Posted by: readsetu | એપ્રિલ 17, 2018

KS 13

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 6-12-2011

કાવ્યસેતુ 13    લતા હિરાણી   (મૂળ લેખ) 

ગઇ કાલે રાત્રે સુતી વખતે મેં

મારા બધા જખ્મોને પથારી પર પાથરી દીધા

પછી સવાર સુધી હું

પડખું ફેરવી શકી નહોતી….. મીના છેડા

ઓછામાં ઓછા શબ્દોમાં પીડાને તારસ્વર સુધી પહોંચાડવી એ કાવ્ય કલાનું એક અદભુત પાસું છે, અનાયાસ અને સ્વયંપ્રગટ…. મીના છેડાનું આ નાનકડું કાવ્ય એની અનુભુતિ આપી જાય છે. સતત ચુભતી, દિલને કનડતી અને હ્ર્દયને રડતું રાખતી વેદનાને વ્યક્ત કરવા આથી વધારે શબ્દો જોઇએ ખરા ?

દુભાયેલી સ્ત્રીની આ વાત છે. એના દુણાયેલા દિલમાં જખ્મો એકાદ-બે નથી, આખી બિછાત છે. ઘાવોથી મન ટુકડેટુકડા થઇ ગયું છે. પ્રેમમાં પસ્તાયેલી કે પુરુષ દ્વારા સતાવાયેલી સ્ત્રીની આ વાત છે. જો કે સ્ત્રીને પીડવામાં કદીક ક્યાંક સમાજ પણ પાછું વાળીને જોતો નથી. પણ અહીં ચોક્કસ પ્રેમભંગની પીડા હોવાનું તરવરે છે કેમ કે રાતની પથારીને પ્રતીક બનવાઇ છે. સમાજ દ્વારા થતી સતામણીનો ભલે કોઇ સ્ત્રી વિરોધ ન કરી શકે પણ એના માટે જાહેર આક્રોશ વ્યક્ત કરી શકાય છે. પ્રેમભંગની પીડા રોમેરોમે આગ લગાડતી હોય અને તોયે એકલા સહેવાની હોય છે. એકાંતના ઓથારે ચુપચાપ આંસુની નદી ઠાલવવાની હોય છે. પ્રેમભગ્ન સ્ત્રી માટે રાતનું અંધારું એ એક જ સાથી હોય છે..

શબ્દો સાથે જડાયેલા રૂઢ અર્થો અહીં દેખાતા નથી. જેમ કે સામાન્ય રીતે રાત અને પથારી ઊંઘ અને આરામનો અર્થ આપે છે પણ અહીં રાતમાં ઊંઘ નથી અને પથારીમાં આરામ નથી. પ્રેમ અને રાતને એક જુદો જ સંબંધ છે. સુખ હોય તો રોમાંચ અને દુખ હોય તો રૂદન એ રાતોની નિંદ અને ચેન છીનવી લે છે. પ્રેમની આ એક ચોક્કસ અવસ્થા છે.

અહીં પડખું ફરવાની વાતને બહુ કાવ્યત્મક રીતે વ્યક્ત કરાઇ છે. સામાન્ય રીતે ઊંઘ ન આવે ત્યારે આખી રાત પડખાં ફેરવ્યા જેવો શબ્દપ્રયોગ થાય છે. અહીં જખ્મો જીવ સાથે એવાં જડાઇ ગયાં છે કે આ સ્ત્રી રાતભર જાગે છે. એને એની પીડા જંપવા નથી દેતી. પડખું ફરવાનું કદાચ હવે એના જીવનમાંથી બાદ થઇ ગયું છે. હિન્દીમાં કરવટ બદલનાનો એક વિશેષ અર્થ થાય છે જીવન બદલાવું. નવા સમયનો આરંભ થવો. એ રીતે જોઇએ તો પડખું ફેરવતાં એક જુદી દુનિયા સમ્મુખ થાય છે. એક જુદું જગત દ્ર્શ્યમાન થાય છે, ભૌતિક રીતે પણ… પરંતુ હવે એનો અવકાશ ક્યાં ? હતાશા એની ચરમસીમા પર છે. જીવનમાં આશાનું કોઇ કિરણ બચ્યું નથી… તમામ ઉત્સાહ, ઉમંગની હવે બાદબાકી થઇ ચુકી છે. પીડાની પથારી પર જખ્મોના કાંટાની બિછાતથી હવે પડખું ફરવાની તાકાત નથી અને ઇચ્છા પણ નથી. નિરાશા એટલી વ્યાપી ચુકી છે. સામે વિરાન રણ જેવી જિંદગી પથરાયેલી છે એમાં બસ એમ જ જીવી નાખવાનું છે. એમ છતાંયે….

જી હા, કવિતા દેખાય છે એટલે કે વંચાય છે એટલી નકારાત્મક નથી. કાવ્યનો પ્રથમ શબ્દ, ગઇ કાલે અને અને આખરી શબ્દ નહોતી, આ બે શબ્દો આખાય વેદના ભાવથી દૂર થઇ શકવાનો એક છૂપો સંકેત આપે છે. અને એટલે જ પ્રથમ વાંચને માત્ર પીડાનો પર્વત ખડો કરતું કાવ્ય ધીરે ધીરે સમજુ ભાવકને હાશ પહોંચાડે છે. વાત ગમે એટલી દુખદાયક છે પણ કવયિત્રીએ સમયને ગઇકાલની સંજ્ઞા આપી છે એટલે એમાં આપોઆપ આવતી કાલનો નિર્દેશ સમાઇ જાય છે. ગઇ કાલ અને આવતી કાલ એ અભિન્ન રીતે જોડાયેલી હોવા છતાં કદીયે સરખી નથી હોતી. આજનો સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ આવતી કાલના સૂર્ય,ચંદ્ર કરતાં અલગ જ હોય છે અને ત્યારે જ ઇશ્વરે બક્ષેલા જીવનનો મહિમા સચવાય છે. જીવનની આવતી કાલ તરફ આંખ મીંચી દેનારને ઇશ્વર પણ ક્ષમા કેમ દર્શાવે ? પીડાઓ જીવનની કસોટી છે કે ભગવદ ગીતામાં દર્શાવ્યા પ્રમાણે જન્મોજન્મના કર્મોનું ફળ છે. એની સાથે કોઇ સંમત થાય કે ન થાય – અલબત્ત, સૃષ્ટિના ચક્રને ચાલતું રાખવા માટે શ્વાસની સીમા નક્કી કરીનેય – ઇશ્વરે દરેકને આવતી કાલના સૂર્યનું અજવાળું આપ્યું જ છે અને એટલી વાતમાં શ્રદ્ધાવાન થવામાં આ જીવન પ્રત્યેની વફાદારી છે. જીવન આપનાર પ્રત્યેનો આભાર છે હ્ર્દયને પીડા આપ્યા પછીયે એને ધબકતું રાખ્યું જ છે… એ વાત કેમ ભૂલાય ?

આખીયે વાત કથનાત્મક છે છતાંયે કાવ્ય રચાય છે. શબ્દોમાં પુરતો વિરોધાભાસ અને નકારાત્મકતા વહીઆવતી હોવા છતાંયે, સમયને સંજ્ઞા આપીને આખરે જીવન પ્રત્યે હકારનો ભાવ ઉપસવા દીધો છે….. આવતી કાલના અજવાળાને આવકાર્યું છે…   


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: