Posted by: readsetu | ફેબ્રુવારી 6, 2018

Kavyasetu 318

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 6 ફેબ્રુઆરી 2018

કાવ્યસેતુ 318   લતા હિરાણી   (મૂળ લેખ)

પપ્પા, જલ્દી આ જાના !

દર સોમવારે વહેલી સવારે

હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે

પપ્પા મને લાંબી પપ્પી કરીને

નોકરીએ નીકળી જાય છે

તે છે…….ક

શનિવારે પાછા આવે.

હું પપ્પા કરતાંય વધારે

શનિવારની રાહ જોઉ છું

કારણ કે

પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે

પણ શનિવાર તો

પપ્પાને લઈને આવે છે ! … કિરણકુમાર ચૌહાણ

આજકાલ બાળઉછેર પર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે, પેરન્ટીંગની તાલીમના કોર્સ ચાલે છે. લોકો એમાં હોંશે હોંશે જોડાય છે પણ ખરા. માતા-પિતા જ નહી, સગર્ભા મહિલાઓ અને જેઓ ભવિષ્યમાં માબાપ બનવાના છે એવા યુવાન યુવતીઓ પણ પેરન્ટીંગ શીખવા આવે છે જે સારી નિશાની છે. પહેલા આવું નહોતું. માબાપ તો કુદરત બનાવી દે ! પછી સંયુક્ત કુટુંબને કારણે બાળક ઉછરી જતું. હવે સંયુક્ત કુટુંબો લગભગ રહ્યા નથી ત્યારે બાળકને માટે ક્યારે, શું કરવું એ માતા માટે અનેકવાર સમસ્યા બની જાય છે. આપણે પોતે યાદ કરીએ તો બાળકના ઉછેરમાં આપણે એવી કેટલીયે ભૂલો કરી હશે જેનો આજે અફસોસ કરતાં હોઈએ. આપણા ઉછેરમાં આપણા માબાપની ભૂલો પણ ચોક્કસ યાદ આવશે જ. કેમ કે બાળક હંમેશા જોઈને શીખે છે, કહેલું નહીં અને બાળપણમાં તેના મનમાં જે વાત રોપાઈ જાય છે એ એટલી સજ્જડ હોય છે કે જીવનભર એનો પીછો નથી છોડતી. આપણે ત્યાં પટાવાળાથી માંડીને પાયલોટ સુધીના કામ માટે ટ્રેનિંગની જરૂર હોય છે પણ માબાપ બનવા માટે કોઈ ટ્રેનીંગ નહી ? સારું છે, હવે અનેક જગ્યાએ આવી તાલીમ શરૂ થઇ છે.

એક બાળકની, હૈયાસોંસરવી ઉતરી જાય એવી વાત કવિ લઈને આવ્યા છે. એને પપ્પાની રાહ છે. રમકડાં મીઠાઇ એવું બધું તો બીજેથીય મળતું રહે પણ પપ્પા ? પપ્પા એના વ્યવસાયને કારણે દૂર રહે છે. અઠવાડિયે એકવાર આવે છે અને રજાના એ શનિવારની બાળક આતુરતાથી રાહ જુએ છે. બાળક માટે એના માબાપ સૌથી મૂલ્યવાન બાબત છે. દુનિયાની કોઈ પણ મોંઘી સારી ચીજ મમ્મી-પપ્પાની બદલે ચાલે નહી. મમ્મી-પપ્પા એનો આધાર છે, હૂંફ છે, જીવન છે. એટલે જ બાળક માર ખાધા પછીયે મમ્મીની સોડ જ શોધે. બાળક રડતાં રડતાંય, જેણે માર્યું છે, એની પાસે જ જાય. ઓછોવત્તો પણ આ મારો, તમારો, સૌનો અનુભવ. અલબત્ત બાળકને માર મારવો એ ખૂબ મોટી ભૂલ છે. આવું વધુ થાય તો બાળક ડરપોક બની શકે, એકલવાયું બની શકે, અસામાજિક બની શકે. એનામાં રોપાયેલા હિંસાના બીજ એને કોઈપણ આડેરસ્તે ચડાવી શકે પણ સમાજમાં આ નવો વિચાર છે. જો કે મહાન વ્યક્તિઓની આત્મકથાઓમાં આ વાત જુદી જુદી રીતે મળે જ છે. વિખ્યાત ચિંતકોએ બાળઉછેરને ખૂબ મહત્વ આપેલું જ છે. તોય હકીકતે ‘સોટી વાગે ચમચમ વિદ્યા આવે રુમઝુમ’ ના સિદ્ધાંત પર આજનો સમાજ ઉછર્યો છે. આજે પણ એ નથી થતું એવું તો ન જ કહી શકાય. છાપાંઓ એનાથી છલકે છે. વાતનો સાર એ જ કે બાળકની પહેલી અને છેલ્લી જરૂર છે પ્રેમની, હૂંફની. એ માટે માબાપ સિવાય એ કોઈના પર વિશ્વાસ નહીં મૂકે. એ યાદ રાખીએ કે બાળકને પ્રેમ મળશે તો બીજુ બધું આપોઆપ એની પાછળ આવી જશે.

આશા રાખીએ કે દરેક બાળક પપ્પાના શનિવારની કે સાંજની રાહ જુએ, મમ્મીનો વહાલો હૂંફાળા સ્પર્શ અનુભવે…… દાદા-દાદીના ખોળામાં નિરાંતે રમે….. ક્યાંય કોઈ ઘરમાં એવું ન થાય કે પપ્પા ઘરમાં આવતા જ બાળક ડરે ! મમ્મી-પપ્પાના ઝગડાથી બાળક અસુરક્ષિતતા અનુભવે, ડિપ્રેશનમાં સરે…… વિશ્વમાં દરેક બાળક માટે પોતાનું ઘર અત્યંત હૂંફાળી અને વહાલી જગ્યા બની રહે…. વિશ્વશાંતિનો આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: