Posted by: readsetu | એપ્રિલ 3, 2018

KS 325

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 3 એપ્રિલ 2018

કાવ્યસેતુ 325    લતા હિરાણી (મૂળ લેખ)

આંસુ અને મૌન

લખ્યા વિનાનો સાવ કોરો સફેદ કાગળ

આંખ સામે આવ્યો ત્યારે

આંખ બે ક્ષણ તાકી રહી એને જ

એમાં નહીં લખાયેલા શબ્દો

કાળી શાહીથી લિપિબદ્ધ થતાં થતાં

ધીરે ધીરે તાદૃશ બન્યાં

પળવારમાં ઉપસી આવી ભરચક શબ્દોની ભીડ

આંખ વધુ સ્થિર બની ઉકેલવા મથે

ત્યાં જ પાંપણ પર આવીને અટકી ગયેલું આંસુ

બધાં જ અર્થઘટનોને બહાર અટકાવી દઇને

ભીતર પ્રવેશ આપે

ઓગળી ઓગળીને આર્દ્ર બનેલી

કાગળની નરી સફેદીને

એનું સફેદ હોવું એટલે શું

આંખોને એ સમજાય એ પહેલાં તો

આંસુએ એની બધી ભીનાશ ટપકાવી દીધી….. સુસ્મિતા જોષી

 

શબ્દ વિશે થોથાં ભરીને લખાય, વિદ્વાનો એના ગુણગાન ગાતા ફરે તોય એક વાત નક્કી કે શબ્દ તો હરપળે નવોનક્કોર બનીને સામે આવશે. એક એક શબ્દ એની ભાવભંગિમા સાથે આંખ સામે નૃત્ય કરે તો પણ એના પૂરા ભાવ પકડાવા મુશ્કેલ ! નવી નવી અર્થચ્છાયાઓ નીકળતી જ રહેશે. આજુબાજુના સંદર્ભો વણતાં એમાંથી કશુંક નવું જ પ્રગટતું રહેશે. ખાસ કરીને કવિતામાં તો આ સતત ઘટતી ઘટના કહી શકાય. એક જ કવિતા લો તોય એના સહસ્ત્ર અર્થઘટનો થઈ શકે. ખુદ કવિએ મનમાં વિચાર્યું ન હોય, ભાવક એવો અર્થરાસ રચી શકે. (વિવેચકને તો હજુ આપણે આમાં સામેલ કરતાં જ નથી) અરે, લખતી વખતે કવિને ખુદને જે અભિપ્રેત હોય, પછીથી એના કરતાં જુદું એને લાધી આવે એવુંય બને !!

એક સ્ત્રી જ્યારે કોરા કાગળને તાકે છે ત્યારે શું થાય છે ? મનમાં વિચારોના દરિયા છલકે છે પણ સ્વાભાવિક છે કે એને શબ્દરૂપ આપવું બહુ અઘરું છે. કશુંક વંચાય છે, મનમાં ઉઠતાં ભાવોનું ત્યાં પ્રતિબિંબ વરતાય છે અને ઘડીકમાં ત્યાં શબ્દોના મોજાં ઉછળવા લાગે છે. દરિયો હેલે ચડે છે. અંદર અને બહાર એક સેતુ બંધાઈ જાય છે. ત્યાં શબ્દો તો છે જ, અનેક આકારો પણ છે જે કશુંક કહેવા મથે છે. એને વ્યક્ત થવું છે. કોરો કાગળ નાયિકાને આહવાહન આપે છે. બે હાથ લંબાવીને એને પ્રગટ થવા સાદ દે છે. નાયિકાની અંદર જે રમ્યા કરે છે એનો ઉઘાડ કોરા કાગળ પર શક્ય છે. એટલે કદાચ એ અરીસાની જેમ વર્તે છે પણ અચાનક એક આંસુનું બુંદ અવતરે છે ને ચિત્ર બદલાઈ જાય છે.  

આંસુ એક એવી ભાષા છે જેમાં કશું જ ન હોવા છતાં બધું છે. એ સ્વયંસંપૂર્ણ છે. એમાં શબ્દ ન હોવા છતાં એ ભાષા છે. એવી ભાષા જેનું ક્યારેય ભાષાંતર કરવું નથી પડતું. વિશ્વમાંની એકમાત્ર ભાષા – સ્મિત અને આંસુ – જે શબ્દકોશ વગર પણ સૌને સમજાય છે. એમાંય જો એને સ્પર્શનો સથવારો મળે તો એ ખીલી ઊઠે છે. આવા આંસુની સામે છે કાગળની નરી સફેદી. ઉછળતા શબ્દો હવે તદન શમી જાય છે. કાગળની સફેદી અર્થાત જીવનનું નર્યું નીતર્યું મૌન. આંસુથી સીંચાયેલી મૌનની એક કૂંપળ શાંતિનું આખું વન વિકસાવી શકે છે. એક તરફ આંસુનું બુંદ અને બીજી તરફ પથરાયેલું મૌન.  આ બંનેની તાકાત જીવનના ગમે તેવા ઝંઝાવાતોને શમાવી દઈ શકે છે. ત્યાં પ્રત્યેક યુદ્ધ સમાપ્ત થઈ જઈ શકે છે. ત્યાં નથી કોઇની હાર કે નથી કોઇની જીત. નથી કોઈ દ્વંદ્વ કે નથી કોઈ સમાસ ! એક તરફ આંસુ ને બીજી તરફ મૌન એટલે ત્યાં સઘળા સંવાદોનો અંત આવી જાય છે. હૈયું અને મન ધોવાઈને, નિચોવાઈને શુદ્ધતાની તરફ આગળ વધે છે.

સ્ત્રીના આંતરદ્વંદ્વની અસરકારક રજૂઆત કરતું કાવ્ય.

Advertisements

Responses

 1. હવે કોરો કાગળ ક્યાં? પ્રેમ પત્ર પણ ‘વોટ્સ એપ’ પર ! એમાં વિરહ અને દ્રોહની નવી ઉપમા શોધો !

  • એકદમ સાચી વાત. હવે બધું જ લેપટોપ અને મોબાઈલ પર ! હા, મને હજી આ સાધનો પર
   કવિતા નથી સ્ફૂરતી ! કવિતા લખવી હોય ત્યારે હું કોરો કાગળ લઈને જ બેસું
   છું….

   2018-04-04 6:20 GMT+05:30 સેતુ ~ લતા જ. હિરાણી
   :

   >


readsetu ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: