ઉજાસ > નવચેતન > ડિસેમ્બર 2017
વૃક્ષમાં પ્રવેશ
અને હું
વૃક્ષ નીચે આવીને ઊભો
ને મારા ગામમાં પ્રવેશ્યો.
અને હું
વૃક્ષ નીચે બેઠો ને
મારા ઘરમાં પ્રવેશ્યો.
અને હું
વૃક્ષ નીચે લગીર આડો પડ્યો
ને મારા ઓરડામાં પ્રવેશ્યો,
પછી તો મેં ઘસઘસાટ ઊંઘવા માંડ્યુ !
રીલ અને રિયલને
સંધિબિંદુ હોય શકે ?
કે ………………….. પ્રવીણ દરજી
‘અને’થી શરૂ કરીને કવિએ અહીં કવિતાને ભાવકના ભાવપ્રદેશ સાથે એટલી સરસ રીતે જોડી દીધી છે…… ‘અને’ જેવા તદ્દન સામાન્ય શબ્દનો આવો કલાત્મક પ્રયોગ થઈ શકે ! વાહ !
એક ઘેઘૂર વૃક્ષ એટલે પૂરી દુનિયા. એના દર્શનથી આંખ ઠરે અને જો સંવેદના વિશ્વ સભર હોય તો ત્યાંથી માંડીને એ કેટકેટલું કરી બતાવે ! વૃક્ષ નીચે ઊભા રહેવાથી પોતાના ગામમાં હોવાની કે એની નીચે બેસવાથી પોતાના ઘરમાં હોવાની કે એની નીચે આડા પડવાથી તનમનને સંપૂર્ણ વિશ્રામ મળવાની વાત સોંસરવી અંદર ઉતરી જાય છે. વૃક્ષ બચાવવા પર્યાવરણ નિમિત્તે, પર્યાવરણ બચાવોના નારા લગાવવાને બદલે આવી સરસ નાનકડી કવિતાઓ લોકો સમક્ષ મૂકી દઈએ તો એ વધારે અસરકારક ન બની રહે ?
અહીં વૃક્ષનો મહિમા જ નહીં, વૃક્ષની વાત જીવનના પર્યાય તરીકે વર્તાય છે. કવિની સાથે સાથે આપણે પણ જાણે ગામમાં પ્રવેશીએ છીએ, ઘરમાં પ્રવેશીએ છીએ અને ઘસઘસાટ ઊંઘી જઈએ છીએ. વૃક્ષની લીલપ કે ફૂલોની સુંવાળપ ભાવકના રોમેરોમ ફરી વળે છે. આ કવિતા વાંચ્યા પછી, સમજ્યા પછી પેલો કુહાડો કોરે મુકાઇ જાય એ નક્કી. ઘાસના તણખલાનેય ઉખાડતા અટકાવે એ તાકાત આ નાનકડી કવિતામાં છે.
આંગળીના ટેરવાંમાં છુપાયેલો સ્પર્શ પ્રિય પાત્રના સાનિધ્યમાં આળસ મરડી બેઠો થતો હોય, એમ જ આંખમાં છુપાયેલા લીલા સંવેદનો વૃક્ષના દર્શનથી આવી વ્યાપક અનુભૂતિ આપી શકે એ આ કવિતાની કમાલ છે. ‘ઘસઘસાટ’ રોજિંદો પણ બહુ પાવરફૂલ શબ્દ છે. એનું ઉચ્ચારણ માત્ર ઉર્જા જગવે. એમાં માત્ર ઊંઘ નહીં, ભરપૂર આરામનો પણ સંકેત છે. ઘેઘૂર વૃક્ષ અને ઘસઘસાટ ઊંઘવું એ બંને વચ્ચે એક મજાની સાંકેતિક વ્યવસ્થા છે, સંધિબિંદુ છે. વૃક્ષ પાસેથી મળતી જીવવાની અનુભૂતિ આ કવિતાનો આત્મા છે તો રિલ અને રીયલનું સંધિબિંદુ કવિતાનો દેહ છે. આ સંધિબિંદુ સશક્ત રીતે વ્યક્ત થયું છે.
માળા બાંધતા ને કલરવતા પક્ષીઓની પહેચાન આપતા વૃક્ષને કંકુ-ચોખાથી પૂજતી આંગળીઓનો અભાવ કેમ સાલે છે ? વળગેલી વેલોથી કમનીય બનતા થડને થાકેલા માનવીની પીઠનો ફરીથી સુયોગ ક્યારે થશે ? ભરચક ડાળીઓ અને પાંદડાઓથી લચી પડતાં વૃક્ષને ટહૂકાઓના અભાવની ભેટ આપવાનું દુષ્કૃત્ય ક્યાં સુધી આપણે કરતાં રહીશું ? પ્રશ્નો ઘણા છે, ઊગતી જતી ઇમારતોની સાથે સાથે એ નવા નવા સ્વરૂપે જનમ્યા જ કરે છે. ઉગામાતા કુહાડાથી ધ્રૂજતા, નિસહાય વૃક્ષ પાસે એનો કોઈ જવાબ નથી. એ તો બેજુબાન છે. એટલે જ ક્યાંક આવી કવિતાઓ રચાય છે, એના વતી જવાબ મેળવવા સ્તો.
કવિ શ્રી પ્રવીણ દરજી માત્ર પદ્મશ્રી જ નથી, પ્રકૃતિ એમના રોમેરોમ રસાયેલી છે. એમના નિબંધો સૂચવે છે કે કુદરતના તમામ તત્વો સાથે એમની ઘનિષ્ઠ મિત્રાચારી છે. એમના કાવ્યસંગ્રહ ‘પૂર્વાભાસ’માં એની પ્રતીતિ થાય છે. એમનું બીજું કાવ્ય પણ એ જ સંગ્રહમાંથી અહીં મૂક્યું છે. અલબત્ત અહીં વૃક્ષનો સંદર્ભ જુદો છે પણ પ્રતીકોની પસંદગી બાબતે પ્રકૃતિ સાથેની એમની નિસ્બત દેખાઈ આવે છે.
કહો શું થાય ?
આકાશને તોળી રહેલું હર્યુભર્યું વૃક્ષ
કશા કારણ વિના
એકાએક તૂટે,
સમૂળ ઊખડે,
પળમાં બધું કડડભૂસ થાય ત્યારે
–ત્યારે
પર્ણો અનાથ થઈ જાય
ડાળો વિધવા બની આક્રંદી રહે
અવકાશના ગર્ભમાં કરુણિકા જન્મે
જે ક્યારેય લખાતી નથી,
વંચાતી પણ નથી !
મૃત્યુંજયના જાપ પણ
એવા વૃક્ષને ઉગારી શકતા નથી,
કેટલીક ઘટનાઓને આમ ભૂલી જવી પડે છે.
એક તોતિંગ હર્યુભર્યું વૃક્ષ
તૂટે, સમૂળ ઊખડે ત્યારે – રે !
પ્રતિસાદ આપો