Posted by: readsetu | ફેબ્રુવારી 27, 2018

KS 7

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ  > 18-10-2011

કાવ્ય સેતુ – 7     લતા હિરાણી

મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે ;
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે !

આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે ;
મીરાં શબરી જનમજનમની, જનમજનમથી ભૂખી રે !

તુલસીની આ માળા પહેરી મીરાં સદાની સુખી રે ;
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે !

કાળી રાતનો કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે;
ઘાયલ કી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે ! સુરેશ દલાલ

લોકહૃદયે વસેલી ચિર વિરહિણી અને કૃષ્ણમાં સમાઇ ગયેલી ગોપી, મેવાડની મીરાં શ્રી સુરેશ દલાલના આ ગીતમાં કેવી રણઝણી ઊઠી છે… મેવાડની રાજકન્યા મીરાંની કૃષ્ણ સાથે પ્રીત અને કૃષ્ણને જ સમર્પિત જીવન,  નાયિકા કે વિષય, કશું યે અજાણ્યું નહીં અને તો યે એની મધુર નવીનતમ રજુઆત…યાદ આવે, પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે.. આ ગીતના શબ્દો અને લયથી જાણે મીરાંના ઘુંઘરું કાનમાં ગુંજન કરી ઊઠે… કવિતાના વિશ્વમાં ગીતોનું સામર્થ્ય એટલે જ અનોખું છે.. કેમ કે એ ગાઇ શકાય છે, ગીતનો લય એ શબ્દોના પ્રવાહને હૈયાસોંસરવો વહાવી દે છે.. ગવાતાં ગીતોને લોકજીભે ચડતાં વાર નથી લાગતી અને ધીમે ધીમે એ સંસ્કૃતિનો ભાગ બની જાય છે.

બાળકીને કન્યા થતાં જ કોડ ઉભરાય છે પરણવાના… પ્રિયતમના નામની ચુડી પહેરવાના..રાતોની રાતોના યુગ યુગ વિંધાય ત્યારે મિલનના પ્રભાતના અણસાર સાંપડે છે પણ આ તો થઇ સામાન્ય સ્ત્રીની વાત. મીરાં મેવાડની રાજકુમારી છે. વૈભવ એને વારસામાં છે, અમીરાત એના ઓઢણ છે પણ આત્મા એનો ચિર વિજોગણનો છે, એ ક્યાંક અટવાઇ ગયેલી અને કૃષ્ણથી છૂટી પડી ગયેલી ગોપીનો છે. કૃષ્ણને પામવા જ એણે ફરી જનમ લીધો છે, એટલે જ્યાં કૃષ્ણ ત્યાં હું, ભલેને એ મંદિર હોય પણ મીરાંનો એ રાજમહેલ જ છે.  શું ચૂડી, શું અંગુઠી, શું પહેરણ, શું પાનેતર… સઘળાં આભૂષણ, સઘળાં શણગાર બધું જ કૃષ્ણ કૃષ્ણ !! એને એ કંઇ નથી જોઇતું, જ્યાં કૃષ્ણ ન હોય !! પછી એ પોતાનો જ રાજમહેલ કેમ ન હોય !!

કેવી સુંદર વાત છે….  પ્રિયતમની પ્રતીક્ષા મીરાંના શ્વાચ્છોશ્વાસમાં વણાયેલી છે.. એ સિવાય એનું કોઇ અસ્તિત્વ જ નથી.. સઘળી ક્ષણોમાં મિલનના ધ્રુવતારાનું દર્શન એ જ એનાં પૂજા-અર્ચન !! એટલે મીરાંની આંખ ઝરુખે જ ઝૂલે છે.  આંખ ખુદ ઝરુખો બની જાય એવો યે તંતુ પકડાય છે. દર્શનની પ્યાસ એટલી પ્રબળ છે કે એ પાંપણને પલકવાયે ન દે !! આભૂષણો ત્યાગીને તુલસીની માળામાં તૃપ્ત મીરાંનું મન એ સુરજમુખી છે જેને શ્યામ-સૂર્ય જ ઉઘાડે છે..

શબરીએ તો એંઠા બોર ખાઇ રામદર્શનની પ્યાસ બુઝાવી લીધી પણ મીરાંને એ પળની હજુ પ્રતિક્ષા છે…

કાળી રાતના કંબલ નીચે મીરાં સુતી છે કે જાગે છે ? એ સુતાં સુતાં જાગે છે ને જાગતાં જાગતાં સુએ છે… અનંત જાગરણ પામેલો આ આતમ છે… ઉન આંખોમેં નીંદ કહાં જિન આંખોમેં પ્રિય આન બસે.. પ્રેમની આ વ્યથા-કથા તો કોને સમજાવવી પડે ? બસ, મીરાંનો પ્રેમ અદભુત છે, અલૌકિક છે, પરમને પુકાર છે એટલે જ એ યુગો યુગોથી ગવાય છે ને હૈયામાં પરોવાય છે.. ત સહજ છે, ગુંજ મધુર છે. શબ્દ સબળ છે, સૂર પ્રબળ છે એટલે વાચકને વીંટળાતા લયમાં મીરાં ને માધવ સોંસરવા વહી આવે છે..

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: