Posted by: readsetu | ફેબ્રુવારી 27, 2018

KS 321

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 27 ફેબ્રુઆરી 2018

કાવ્યસેતુ 321  લતા હિરાણી  (મૂળ લેખ)

સખી, આંખોનું આયખું તો કેટલું ?
મારા વ્હાલમને જોઈ રહું, એટલું

આંખો તો આંગણું ને આંખો તો ઉંબરો
ને આંખો તો સોણલાની કેડી
આંખો તો ઓસરી ને આંખો તો ઓરડો
ને આંખો તો સોણલાની મેડી

સખી, સોણલાનું આયખું તો કેટલું ?
ઝીણા ઝાકળમાં સૂર્ય હશે એટલું !

આંખો ને સોણલાને પળનો સંબંધ
તો ય સોણલા તો આંખોની સાહ્યબી
સોણલા વિનાની આંખ, જાગ્યાનું નામ
સખી, સોણલા તો આંખની અજાયબી

વ્હાલ ઝરમરતું સોણલામાં કેટલું ?
હું તો નખશિખ ભીંજાઈ રહું એટલું !

સખી, આંખોનું આયખું તો કેટલું ?  – તુષાર શુક્લ

પ્રેમની ક્ષણ ક્યાં ઊઘડતી હોય છે ? સ્નેહની સાંકડી ગલીમાં પ્રથમ પગલું પડે એ ઘટનાનો આરંભ ક્યાંથી થાય છે ? જવાબ આંખ સિવાય બીજો શો હોઇ શકે ? પારેવા જેવી ભોળી આંખોમાં આછે પગલે મુગ્ધતા પ્રવેશે અને એ કદીક ક્યાંક કોઈકની સાથે સેતુ રચી બેસે ત્યારે એની જાણ સામે રહેલી આંખોને કેવી રીતે થતી હશે ? અહીં કોઈ ગણિત, કોઈ સમીકરણ કામ નથી લાગતું. કેમ જાણ થાય છે એનું રહસ્ય શોધવા બેસીએ તો મળે જ નહી પણ એ સર્વવિદિત સત્ય છે કે આ ઘટનાની એ ચાર આંખોને એકસાથે જાણ થઈ જાય છે. આસપાસમાં રહેલા આખા સમૂહથી અજાણી આ ઘટના અચાનક અવતરી જાય છે. વાયરો એ બે માટે જ અચાનક સુગંધી બની જાય છે.

પ્રેમમાં આંખો સાથે સંકળાયેલી કેટકેટલી શાયરીઓ, કેટકેટલી કવિતાઓ….  અરે, સરસ મજાના ફિલ્મી ગીતો પણ યાદ આવે છે… ‘તેરી આંખો કે સિવા દુનિયા મેં રખા ક્યા હૈ….’ કે ‘પલકો કે પીછે સે ક્યા તુમને કહ ડાલા, ફિર સે તો ફરમાના… નૈનો ને સપનો કી મહેફિલ સજી હૈ, તુમ ભી જરૂર આના… ‘ આવા તો કેટલાય ગીતો… પણ અહીં ખૂબ ગમી ગયેલી વાત એ આંખોના આયુષ્યની છે. અદભૂત વાત એ છે કે બસ, વ્હાલમને જોવા જેટલું જ આંખોનું આયખું છે…  

આંખોના અસ્તિત્વની સાર્થકતા પ્રિયતમને જોવામાં છે. એ સિવાય આ દુનિયાનું દર્શન નિરર્થક છે. જ્યારે આ આંખો વ્હાલમને ભાળે છે ત્યારે એના સિવાય કશું રહેતું જ નથી ! એ જ સઘળું બની જાય છે. ચાહે એ આંગણું હોય કે ઓરડો કે ઓસરી ! આ આંખો જ સપનાની સીડી છે, ભલેને સપનું ઝીણા ઝાકળમાં સૂર્યના બિંબ જેટલું હોય ! અહીં સપનાનું આયુષ્ય બતાવવામાં કવિએ જે પ્રતીક વાપર્યું છે એના પર ખરેખર ઓવારી જવાય ! કવિની આ કલ્પનાને સો સલામ ! અને વાત અહીંથી ક્યાં પૂરી થાય છે ? આવું સપનું તો આંખોની સાહ્યબી છે ! ક્ષણાર્ધ પણ નહીં, સપનામાં ક્ષણનાય એક ઝી……ણા ભાગમાં સાજનનું વ્હાલ ઝરમરે છે ! જેમાં સજની નખશિખ નહાઈ શકે છે ! કુરબાન કુરબાન ! આંખો વાટે આ શબ્દો હૃદયમાં ઉતરી રણઝણ કરાવી જાય છે. ભલે વિષય તદ્દન જુદો છે પણ તોય મને કબીર સાહેબ યાદ આવે છે કે કીડીના પગમાં ઝાંઝર વાગે એય ઈશ્વર સાંભળે છે ! બંનેમાં પ્રતીકો એટલા બારીક અને સૂક્ષ્મ છે !

કવિ કહે છે, આ સોણલાં વગરની આંખોનું શું કામ છે ? શું પ્રયોજન છે ? એવા જાગ્યાનો કોઈ અર્થ નથી. સાજનના દર્શન, શ્રવણ કે કશુય ન હોય એવા કોઈ અંગનું, સ્થળનું કે કોઈ પરિસ્થિતિનું કશું કામ નથી…. ભાવજગત સંપૂર્ણપણે પ્રેમમય બને, અનન્ય તત્પરતા જાગે, વિહવળતા એની સીમા વટાવે ત્યારે કદાચ આવી પરિસ્થિતીનું સર્જન થાય ! કવિએ વર્ણવેલી સમયની બુંદ જેટલીય આવી અવસ્થા અનુભવવાનું જેને સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય એને આ લેખ અર્પણ !   

 

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: