Posted by: readsetu | જાન્યુઆરી 2, 2018

Kavyasetu 313

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 2 જાન્યુઆરી 2018

કાવ્યસેતુ  313   લતા હિરાણી

ઝંખનાનું આકાશ 

એક મુઠ્ઠીમાં હું આખ્ખું આકાશ ભરી આવી,

તારી આંખોમાં લે સાત દરિયા તરી આવી.

એક રેતીનુ નગર હતું ને પગલાં ભીના,

ફરતે મારી છે દરિયો ને હું તરસ વિના.

હું ખોબામાં ક્ષિતિજને લે ભરી આવી.

તારી આંખોમાં લે સાત દરિયા તરી આવી.....

એક હતો રુમાલ અને એક હતી વીંટી,

ટાંગી દીધેલી મેં યાદો ત્યાં જ હતી ખીંટી,

હળવો તે આપ્યો સાદ ને હું સરી આવી !

તારી આંખોમા લે સાત દરિયા તરી આવી...

હથેળીમાં ઉગ્યા તો થયું કે તકદીર છે.

મુઠીમા ભર્યુ તો લાગ્યું કે નર્યુ નીર છે..

સાત પગલાંમાં સપ્તપદી ફરી આવી !

તારી આંખોમા લે સાત દરિયા તરી આવી ………….નિકેતા વ્યાસ

દિવસ ઊગે છે, સાંજ ઢળે છે, રાતનું ઘોર અંધારું છવાય છે ને ફરી પ્રકાશનો ઉદય થાય છે. સૂર્ય ઊગે છે ને ફરી સવાર પથરાય છે. પાન ખરે છે ને નવી કૂંપળ ફૂટે છે. કુદરતના તમામ તત્વો માનવીમાં આશાના દરિયા ઠાલવે છે. આજે ગમે એટલી નિરાશા, હતાશા કેમ ન હોય ! આવતીકાલ નવી આશા લઈને આવે જ છે. કેટકેટલા પ્રેમીઓ છૂટા પડે છે ! અરે, પ્રેમ કરીને પરણ્યા પછી લડે છે, ઝગડે છે અને છૂટા પડે છે ત્યારે થાય છે પેલી મીઠી મીઠી વાતો ને જીવનભર સાથે રહેવાના વાયદાનું શું થયું ? આવા સેંકડો ઉદાહરણો નજર સામે જીવતા હોય તોય કોઈ પ્રેમમાં પડે ત્યારે એમ જ વિચારશે કે અમારી વાત જુદી ! દરેક પ્રેમી પોતાને શીરી-ફરહાદ કે હીર-રાંઝા જ સમજે ! અને જીવનમાં એની તો મજા છે. બાકી આ સૃષ્ટિમાં ક્યારનુય ફૂલોએ ખીલવાનું ને પંખીઓએ ચહેકવાનું બંધ કરી દીધું હોત !

પ્રેમમાં પાગલ થવાની મજા જ કંઇ ઓર છે. આવડું મોટું આકાશ મુઠ્ઠીમાં લાગે ને આંખોના દરિયામાં ડૂબેલા રહેવામાં જન્મ સાર્થક થયેલો લાગે એ કોઈ નાનીસૂની વાત છે ! ભવિષ્યમાં જે થવાનું હોય એ થાય, (અલબત્ત પ્રેમમાં પડેલા આવું નથી વિચારતા હોતા) પણ કહેવાનો મતલબ એ છે કે વાસ્તવિકતા એનું જે રૂપ દેખાડવું હોય એ દેખાડે પણ આજની રંગીની, આજની માસુમિયત, આજની મધુરતા એ અનોખી જ છે, દરેકની પોતાની અલાયદી છે અને આગવી છે.  

ખોબામાં ક્ષિતિજ ભરી લેવાની હોંશ જ્યારે આંખોમાં મેઘધનુષી સપના છલકાતા હોય ત્યારે જ થાય. રૂમાલ અને વીંટી એ જૂની જાણીતી અને છતાંય સૌને પ્રિય એવી કથા છે. વગર બોલાયું સંભળાય અને નજરથી જ સઘળા ભેદ ઉકેલી દેવાય એ પ્રેમની કારીગરી છે. હથેળીની એક એક રેખા પ્રિયતમના નામને લઈને જ ખૂલતી હોય ત્યારે તકદીરના લેખ પોતે જાતે જ લખ્યા છે ને એમાં કોઈ મીનમેખ થવાનો નથી એવું ન લાગે તો બીજું શું થાય ? પળેપળ એક નામસ્મરણ થયા કરે ને હોઠ ખૂલ્યા વગર સતત કંઈક કહ્યા કરે. મનમાં ઉઠેલી તીવ્ર ઇચ્છા દરિયાપાર પણ કે કોઈ સાધન સંદેશ વગર પણ પહોંચી જાય એ પ્રેમનો કમાલ છે.

આ અનુભવમાંથી તમે પસાર થયા છો ? જો હા, તો આ તમારી ખુશનસીબી છે. જો ના, તો તમને મારી નવા વર્ષની શુભેચ્છા કે જીવનમાં એકવાર આ લ્હાવો જરૂર મળે !

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: