Posted by: readsetu | માર્ચ 13, 2018

KS 9

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 8 નવેમ્બર 2011    

કાવ્ય સેતુ 9   લતા હિરાણી  (મૂળ લેખ)    

પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે

તેને પરિભ્રમણ કહેવાય.

પૃથ્વી સૂર્યની આસપાસ ફરે

તેને પ્રદક્ષિણા કહેવાય.

હું સ્ત્રી છું

સંસારચક્રની ધરી પર

પરિભ્રમણ કરતાં કરતાં

સાહિત્ય-સંગીતના સૂર્યની

પ્રદક્ષિણા હું કરી શકીશ ?….. સંધ્યા ભટ્ટ

સંધ્યા ભટ્ટની આ કવિતામાં વિજ્ઞાન છે, સવાલ છે, મૂંઝવણ છે. વિજ્ઞાન અને સવાલને સીધો સંબંધ છે કેમ કે સવાલોમાંથી જ વિજ્ઞાન જન્મ લે છે. વિજ્ઞાનમાં સ્થાપિત વ્યાખ્યાઓ છે. જીવનમાં સવાલો છે પણ સ્થાપિત વ્યાખ્યાઓ નથી. દરેકે પોતાના સવાલનો ઉત્તર જાતે જ મેળવી લેવો પડે છે. કદીક એ મળે છે અને કદીક એને જીવનભર એને શોધવો પડે છે, કદાચ તો યે નથી મળતો.

કવિતાઓમાંથી પસાર થતાં એક અનુભૂતિ એ થાય છે કે કવયિત્રીઓ પાસે સવાલો વધારે છે જે એમની કવિતામાં ઠલવાય છે. પછી એ પન્ના નાયક હોય, એષા દાદાવાલા હોય, કાલિન્દી પરીખ હોય કે તસલીમા નસરીન !! આવાં નામોની વણઝાર થઇ શકે…પોતાને વ્યક્ત નહીં કરી શકતી સ્ત્રીઓ પાસે પણ આમ જ હશે. આખરે કવયિત્રીઓ સ્ત્રીઓના ભાવવિશ્વને જ વ્યક્ત કરે છે ને !

સ્ત્રીની જિંદગી સવાલોથી ભરપૂર છે કેમ કે હજાર ક્ષેત્રે ઝૂઝવા છતાં એને પોતાનો રસ્તો શોધવામાં જ મોટાભાગના શ્વાસો ખર્ચવા પડે છે.. એની પાસે તૈયાર ભોજન નથી, એણે અગ્નિની આંચ સહી, ધુમાડામાં શ્વાસ સંભાળી રાંધવાનું છે અને અંતે પોતાની થાળી પોતે જ પીરસી લગભગ એકલા જમવાનું છે !! જેમણે દાળ-ચોખાય જાતે કમાઇ લેવા પડે એવી સ્ત્રીઓની વાતનો તો આમાં સમાવેશ પણ નથી થતો !!

જેવો વળાંક આવતાં એક કન્યા સ્ત્રીમાં પરિવર્તન પામે છે અને પછી એની સામે પથરાયેલાના પ્રશ્નોના જંગલમાં, એની પાસે ફરજિયાત પ્રશ્નોનું લાંબુ લિસ્ટ છે અને ઓપ્શનમાં છોડી શકાય એવું લગભગ કંઇ નથી.. પોતાની રૂચિ અને પોતાનાં સ્વપ્નાં માટે એણે આ બધા ફરજિયાત સવાલોના લિસ્ટમાં, બે લીટી વચ્ચેના સંકોડાયેલા અવકાશમાં ક્યાંક પોતાની જગ્યા કરવા મથવાનું છે….. જે થવાની કોઇ ગેરંટી નથી !!

પૃથ્વીનું પરિભ્રમણ અને પ્રદક્ષિણા સ્ત્રીના જીવનના દ્યોતક છે. પૃથ્વી સ્ત્રીનું પ્રતિક છે જે ચુપચાપ સમસ્ત જગતનો ભાર વહન કરે છે. સ્ત્રીએ પણ પોતાની તમામ જવાબદારીઓ સાથે સંસારચક્રની ધરી પર ઘુમતાં રહેવાનું છે પણ વાત આટલી જ નથી. આ સ્ત્રીના મનમાં એક નાનકડું રંગબેરંગી પતંગિયું માળો બાંધીને બેઠું છે, એની પાંખોમાં કલા છે, ફફડાટમાં સંગીત છે સાંસારિક જવાબદારીઓના ભાર છતાં એ કચડાયું નથી અને આકાશે ઉડવા એ આતુર છે… એની આંખો પોતાના ધ્યેયના સૂર્ય પર મંડાયેલી છે. એ પૂછે છે, પોતાની ધરીને, પોતાના પરિભ્રમણને… મારા આ મનપતંગને ઊડવા પૂરતો અવકાશ મળશે ? મારી અંદર ફૂટતા સૂર્યના કિરણોનું તેજ વિલાય તો નહીં જાય ને ? એને ખુલ્લું આકાશ મળશે ?

21મી સદીમાં સ્ત્રીઓએ અનેક ક્ષેત્રોને આંબી લીધાં છે પણ તોયે એની યાત્રા ઘણી કઠિન છે એ સૌએ સ્વીકારવું રહ્યું. એકલ સ્ત્રીઓના સાહસ નોંધાય છે પણ એના માટે એણે ઘણુંય ગુમાવવું પડે છે. જો કે આવાં નામો જૂજ છે. એક વિશાળ, અતિ વિશાળ સમૂહ કે જે પોતાના સંસારચક્રની ધરી ઉપર જવાબદારીઓને બાથમાં લઇ જીવનની પ્રદક્ષિણા કર્યે જાય છે, અને એનું અંદરનું અજવાળું મારગ શોધે છે… એને મૂંઝવણ છે, અટવાઇ નહીં જવાયને ? હા, આખરે ખીલવાની ખ્વાહિશ જ જીવનતત્વ છે, આત્મચેતના છે…. !!

 

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: