Posted by: readsetu | ડિસેમ્બર 28, 2017

કાવ્યસેતુ 312

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 26 ડિસેમ્બર 2017

કાવ્યસેતુ 312  લતા હિરાણી

હજી પણ ?

તું પૂછતી હતી,

માથાના ઢીમચા વિશે,
તો સવારે ઊઠવાની ઉતાવળમાં,
ક્યારેક માથું ભીંત સાથે અથડાઈ જાય !

અને હાથ પર દાઝ્યાનું નિશાન ?
તો રોટલી શેકતાં શેકતાં,
ક્યારેક હાથ પણ શેકાઈ જાય !

હવે, છાતી પરનાં લાલ ચકામાં ?
તો રાતના ગાઢ અંધકારમાં,
ક્યારેક પ્રેમ ઊભરાય,

તો બીજું શું થાય ?

લે, હવે તારે કપાયેલી આંગળીઓ,
છોલાયેલા ઘૂંટણો, તરડાયેલી ચામડી
અને રેલાયેલી પાંપણોની કથા સાંભળવી છે ?

તો સાંભળ, બધું તો ચાલ્યા કરે !
એનો તો વળી રંજ હોય ?
શહાદતની ગણતરી તો યુદ્ધમાં હોય,
તો ઘર છે યાર ! ……….. નયના રંગવાલા

 

એકબાજુ નારી સ્વાતંત્ર્ય, સમાનતાના નારાઓ ચાલ્યા કરે, વોટ્સ એપ પર એવી એવી રમૂજો મુકાય કે હવે આ દુનિયામાં પુરુષ સ્ત્રીની ગુલામી કરવા સિવાય કશું કરી શકે એમ નથી કેમ કે સ્ત્રીઓના અત્યાચાર વધતા જાય છે ! અને બીજી બાજુ આવી કવિતાઓ માત્ર લખાતી નથી, જીવાતી પણ હોય છે ! એ પણ એક સચ્ચાઈ છે ! પેલા જોક્સ તો ઉપજાવી કાઢેલા જ અને તેય પુરુષો દ્વારા…. સચ્ચાઈની શક્યતા એમાં પાંચ દસ ટકાથી વધુ નહીં જ્યારે આ કવિતાની સચ્ચાઈ શોધવા બહુ  દૂર ન જવું પડે ! આજુબાજુ જીવાતા જીવનમાં જરાક  ઊંડે ઉતર્યા કે આવી કોઈક મનને વિષાદમાં ડૂબાડી દેતી ઘટના જીવાતી મળી આવે ! જરૂરી નથી કે માથા પર દેખાતા ઢીમચા હોય ! હાથ પર દાઝયાના નિશાન કે છાતી પરના લાલ ચકામાં શોધવાની ય જરૂર નથી. બહારનું બધુ દેખાતું સલામત હોય ને અંદર અંતર આખું ઉઝરડાઇ ગયું હોય, જીવવાની એકાદ ઇચ્છા કે આશા ઝાંઝવા જેવી લાગતી હોય એવી સ્ત્રીઓ માટે આ બધા ઝંડા સાવ નકામા છે.

સવાલ એટલો જ છે કે આ લખતા ને વાંચતાય પીડાના સણકા ઊઠે એનું શું કરવું ? આનો ઉપાય કોઈને ક્યાંય દેખાય છે ? આનો ઉપાય શક્ય છે ખરો ? કે પછી માત્ર મોટી મોટી વાતો કરીને જ સંતોષ માનવાનો ! હજી થોડા દિવસ પહેલા જ એક ખૂબ ભણેલી ગણેલી અને સુખી એટલે કે પૈસાદાર ઘરની પત્ની પાસેથી આંસુ સમેત વાત સાંભળી કે “બાળકો સામે મારા વાળ પકડીને મારુ માથું ભીંત સાથે પછાડે પછી જ એનો ગુસ્સો શાંત થાય.” બાળકો એટલી હદે ધ્રુજી જાય કે ઘરમાં આવતા ડરે ! દીકરી સ્કૂલે જવા જીદ પકડે અને રોજ ધીમે ધીમે ચાલતી, જેટલું મોડુ થઈ શકે એટલું મોડુ કરતી આવે, આવીને પણ ક્યાંય સુધી ઘરના કંપાઉન્ડમાં ફર્યા કરે. એને ખાતરી થાય કે પપ્પા ઘરમાં નથી તો જ ઘરમાં આવે !” આ કલ્પનાની વાત નથી મિત્રો ! આ સગા કાને સાંભળેલી સચ્ચાઈ છે, અને હવે થોડી મોટી થઈ ગયેલી દીકરી સામે આ કરેલી વાત છે જેની દીકરીએ પણ સાક્ષી પૂરી ! એટલે જ કહું છું ને કે બુદ્ધિ બહેર મારી જાય છે જ્યારે દીકરી પણ એમ કહે કે ત્યારે તો હું નાની હતી, ડરી જતી પણ હવે એમ થાય છે કે મમ્મી તું પપ્પાને એક ઠોકી કેમ નહોતી દેતી ! 

લોકો મને કહે છે કે તમે પુરુષ વિરોધી લખો છો … હું કહું છું કે સ્ત્રી તરફી મને જે સચ્ચાઈ જડે છે એ લખું છું ! કદાચ તમે મારી સાથે સમ્મત થશો. કમ સે કમ આવા પુરુષો પોતાના બાળકો માટે તો વિચારે ! અરે, ઘરમાં ઝગડા કરતાં દંપતીઓએ પણ પોતાના બાળકોનો વિચાર કરીને પોતાની ઉપર એટલા સમય માટે તો સંયમ રાખવો જ જોઈએ.

Advertisements

Responses

 1. માતાજી અને મૃત માતાની છબીને પૂજતા આપણા સમાજમાં સ્ત્રીની કિંમત નથી. આ હકીકતને વાચા મળે તે જરૂરી છે.
  ધન્યવાદ

  • સાચી વાત રેખા. Thank U. મજામાં ને !

   2017-12-29 2:38 GMT+05:30 સેતુ ~ લતા જ. હિરાણી
   :

   >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: