Posted by: readsetu | ડિસેમ્બર 28, 2017

કાવ્યસેતુ 311

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 19 ડિસેમ્બર 2017

કાવ્યસેતુ 311   લતા હિરાણી  (મૂળ લેખ)

એકલી ને અટૂલી મા

 

ઉંબરા પર પાણિયારે ખાટલામાં મા

ઓરડો મામાં જીવે ને ઓરડામાં મા.

ક્યાંકથી આવે ટકોરા એ પ્રતીક્ષામાં

રોજ આંખોને પરોવે બારણામાં મા.

કઈંક વર્ષોથી સમય અટકી ગયો જાણે

એ જ ચશ્માં, એ જ ધોળા સાડલામાં મા.

રૂબરૂ ખુદને મળે તો ઓળખે ક્યાંથી?

ક્યાં કદી ખુદને જુએ છે આયનામાં મા !

દિકરી એના ઘરે ને દીકરો પરદેશ

ત્યારથી બસ એકલી છે વારતામાં મા.

માના શ્વાસેશ્વાસમાં તો આપણે જીવ્યા

ક્યાં કદી જીવી શકી છે આપણામાં મા. …. ભાવિન ગોપાણી

 

 

કવિતામાં, વાર્તામાં, નિબંધોમાં ચારે બાજુ માતાના મહિમાને, એના ત્યાગને, સમર્પણને અને એની પીડાને શબ્દમંડિત કરવામાં આવી છે. ક્યાંક એ સો ટકા સચ્ચાઈ છે, ક્યાંક કરમ કઠણાઇ છે, ક્યાંક કલ્પનાની ઊંચાઈ છે. એ વાત સત્ય છે બાળકને જન્મતાંવેંત ‘પ્રેમ’ તત્વની અનુભૂતિ આપનાર મા છે ! કદાચ નિર્વ્યાજ પ્રેમ, હૃદયના ઊંડાણમાંથી અવિરત વહ્યા કરતા પરમ પ્રેમની અનુભૂતિ માતાને પણ પોતે પેદા કરેલ બાળક આપે છે. આ અરસપરસ વહેતા સ્નેહધોધની કથા છે, જેમણે એનો અનુભવ કર્યો હોય એ જ સમજી શકે. પોતાના સુખ ચેન, આરામ અને રાતોની ઊંઘ એ વગર કુરબાન ન થઈ શકે.

 

બાળકના ધબકારામાં પોતાના પ્રાણ રેડી દેતી મા ત્યારે ધબકારો ચૂકી જાય છે જ્યારે એ જ સંતાનને પોતે ભારરૂપ લાગે છે. ચોવીસ કલાક બાળકની આસપાસ ટહૂક્યા કરતી માના શબ્દો સાવ ખોવાઈ જાય છે જ્યારે દીકરા વહુને એની વાત સાંભળવાની ફુરસદ નથી હોતી. પોતાના બોસ માટે કે ક્લાયન્ટ માટે ખડે પગે રહેનાર દીકરાને મા પાસે પાંચ-દસ મિનિટ કાઢી નિરાંતે બેસવાનો સમય નથી હોતો ત્યારે માને જીવવું અકારું લાગે છે પણ આ યે એક વાસ્તવિકતા છે !

 

આ તો સાથે રહીને જુદા રહેવાની વાત છે પણ જે સ્થૂળ રીતે પણ જુદા જ છે, એનું શું ? આજે એ વાસ્તવિકતા વિકરાળ બનતી જાય છે. સંતાનો પરદેશ હોય અને ઘરે વૃદ્ધ મા-બાપ કે એકલા પડી ગયેલા માતા કે પિતા જે પીડા અનુભવે છે એ સમસ્યા મોં ફાડીને ઊભી છે. અમુક ઉમર પછી માબાપને પોતાનું વતન, પોતાનો પરિવેશ છોડીને પરદેશ જવું ગમતું નથી અને રોજરોજ ઊભા થતાં સ્વાસ્થયના પ્રશ્નો આગળ એ લાચારી અનુભવે છે. ત્યારે નવા પ્રકારના વૃદ્ધાશ્રમોનો વિચાર આકાર લઈ રહ્યો છે એ અંગે નવેસરથી ડગલાં માંડવાની અને સમાજે પોતાની માનસિકતા બદલવાની બહુ જરૂર છે. કેમ કે અમુક પ્રકારની જરૂરિયાત હવે કરમની કઠણાઇ બની ગઇ છે એમ માની જ લેવું પડે.

 

અહીંયા વિધવા માની કઠણાઇ બતાવી છે જે રોજ બારણાં પર પ્રતીક્ષાના તોરણ લટકાવી ઊભી રહે છે ને રસ્તો જોયા કરે છે. જરૂરી નથી કે હમેશા દરેક જગ્યાએ દીકરો પોતાના સ્વાર્થમાં જ મસ્ત હોય ! દીકરા દીકરીને એની પોતાની મજબૂરી હોય છે. એમણે માને વિસારે નથી પાડી. ઊંડે ઊંડે એની એકલતા માટે પોતાની જવાબદારી ન પૂરી કરી શક્યાનો ડંખ પણ છે પણ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે કોઈ રસ્તો નથી. સમયના ચક્રમાં સૌ પીસાતા રહે છે.

 

પહેલાનો સમય અલગ હતો. સમય સાથે પરિવર્તન જ્યારે બધે જ સ્વીકારવું જરૂરી બની જાય છે તો આ બાબતમાં પણ કેમ નહીં ?  જરૂર છે આપણી એટલે કે સમાજની માનસિકતા બદલવાની. વૃદ્ધાશ્રમના વિચારમાં, વ્યવસ્થામાં ને સ્વરૂપમાં બદલાવની જરૂર છે. એકલા પડી ગયેલા માતા કે પિતા પોતાના જેવા લોકોની કંપની મેળવી શકે, ક્યાંક પોતાના જેવા લોકો વચ્ચે બે વાત કરી મન હળવું કરી શકે ને એકલતા અનુભવતા લોકોને હૈયાધારણ આપી શકે, મેળવી શકે એ ઉચિત અને ન્યાયી વ્યવસ્થા છે, એવું નથી લાગતું ?      

 

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: