સમતુલિત કરવાની સાથે સાથે, કાવ્યતત્વને પણ સલુકાઇથી સંભાળી લે છે. 

 

 

Advertisements

Responses

  1. આધુનિક જીવનની આ વાસ્તવિકતા સ્વીકાર્યે જ છૂટકો.
    લગભગ આ જ વિચાર અને ભાવ અંગેનું ગીત ‘ઢોલ ધબૂક્યો આંગણિયે’ – યાદ આવી ગયું. એના પર અવલોકન તમને જરૂર ગમશે –
    https://vinodvihar75.wordpress.com/2014/11/07/dhol/


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: