Posted by: readsetu | એપ્રિલ 11, 2018

KS 12

 ‘દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કૉલમ > 29-11-2011

કાવ્યસેતુ 12

પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ,

પારણીયે ઝૂલે ઝીણી જ્યોત રે, અદકા અજવાળા એની આંખમાં રે લોલ..

નભથી પધારી મારી તારલી રે લોલ, અંગે તે વ્હાલ ઓતપ્રોત રે…અદકાં..

લેજો રે લોક એનાં વારણા રે લોલ, પુત્રી તો આપણી પુનાઈ રે…. અદકાં..

ઓસરિયે, આંગણિયે, ચોકમાં રે લોલ, વેણીના ફૂલની વધાઈ રે…. અદકાં…

ગૌરીનાં ગીતની એ ગુલછડી રે લોલ, દુર્ગાના કંઠનો હુંકાર રે…. અદકાં…

બાપુની ઢાલ બને દિકરો રે લોલ, કન્યા તો તેજની કટાર રે…. અદકાં…

ઉગમણૅ પ્હોર રતન આંખનું રે લોલ, આથમણી સાંજે અજવાસ રે… અદકાં…

રમતી રાખો રે એની રાગિણી રે લોલ, આભથી ઊંચેરો એનો રાસ રે…. અદકાં…….મકરંદ દવે

સંતત્વના આરે  પહોંચેલા અલખના કવિ એટલે સાંઇ મકરંદ દવે. ગોંડલમાં જન્મેલા આ કવિએ કહેવતની કક્ષાએ પહોંચેલ એમના ગીતની પંક્તિઓ, ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ને ગમતાંનો કરીએ ગુલાલ ગુજરાતી સાહિત્ય માટે ગૌરવ સમાન છે.

દીકરીને સાપનો ભારો સમજતા કે પથરો પાક્યો કહીને કદીક એનું ગળુંયે ઘોંટી દેતા સમાજમાં મકરંદ દવે જેવા કવિ પાકે અને ગાઇ ઊઠે કે લેજો રે લોક એના વારણાં રે લોલ, પુત્રી તો આપણી પુનાઇ રે…ત્યારે પુત્રીજન્મ પ્રત્યે સમાજને સકારાત્મક વલણ ધરાવવાનો સંદેશો અહીં આપોઆપ સરી જાય છે. કવિ નાનકડી દીકરીની આંખમાં અદકાં અજવાળાં ભાળે ત્યારે એ સમાજનીયે કંઇક પુનાઇ બચી હોય તો જ બને !!

દીકરીના હોંશથી ઓવારણાં લેતું આ ગીત સ્વયં સ્પષ્ટ છે. દીકરીને નાજુક મજાની વેણીના ફૂલ જેવી, ગુલછડી જેવી ને સુંદર તારલી જેવી કહીને પણ એમણે અબળા નથી જ ગણી.. દીકરી એ વ્હાલનો દરિયો જ નહીં, સમય આવ્યે એનામાં શક્તિસ્વરૂપ દુર્ગાનું અવતરણ પણ થઇ શકે છે. આફતમાં એનું તેજ તોખાર બની ભલભલાને ધ્રુજાવી શકે. એટલે જ ભગવાન વિષ્ણુ જગતનું પાલનપોષણ કરે છે પણ શક્તિસ્વરૂપનું આરોપણ દેવીમાં જ થયું છે. એ મહિષાસુર મર્દિની હોય કે સાક્ષાત મહાકાલી કે રણચંડી દુર્ગા ભવાની.. આપણા ધર્મમાં શક્તિનું આરોપણ સ્ત્રીમાં જ થયું છે. કવિના શબ્દો અહીં કન્યાની પીઠને જ થપથપાવતા નથી, એના નૂરને સાક્ષાત કરે છે ને જગતને સાબદું..

બાળપણમાં આંખનું રતન બની રહેતી દીકરી ઢળતી સાંજે એટલે કે ઘડપણમાં હુંફાળું અજવાળું બની રહે છે. કેમ કે દીકરીની આંખમાં અજવાળાં તો છે જ પણ એ સામાન્ય નહીં, અદકાં છે. મુઠ્ઠી ઊંચેરા છે. એવાં અજવાળાં કે જેનાં મૂલ ન થાય..ગીતમાં ઝરણાંની જેમ ખળખળ વહ્યે જતો કવિનો ભાવ ભાવકના હૃદય સોંસરવો ન ઊતરે તો જ નવાઇ !!

હાલરડાં સમા આ રસભર ને મધુર ગીતમાં વારણાં, પુનાઇ, ઓસરી કે અદકાં જેવાં શુદ્ધ કાઠિયાવાડી શબ્દો ગીતને વાચકના ચિત્ત સાથે ઓતપ્રોત કરી દે છે. ખાસ કરીને અદકાં શબ્દ બહુ મીઠડો બની જાય છે. ગીતના શબ્દો સરળ છે અને એટલે તરત લોકહૃદયે વસી જાય એવા છે. સંવેદનો એટલાં તો સહજ ને મધુર છે કે દરેકને એ પોતાની વાત લાગે. અને એ જ આ ગીતની ઊંચાઇ છે..

આખાયે ગીતની ઝૂલણ છે, અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ.. ગુજરાતી ગીતકવિતામાં રે લોલ શબ્દોગીતને એવું વહેતું ને રમતું કરી મેલે છે. આ અલગારી કવિના સર્જનમાં જ કંઇક અદકું છે, જેનાં અજવાળાં પથરાતાં જ રહેશે.             

 

 


Responses

 1. સાંઈ કવિ એ લેખનમાં કરેલા પ્રયોગો એમના જીવન પ્રયોગોની જેમ જ મહાન છે. એમની બહુ ઓછી રચનાઓ જાણીતી થઈ છે. એક દીકરીના બાપ હોવાના સબબે આ ગીત બહુ જ ગમ્યું.

  • ગમે એવું જ છે..

   લતા હિરાણી
   સાહિત્યકાર, કોલમિસ્ટ, આકાશવાણી અને દૂરદર્શન પેનલ આર્ટિસ્ટ
   કોલમ – દિવ્ય ભાસ્કર, આદિત્ય કિરણ, તથાગત
   કુલ પ્રકાશનો – 15
   રાષ્ટ્રીય સાક્ષરતા મિશન, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ
   પુરસ્કૃત પુસ્તકો
   1. ધનકીનો નિરધાર 2. ઉજાસનું પ્રથમ કિરણ 3. સ્વયંસિદ્ધા
   4. ઘરથી દૂર એક ઘર. 5. પ્રદૂષણ 6. ભણતરનું અજવાળું 7. બિટ્ટુ વાર્તા કહે છે
   8. લતા હિરાણીની મનપસંદ વાર્તાઓ 9. બુલબુલ 10. ગુજરાતના યુવારત્નો. 11.
   સંવાદ 12. ઝળઝળિયાં 13. ઝરમર. 14. બાળઉછેરની દિશા 15. ગીતાસંદેશ (ઓડિયો
   સીડી)

   On Wed, 11 Apr 2018, 6:24 pm સેતુ ~ લતા જ. હિરાણી, wrote:

   >

 2. ખૂબ જ ભાવભરયું ને લયમાં ઝુલાવતું

  Sent from my iPhone

  >


સુરેશ ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: