Posted by: readsetu | માર્ચ 27, 2018

KS 11

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 22 નવેમ્બર 2011

કાવ્ય સેતુ 11  લતા હિરાણી

મારી દીકરી મને બહુ ગમે છે

નાની અમસ્તી, બોલતી, રમતી, ફોટા જેવી ઢીંગલી

દોડતાં દોતાં પડી જાય છે ત્યારે

ફૂલના ઢગલા જેવી લાગે છે

કાંઇ પણ ખવડાવો તો

ડ્રેસ ઉપર જરૂર નાખે છે

તોય એ ગંદા થતાં જ નથી.

એ ખિલખિલાટ હસે છે ત્યારે

ખોબલો ધરી હાસ્ય ભેગું કરી

પર્સમાં મૂકી દઉં છું હું

પછી આખો દિવસ એ પર્સ ખોલી

દીકરીના હાસ્યથી મારા ચહેરાને ભર્યા કરું છું.

દીકરી મોટી થઇ જશે ત્યારે ?……  – મીનાક્ષી કૈલાસ પંડિત

 

દીકરી વિશે કેટલાં કાવ્યો ને કેટલાં સંપાદનો થયાં છે !! મીનાક્ષી પંડિતના આ કાવ્યમાં નાનકડી દીકરી વિશે એક ભરી ભરી સંવેદના પથરાઇ છે. આ સંવેદના કોમળ છે, રણઝણતી છે, મહેકથી છલકાય છે અને એક પ્રશ્નથી છેવટે અનુત્તરમાં એનું સમાપન થાય છે..

કાલું કાલું બોલતી, મીઠા કુંજનમાં સૌને નવડાવતી, નાનકડી દીકરી કેવી વ્હાલી લાગે છે !! એ રમે છે ત્યારે માનું મન નૃત્ય કરી ઊઠે છે, એનું બાળપણ કેટલાં માધુર્યથી ભરેલું છે ? ત્યાં સરળતા ને સહજતા જ છે, કોઇ પ્રશ્નો નથી !! ત્યાં માત્ર કલબલાટ ને રણઝણ જ છે, કોઇ કોલાહલ નથી !! એની પાસે ફૂલોનાં ઢગલાંની સુંદરતા ને સુગંધ છે.. સદાયે મ્હોરતું ને ફોરતું આ બાળપણ છે. શિશુનું ભાવવિશ્વ માતાને પણ એ જ અનુપમતામાં ઝબકોળ્યા કરે છે. ખાતી વખતે બાળકના કપડાં ખરડાય નહીં એવું ન બને પણ અહીં વાત ડ્રેસના ગંદા થવાની નથી, વાત માતાની આંખોમાં છવાયેલી દીકરીની સુંદરતાની છે.

સૌથી મીઠી ને મધુરી વાત છે દીકરીના હાસ્યની… એનું ખણખણતું, ખિલખિલાટ હાસ્ય માતાની મોંઘી મિરાત છે. આ માતા નવી પેઢીની છે, એની પાસે પોતાના ઘરસંસાર ઉપરાંત બીજી પણ જવાબદારીઓ છે જે તેની પછીની પંક્તિઓમાં અનુભવાય છે. એટલે આ ભાવવિશ્વની રજૂઆત પણ નવી રીતે જ છે. કદાચ માતા પાસે બહારની દુનિયાયે છે, નોકરી છે કે પોતાનું કાર્યક્ષેત્ર છે. અને અહીં કવિતા જન્મે છે… પોતાની નાનકીનું ખોબેખોબા હાસ્ય ભેગું કરી, પર્સમાં ભરી, મનમાં મઢી મા પોતાની સાથે લઇ જાય છે… જ્યારે દીકરી નજર સમક્ષ નથી ત્યારે એ હાસ્યના મોજાંઓ માતાના ચહેરા પર વહ્યા કરે છે.. અને એ પોતે ભીની ભીની ને ભરી ભરી થઇ જાય છે… પછી કામનો બોજ એના ચહેરા પર વર્તાતો નથી કે એ એનાથી દૂર રહી શકે છે !!…. કેવી મજાની આ વાત છે ?

આખુંયે કાવ્ય બાળપણના માધુર્યથી ભરપૂર છે. બાળવિશ્વની સુંદરતામાં ભાવકને ડુબાડે છે. હાસ્યને પર્સમાં ભરી આખો દિવસ ચહેરા પર લીંપવાની નાનકડી વાતથી એમાં કાવ્યતત્વનું મજાનું આરોપણ થઇ જાય છે. ((અહીં કવિતા સિદ્ધ થાય છે.)) પરંતુ છેલ્લી પંક્તિ દીકરી મોટી થશે ત્યારે ? એ એક માની સહજ અભિવ્યક્તિ હોવા છતાં એ જુદો વિષય બની જાય છે અને કાવ્યને કાવ્યપ્રવાહથી દૂર લઇ જાય છે. આખુંયે કાવ્ય જે રસમાં તરબોળ છે એના કરતાં સાવ જુદી જ વાત અને એય છેલ્લી એક જ પંક્તિ રૂપે મૂકવાને બદલે કવયિત્રીએ દીકરીના હાસ્યથી મારા ચહેરાને ભર્યા કરું છું. આટલું કહીને સમાપ્તિ કરી હોત તો કાવ્યને વધુ ન્યાય મળ્યો હોત !!

મૂંઝવણ હવે છે, સમસ્યા હવે છે જેનો એની પાસે જવાબ જ નથી.. દીકરી મોટી થઇ જશે ત્યારે ??? ત્યારે શું થશે એના અનેક વિકલ્પો છે, એ બધા જ જાણે છે પણ કદાચ એને એમાંથી એકેય મંજૂર નથી… કારણ એક જ.. પોતાની પાસે દીકરીની જે સલામતી ને સુરક્ષા લાગે છે એ એને વિશ્વમાં ક્યાંય દેખાય નહીં ને !! ભયનો એક આછેરો અણસાર તમામ વિકલ્પોમાં ડોકાય છે અને એટલે અત્યારે તો એ પ્રત્યે આંખ મીંચી દેવી એ જ એકમાત્ર ઉપાય છે… દીકરી એ માના જીવનનું હાસ્ય છે તો આખરે આ પ્રશ્ન દરેક માની આંખનું છલકાતું આંસુ છે. દીકરી એ બાપની મોઘી મિરાત છે તો આખરે આ પ્રશ્ન પ્રત્યેક પિતાના અસ્તિત્વની અચૂક પીડા છે. કદાચ માનું ચાલે તો એ દીકરીને મોટી થવા જ ન દે !!

 

  

 

 

 

 

 

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: