Posted by: readsetu | માર્ચ 14, 2018

KS 10

દિવ્ય ભાસ્કર > કાવ્ય સેતુ  > 15-11-2011

કાવ્ય સેતુ 10 લતા હિરાણી

રણમાં એ નદી લાવી

લોકો કહે ના, નથી

લોકો કહે રણમાં નદી કેવી રીતે આવે ?

નદી ઉપર એણે બંધ બાંધ્યો

લોકો કહે ના, બંધ કેવી રીતે આવે રણમાં ?

બંધ તૂટ્યો ને પૂર આવ્યું

લોકો કહે પૂર તે કંઇ આવે રણમાં ?

પૂર ના આવે, રણમાં.

બધાં ડૂબી ગયા, પૂરમાં

ઘણા બધા અવાજ આવ્યા

આવું તે કંઇ થાય અમારા રણમાં ?

આવું કંઇ ન થાય અમારા રણમાં …………….. વિપાશા મહેતા

સમસ્યા એ માનવજીવનનો પર્યાય છે. પશુઓને ઇશ્વરે વિચારવા માટે દિમાગ નથી આપ્યું નહિતર એ પણ સમસ્યાઓથી પીડાતા હોત. સમસ્યાઓથી કોઇ બાકાત નથી પછી એ ગરીબ હોય કે તવંગર, સ્ત્રી હોય કે પુરુષ.. હા, સમસ્યાને કઇ રીતે જોવી એ દરેકની વ્યક્તિગત મર્યાદા કે સિદ્ધિ ખરી !! સમસ્યા તરફનો દૃષ્ટિકોણ જ માનવીને સુખ કે દુખના શિખરે પહોંચાડે છે !! સમાજનો મોટાભાગનો વર્ગ સમસ્યાઓ પ્રત્યે એક જડ, સંકુચિત વલણ ધરાવતો હોય છે. આ આમ જ થાય અને આ આમ ન જ થાય જેવાં ચોકઠાઓમાંથી લોકો બહાર નીકળી શકતા નથી.. જે એમાંથી નીકળી જાય છે એ ન્યાલ થઇ જાય છે.. સમસ્યાને સહજ ભાવે જે નિરખી શકે, એનાથી વિરક્ત જે થઇ શકે એ સંત અને સમસ્યાના મૂળ સુધી જઇ તમામ શક્યાતાઓ જેને તપાસતાં આવડે એ સંશોધક.

વિપાશા મહેતાનું આ કાવ્ય સમસ્યા પ્રત્યેના બંધિયાર વલણનું છે. અલબત્ત આ કાવ્યને માનવજીવનનો આયનો ગણી શકાય પણ આ એક સ્ત્રીએ લખ્યું છે, પોતાનું સ્ત્રીત્વ એણે પ્રથમ પંક્તિમાં જ જાહેર કરી દીધું છે. માત્ર એટલું જણાવવા માટે જ નહીં કે રચનાકાર સ્ત્રી છે, પણ જડતાની સમસ્યા સ્ત્રીના જીવનને વિશેષ સ્પર્શે છે એટલા માટે !! આ કાવ્ય ફૂટવા માટે સંવેદનાનો જે ધોધ વહ્યો છે એમાં સ્ત્રીની શક્તિ અને વિવશતા બંને છે, સમાજનું એના પ્રત્યેનું જડ વલણ છે. એક જ વાક્યમાં કહેવું હોય તો સ્ત્રીની શક્તિનો વિસ્તાર અને બંધિયાર વૃત્તિને ફિટકાર છે.

એક તરફ સ્ત્રી છે અને બીજી તરફ આખો બંધિયાર સમાજ છે. જીવનમાં સ્ત્રીનો પ્રવેશ એ માધુર્યની, ઉલ્લાસની ઘટના છે. ભલે ચારે તરફ રણ ફેલાયું હોય.. ભાવનાનો દુકાળ છવાયો હોય પણ એમાં પ્રેમની ગંગા પ્રગટાવવાનું એને આવડે છે. સામે ભલેને રણ હોય, એ પોતાની ભીતર દરિયો ભરીને લાવી છે !! લોકોને ગણકાર્યા વગર એ સ્નેહની ગંગા માત્ર વહેવડાવતી જ નથી એના પર સમજણનો સેતુ પણ બાંધે છે જેથી રણ જેવા હૈયાંનેય પલોટી શકાય !! પણ રણ હજી પોતાના અસ્તિત્વ પર મુસ્તાક છે !! એને સ્નેહની શક્યતા જ સ્વીકાર્ય નથી તો પછી સેતુનો તો નકાર જ હોય !!

સ્ત્રીની સહનશક્તિનીયે મર્યાદા છે, એના પ્રયત્નોનેયે સીમા છે.. શ્વાસમાં લેવાય છે એ હવા, જે જીવનરક્ષક છે અને વાવાઝોડાંમાં ફૂંકાય છે એ ય હવા, જે જીવનભક્ષક છે. પાળ તૂટે છે ત્યારે વિનાશ જ સર્જાય છે. એ હોનારતને કોઇ રોકી શકતું નથી. જડતાના સ્પર્શે, સૌંદર્ય ને માધુર્ય સર્જતી શક્તિ અભિશાપમાં પલટાય જાય છે અને સ્વાભાવિક છે કે પછી એ આસપાસનું બધું જ લઇને ડૂબે !! ડૂબ્યા પછી બચવા માટેના ચિત્કાર છે પણ સમજણ તો હજીયે અદૃશ્ય જ છે. બંધિયારપણાએ સાથ નથી છોડ્યો. ચોકઠામાંથી બહાર નથી નીકળાયું… આવું તે કંઇ થાય અમારા રણમાં ?

રણમાં નદી, રણની નદી પર બંધ અને આ બંધનું તૂટવું, એમાં જડતાનું ડૂબવું, જેવાં વિરોધાભાસ રચતાં શક્તિશાળી પ્રતીકોથી રચાયેલી કવિતા કાવ્યત્વથી ભરી ભરી છે. આ કવિતાના પ્રતીકોમાં ગહનતા છે. લખાયેલા શબ્દો થોડાં છે. છુપાયેલા શબ્દો વધારે છે, જેને શોધવાના છે, ખોલવાના છે અને એમાં વેરાયેલો સંદર્ભ સંભાળપૂર્વક વીણવાનો છે. જીવન પ્રત્યે અને ખાસ તો સ્ત્રીના ભાવવિશ્વ પ્રત્યે પૂરી સમજણ માગી લે એવી આ રજૂઆત છે !!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: