Posted by: readsetu | માર્ચ 27, 2018

KS 324

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 27 માર્ચ 2018

કાવ્યસેતુ 324   લતા હિરાણી

પડખામાં પીડાનો પહાડ  (મૂળ લેખ)

પડખામાં ખાલીપો, નિંદરની જાતરા, ને સાંભરણ ઊગ્યું છે સોડમાં

હે મન ! તું એ સ્મરણને છાતી પર ચોડ મા…

અધવચ્ચે આભ એક સૂરજ ઊગ્યો ને મારા ખોરડે તો ઊગ્યો અંધાર,

થઈ ગઈ છે રાત બધી ગોઝારણ, અંધારા અંધારા ઘરની ગોઝાર

વેદનાથી ભીંજાતી આંખોનાં કૂવામાં કેટલાયે શમણાંઓ ડૂબિયા,

આંખ્યેથી ઉતર્યા ’ને ગાલેથી રેલાયાં, આંસુ તણા રે કઈ દરિયા

તો પછી વીંટો કરીને ઈ એકબાજુ મૂકેલા દુઃખિયારા સમરણને છોડ મા

હે મન ! તું એ દિવસોને રુદિયાથી જોડ મા….

 

ખડકી ખખડે ને એક ભણકારો ઊગે પણ ભણકારો શૂળ થઈ વાગે,

ખડકી તો ખખડીને ઊભી રહી જાય પછી રૂદિયામાં કોણ ઊભું લાગે?

પડખામાં સૂતું છે આઠ આઠ વરસોનું પિંડ એનું; પિંડ કેવું તરસે?

રેશમી હથેળીની ઝાંય કરી ફેરવતી આંગળિયું વ્હાલભર્યું વરસે…!

તો હવે હૈયે અજંપો ને રૂદિયાની આરદા કે રહ્યાસહ્યા સપનાને તોડ મા…

હે મન ! તું એ સ્મરણને છાતી પર ચોડ મા…   યોગેશ પંડ્યા

નરી નકરી પીડા જેના ભાગ્યમાં લખી છે એવી સ્ત્રીનું વેદનાગાન છે. પીડા પાળવી કોઈને પોષાતી નથી પણ ક્યાંક કિસ્મતમાં એનો પહાડ લખાયેલ હોય ત્યારે માનવીનું કશું ચાલતું નથી અને નિસાસાની આગમાં જરા તરા સુખ પણ બચતું નથી. નાની વયે વિધવા થયેલી સ્ત્રી અને તેમાંય ખોળામાં નાનું બાળક હોય ત્યારે એની પીડા કોઈપણ સમજે એટલી ખુલ્લી, પણ કોઈ સમજી શકે એટલી અકળ અને અકથ્ય હોય છે. ક્યાંક એવી સ્ત્રી આપણે જોઈ છે કે બાળક પાછળ પોતાનું સમગ્ર અસ્તિત્વ રેડી દઈને જીવ્યે જતી હોય પણ રાતના કાળા અંધકારમાં છાને ખૂણે એની આંખો લોહીના આંસુ સારતી હોય કોણ જોવા જાય છે ! આંસુથી સીંચાયેલું વેદનાનું વૃક્ષ કાળી રાતમાં જ જીવે છે અને વધે છે. એને દિવસના અજવાળા સાથે કોઈ નિસબત હોતી નથી.

જે પણ પરિસ્થિતી મળી છે, ગમે તેટલી દુખદાયક કેમ હોય, જીવવાનું તો છે ! ત્યારે તમામ સ્મરણોનો વીંટો વાળીને હૈયાના પટારામાં ભરી, માથે મણનું તાળું મારી દેવું પડે છે પણ મન જેવી અળવીતરી ચીજ બીજી કોઈ જોઈ નથી. જે સંતાડવાનું છે એને બહાર લાવીને જંપશે. જેને ભૂલવાનું છે એને છાતી પર લાવીને ચોડશે. એટલે નાયિકા વારંવાર મનને વિનંતિઓ કર્યા કરે છે કે હે મન ! તું સ્મરણને છાતી પર ચોડ મા

સમય પણ શાંત થઈને વહેતો નથી. તદન શાંત વાતાવરણમાં પણ એનો સાંય સાંય અવાજ વહેતો રહે જ છે, જ્યારે અહીં તો પીડાથી બળેલી ઝળેલી સ્ત્રીની વાત છે. નાનો શો ખટકો પણ એને કોઈનું દ્વારનું ખખડાવવું લાગે છે. ઓરડામાં અંધકાર નહીં, ભણકારાના ભૂત ભમે છે. ને આ ભણકારા કેટલીય માયાજાળ રચ્યે જાય છે. ભૂતકાળનું આખું ચિત્ર ખડું થાય છે. ને અંતે સમાધાન તો કશાયનું નથી મળતું. દેહ મન એક ચક્કીમાં દળાયા કરે છે, પીસાયા કરે છે, લાચારી એનું સઘળું છીનવી લે છે. નાયિકાને થાક છે કે પોતાનું તો ઠીક, પડખે સૂતેલા નાના બાળનું શું ? એનો કિયો ગુનો ?  જેણે આંખ ભરીને પોતાના પિતાને જોયો પણ નથી એણે શા માટે આ તાપ ભોગવવો પડે છે ? પણ આ બધા સવાલોના કોઈ જવાબ નથી. આ પ્રશ્નો નિરુત્તર રહેવા જ સર્જાયા છે. બસ, પોતાના વશમાં છે તો એક જ વાત કે મનને વિનવણીઓ કર્યે જવાની ! 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આવે પવન અને ઊડી ઊડી જાય

અરી ! ઓઢણી તો અંગ પર સમાય ના !

 

સુની હથેળીમાં વાલમનું નામ

એને ચિતરાવ્યું મેંદીની ભાતમાં

આયખાની આડબીડ કાંટાળી કેડી પર

ઝંખું છું સાથ તારો વ્હાલમા………

મળવું ઘણું છે પણ આડો છે ઉંબરો

મરજાદું એમ રે મુકાય ના  !

 

કારતકની એનઘેન રાત્યુંમાં

હળવેથી ભીડયા આંખયુના કમાડને

આવે છે તોય એક શમણાંની ટોળકી

ઠેકીને પાંપણની વાડને

 

કાચી તે ઉંમરના કુંવારા કોડ કાઇ

કાગળમાં થોડા લખાય ? ના !

આવે પવન અને ઊડી ઊડી જાય

અરી ! ઓઢણી તો અંગ અંગ સમાય ના !

 

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: