Posted by: readsetu | ફેબ્રુવારી 13, 2018

Kavyasetu 319

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 13 ફેબ્રુઆરી 2018

કાવ્યસેતુ 319  (મૂળ લેખ)  લતા હિરાણી

પ્રેમનું આકાશ   

વિરહમાં વહેલા

જે આંસુ 
પાલવથી લૂચ્છ્યા હતા
તારા આવતાંની સાથે  
પાલવના જરીબુટ્ટા 
થઈ ગયા      —– રેખા ભટ્ટી 

પ્રેમની અભિવ્યક્તિ માટે આંસુ સૌથી બહેતર અને આમ તો એકમાત્ર સાધન છે. આંસુ વગર પ્રેમ કેવો ? ચાહે ખુશી હો કે ગમ ! ચાહે વિરહ હો કે મિલન ! આંસુની ભાષાનો એક જ અર્થ છે, સંવેદનાની ગહેરાઈ !  પ્રેમની ડિક્ષનરીમાં પહેલે   પાને ઝળઝળિયાં તો છેલ્લે પાને ડૂસકાં…. બે વ્યક્તિ વચ્ચે રોપાયેલી પ્રેમની વેલને ઉછરવા માટે આંસુ સિવાય બીજું કોઈ જળ નથી ખપતું. આંખના છલોછલ કૂવા ઈંતઝારને અને આગોશને હર્યાભર્યા રાખે છે. આંસુથી ભીંજાયેલા સ્પર્શને અસીમ સુખનું વરદાન સાંપડે છે.

ગમવું એ બહુગામી ઘટના હોઇ શકે પણ કોઈને ચાહવું એ અર્જુનની આંખ જેવું. એના સિવાય કશું જ ન દેખાયત્યારે લક્ષ્ય સુધી પહોંચાય. પહેલી નજરમાં પ્રેમનું અવતરણ અને બંને બાજુથી એ યાત્રાનું આરંભાવું એ વિશ્વની સૌથી સુંદર ઘટના છે. આંખોમાં ઊંઘને બદલે ઉજાગરો અંજાય અને પાંપણોની પાળને કોરી રાખવા માટે કહાણીઓ રચવી પડે અને એમ પ્રેમમાં પડેલ દરેક વ્યક્તિનું પોતાનું મહાકાવ્ય રચાતું જાય.

હથેળીની રેખાઓમાં આવી મધુર ભીનાશ લખાવીને બધા નથી જનમ્યા હોતા. એ લખાઈ હોય તોયે એના પર કોઈનો અંકુશ નથી હોતો. એના રસ્તા ગૂંચવાડાભર્યા હોય છે. કોઈ એમાંથી મંઝીલે પહોંચે છે, કોઈ એ ગલીઓમાં સદાય અટવાયા કરે છે ને કોઈના નસીબમાં હંમેશા ખતા ખાવાની લખેલી હોય છે. પ્રેમના કે પીડાના એકાંતને ઓઢી રાખતી આવી વ્યક્તિ સમૂહમાં એકલવાયો ટાપુ રચી શકતી હોય છે. સમયના દરિયામાં એ પોતાની પળોને કલ્પનામાં કંડારી  છીપના મોતીની જેમ સાચવી શકે છે.

પ્રેમ જાદુ કરી શકે છે. પ્રેમનું સામર્થ્ય અદભૂત છે. એક ક્ષણમાં ખંડેરને મહેલ કે મહેલને ખંડેર બનાવી શકે છે. વિરહમાં વહેલા આંસુ લૂછેલો પાલવ અહી મિલનને ઝળહળાવે છે. એ કદાચ સુકાઈ પણ ગયો છે છતાંય મિલનની ક્ષણોથી  એના તારોમાં એક સમયે વળગેલી ભીનાશ જાગે છે, ઝળહળે છે. ફરી આંખોમાં આંસુ ચળકે છે એક જુદા સંદર્ભ સાથે, એક જુદા માહોલમાં….

રેખા ભટ્ટી એ એક ઊગતી કવયિત્રી, ઊગતી લેખિકા, ઊગતી વાર્તાકાર છે. એની લેખનવય નાની છે. જીવનના આકરા સંઘર્ષો વેઠીને હવે એ કલમને ખોળે આવે છે ત્યારે હું યાદ કરું છું કે આજે ખૂબ સારું લખતી એવી કેટલીય કવયિત્રીઓ, લેખિકાઓ છે કે જેમણે જીવનના ત્રણ કે ચાર દાયકા પછી હાથમાં કલમ પકડી. એનામાં ક્યારે આવા બીજ જન્મ્યા હશે, તદન વિપરીત વાતાવરણમાં એ કેવી રીતે કોળ્યા હશે ! મૂળ વાત એ જ છે કે એને કઈક કહેવું છે, પોતાની ઝીણી ઝીણી સંવેદનાઓને વાચા આપવી છે. એ સંદર્ભ જોઈએ તો એની લખવાની તરસને બિરદાવવી પડે. ખુદ એ પોતે જ લખે છે,

મારા આકાશમાં

કોઈ વાદળ નથી,

છતાં પણ મને હંમેશા

તરસ રહી છે

વરસાદની…..  

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: