Posted by: readsetu | ડિસેમ્બર 29, 2017

કાવ્યસેતુ 1

દિવ્ય ભાસ્કર > કાવ્ય સેતુ > 6 સપ્ટેમ્બર 2011

કાવ્યસેતુ  1   લતા હિરાણી

મારો શાકવાળો ઘણો સારો છે

દરરોજ સવારે

મને સ્મિત સાથે નમસ્કાર કરે છે

પછી જ ભાવની કડાકૂટ આદરે છે

ક્યારેક એના વટાણા સડેલા હોય

ટામેટાં વધારે પડતાં પાકી ગયાં હોય                                           

એના ત્રાજવાનું પણ બહુ ઠેકાણું ન હોય

પણ એ એના ઘરની વાતો કરે

અને મુલાયમ રીતે જાણી લે

કે મારું તો બધું ઠીકઠાક છે ને ?

મને એ ગમે છે

એની આ મીઠીમીઠી વાતો માટે નહીં

ન તો એના ચહેરા માટે

મને તો એ એટલા માટે ગમે છે

કે કસીને હું એનો ભાવ ઓછો કરાવું છું

અને મારું પ્રત્યેક પ્રભાત

વિજયના ભાનથી સમૃદ્ધ બને છે…………. ધીરુબહેન પટેલ

એક સ્ત્રીની, એક ગૃહિણીની રોજિંદી જિંદગીની વાત ને એમાંથી નિપજે છે કવિતા !! ધીરુબહેન પટેલની આ કવિતા બે પ્રકારની સંવેદનાથી ભરીભરી છે. એક તો શાકવાળા જેવા મહેનતકશ આદમી સાથે ગૃહિણીનું સમસંવેદન !! એની સાથે રોજેરોજની નિસ્બત એટલે અહીં કોઇ પ્રકારની સામાજીકતાની ઊંચનીચ આડે આવતી નથી. એકબીજાની વાતોમાં હળવાશથી એકબીજાના કુશળમંગળ વ્યક્ત થઇ જાય છે !! રોજબરોજની જિંદગીમાંથી વહ્યા કરતી નરી માનવીયતાની સુગંધ !!

તો બીજી બાજુ દરેક માનવીમાં અભરે ભરેલી રહેતી પોતાનું ધાર્યું કરવાની ઝંખના…. છેલ્લી બે પંક્તિઓ એને કાવ્યત્વ બક્ષે છે. સામાન્ય ઘટનાના નિરુપણમાંથી અંતરને સ્પર્શી જાય એવો વિશેષ સુર નિપજાવવો એ કાવ્યકળા છે.

શાક લેવું એ કેટલી સામાન્ય ઘટના ? સારું શાક ચુંટીને લેવું અને ભાવની રકઝક કરવી એમાં ગૃહિણીને કોઇ ન પહોંચે !! એમાં ક્યાં સેંકડો કે હજારો હારવા-જીતવાના છે ? વાત સાવ નાની, ક્ષુલ્લક છે. કસી કસીને બે ચાર રુપિયા ઓછા કરાવવાના હોય કે પછી વજનમાં પચાસ સો ગ્રામ નમતું તોળાવવાનું હોય !! સાડી ખરીદવા જતી સ્ત્રી આરામથી પાંચસો-હજાર ખુશીથી ફેંકી દેતી સ્ત્રી, શાકમાં બે પાંચ રૂપિયા બચાવીને કેવી ખુશ થતી હોય છે !! આમાં માત્ર પૈસા બચાવવાની વાત ઓછી છે ? પોતાનું ધાર્યું કરવાની અને જીતવાની માનવીની મૂળ મુરાદ અહીં ઝબકે છે. દરેકને ક્યાંક ને ક્યાંક તો જીતવું છે, અને પોતાનું ધાર્યું કરવું છે. આ વાત સ્ત્રી માટે પોતાના ઘરમાં અઘરી છે. પતિ કે સાસુ એની ઇચ્છા પ્રમાણે નહીં વર્તે. બાળક પણ એનું ધાર્યું જ કરશે. સ્ત્રી માટે પોતાનો અહમ સંતોષવાના આવા નાનકડા રસ્તાઓ છે અને એને એ ચુકતી નથી !!

સેવા અને સદભાવની શીખ આપનારા જરૂર એમ કહી શકે કે શાકવાળા જેવા ગરીબ, મહેનત મજૂરી કરીને જીવતા આદમી પાસે બે ચાર રૂપિયા ઓછા કરાવીને સ્ત્રી ખોટું કરે છે અને આ વાત પણ કંઇ ખોટી નથી જ તોયે…જીત આખરે જીત છે અને દરેકે ક્યાંક તો વિજય મેળવવાનો જ હોય ને !!

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: