Posted by: readsetu | ફેબ્રુવારી 21, 2018

kavyasetu 3

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 20 સપ્ટેમ્બર 2011

કાવ્યસેતુ 3 – લતા હિરાણી

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,
જોતીતી વ્હાલાની વાટ રે : અલબેલા કાજે ઉજાગરા.

પગલે પગલે એના ભણકારા વાગતા,
અંતરમાં અમથા ઉચાટ રે : અલબેલા કાજે ઉજાગરા.

બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં,
વેરણ હીંચોળાખાટ રે : અલબેલા કાજે ઉજાગરા.

ઘેરાતી આંખડીને દીધાં સોગન મેં,
મટકું માર્યું તો તારી વાત રે : અલબેલા કાજે ઉજાગરા.

આજના તે જાગરણે આતમા જગાડિયો,
(
જાણે) ઊભી હું ગંગાને ઘાટ રે : અલબેલા કાજે ઉજાગરા…….. પ્રભુલાલ દ્વિવેદી

ગઇ સદીના યાદગાર ઉત્તમ કવિઓના નામ લઇએ તો એમાં નાટ્ય મહર્ષિ અને કવિ પ્રભુલાલ દ્વિવેદીનું નામ આવે. ગુજરાતી નાટકોમાં એમનું પ્રદાન અનેરું પણ એમની કવિતાઓ લોકજીભે અને લોકહૃદયે વસી ગયેલી છે. 1892માં જન્મેલા અને 1962માં અવસાન પામેલા આ કવિના ગીત અલબેલા કાજે ઉજાગરા ઉપરાંત એક સરખા દિવસ સુખના કોઇના જાતા નથી અને હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછાં છે જેવી હવે લગભગ કહેવત બની ગયેલી અને ઘેર ઘેર ગવાતી રચનાઓથી ભાગ્યે જ કોઇ અજાણ હશે.

1948માં વડીલોના વાંકે નાટકમાં રજૂ થયેલું આ ગીત અત્યંત લોકપ્રિય બન્યું હતું. સરળતા જ્યારે અંતરના ઊંડાણમાંથી નીતરે છે ત્યારે એ લોકહૃદયની આરપાર ઊતરે છે. અહીં અત્યંત સરળતાથી, સ્ત્રી હૃદયની પ્રેમની ઝંખનાની બળકટ અભિવ્યક્તિ છે. નાયિકાની ઉજાગરાથી ચૂર થયેલી આંખોમાં પ્રિયતમના મિલનની અણથક અભિલાષા અંજાયેલી છે. વ્હાલાની વાટ એ એના જીવનની વાટ છે. એ પંથે ચાલતાં એક એક ડગલે એને પ્રિયતમના ભણકારા વાગે છે, અંતરમાં ઉચાટ પણ છે કેમ કે વિરહ સહેવો વસમો છે. નીંદરડી સંગ હોડ ને આંખોને દેવાતા સોગંદ વાચકનેય મટકું મારતાં રોકી લે છે. પળેપળ પ્રિયને પામવાની અભિપ્સા કેવી તો રંગ લાવે છે !!

પ્રિયતમ માટે અહીં અલબેલો શબ્દ વપરાયો છે. આ શબ્દથી સૂચિત પ્રિયતમ નટખટ, નિરાળા, રંગીન ને મસ્તીખોર મોરપીંછધારી, ગિરધારી-કૃષ્ણ તરફ ઇશારો કરે છે ને એથી પૃષ્ઠભૂમિમાં રાધાની છબિ તરત ઉપસી આવે છે. વેદના જાણે રાધાની છે અને ગોપીભાવ પૂરો વ્યક્ત થાય છે અને તોયે પોતાના પ્રિય માટે તરસતી, તડપતી પ્રત્યેક સ્ત્રી આ કાવ્યપ્રવાહમાં આકંઠ ભીંજાય, એને આ પોતાની જ બાની લાગે એવી સુંદર આ રચના છે.

સાંસારિક પ્રેમની અભિવ્યક્તિ, મિલનની વ્યાકુળતા અને છતાંય આંખોના જાગરણથી શરું થયેલું આ ગીત આખરે દેહના પગરણને વળોટી આતમ ઉજાગરની કક્ષાએ પહોંચી જાય છે. વ્હાલમના મિલનની અભિપ્સા હવે રાધાકૃષ્ણના ઉદ્દાત પ્રણયની કક્ષાએ પહોંચે છે. પ્રિય કાજે થતું જાગરણ સ્થૂળ ચક્ષુઓને દિવ્ય દૃષ્ટિ અર્પે છે અને આખરે એને સભર કરે છે બેય કાંઠે છલકાતી પવિત્ર ગંગામૈયા…. પ્રણયભાવથી સભર સ્ત્રીમાં પવિત્ર ગંગાની ધારાનું દર્શન, ભાવનાને ઉચ્ચ કોટિએ પહોંચાડે છે…

કોઇ વક્રોક્તિ કે કોઇ ગર્ભિત, સુચિતાર્થ વગર વહેતાં ઝરણાં જેવી સરળતાથી ભીંજાયેલું આ ગીત સહુને પોતાનું જ લાગે એ જ એની સાર્થકતા અને એ જ એની વિશેષતા પણ !

Advertisements

Responses

  1. […] જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી." —- "મીઠા લાગ્યાં તે મને આજના ઉજાગરા જોતી’… —- રચનાઓ : ૧ : ૨ : 3 : # તેમની એક રચનાનું સરસ […]

  2. […] લેશ ફુલાતા નથી." ( વાંચો અને સાંભળો ) —- "મીઠા લાગ્યાં તે મને આજના ઉજાગરા જોતી’… —- રચનાઓ : ૧ : ૨ : 3 : # તેમની એક રચનાનું સરસ […]

  3. આજે નવી ઘણી બધી માહિતી મળતાં તેમનો પરિચય ફરીથી પ્રકાશિત કર્યો –

    https://sureshbjani.wordpress.com/2018/02/21/prabhulal-dwivedi/

  4. ગમ્યું સુરેશભાઇ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: