Posted by: readsetu | એપ્રિલ 18, 2018

KS 14

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 13-12-2011

કાવ્યસેતુ 14   લતા હિરાણી  (મૂળ લેખ)

આંગળી પકડીને તારી ચાલવા દે,

મા ! મને તું આ જગતમાં આવવા દે

વંશનું તુજ બીજ તો ફણગાવવા દે,

ગોરમાની છાબ લીલી વાવવા દે.

તું પરીક્ષણ ભૃણનું શાને કરે છે ?

તારી આકૃતિ ફરી સરજાવવા દે.

ઢીંગલી, ઝાંઝર ને ચણિયાચોળી મહેંદી,

બાળપણના રંગ કંઇ છલકાવવા દે.

રાખડીની દોર કે ગરબાની તાળી,

ઝંખનાના દીપ તું પ્રગટાવવા દે.

વ્હાલની વેલી થઇ ઝૂલીશ દ્વારે,

આંગણે સંવેદના મહેકાવવા દે.

સાપનો ભારો નથી તુજ અંશ છું હું,

લાગણીના બંધનો બંધાવવા દે………. યામિની ગૌરાંગ વ્યાસ

પોતાના ગઝલસંગ્રહને ફૂલ પર ઝાકળના પત્રો જેવાં નાજુક સંવેદનાત્મક શબ્દો આપનાર યામિની ગૌરાંગ વ્યાસની આ ગઝલ એક ન જન્મેલી બાળકીના ઉદગાર લઇને આવી છે. ભૃણહત્યાથી ખરડાયેલા ને દીકરીને સાપનો ભારો કે પથરો ગણતા સમાજમાં જ આવાં કાવ્યો સરજાઇ શકે. પિતા કે કુટુંબ પુત્રીજન્મને ન સ્વીકારે ત્યારે એ પાપ બને છે પણ ક્યાંક એવુંયે થાય છે કે મા પોતે જ દીકરીને અવતરવા દેવાનો ઇન્કાર કરે છે ત્યારે નથી લગતું કે પૃથ્વી રસાતાળ જાય છે….. 

માતાના પેટમાં રહેલી બાળકી માતાને વિનવે કે મા, મને તું આ જગતમાં આવવા દે !! અને પુત્રીજન્મ પ્રત્યે સમાજની ક્રુર કલંક કથા ઉઘડે છે… ભૃણહત્યાના પાપ માટે મા ઓછામાં ઓછી જવાબદાર છે. ઘણી જગ્યાએ સ્ત્રી પોતે બાળકીને નથી ઇચ્છતી પણ એનો જન્મ થાય તો એનાથી મુખ પણ નથી ફેરવતી. જેવી ઇશ્વરની મરજી કહીને એ બાળકીને સ્વીકારી લે છે ખરી. એને જન્મ પહેલાં જ ઘોંટી દેવાનું પાપ મોટાભાગે પિતાનું કે કુટુંબનું સામુહિક દુષ્કૃત્ય હોય છે. આવા સંજોગોમાં બાળકી કહે તો કોને કહે ? એની વિનવણી માતાના કાન સુધી જ પહોંચી શકે….. બાપ તો બહેરો છે.

એ સારું છે કે મા, મને તું આ જગતમાં આવવા દે જેવા હૃદયસ્પર્શી શબ્દોથી એક ઘૃણાજનક સમસ્યાના મંડાણ કરીને પછી આખીયે વાતને નાની નાજુક દીકરીની સંવેદનાના દોરમાં ગુંથી લેવામાં આવી છે. કવિતાનું મૂળ સ્વરૂપ, સંવેદનાની છાલક – છંટકાવથી શબ્દો ભર્યા ભર્યા બની રહે છે. આખીયે ગઝલયાત્રા એક બાળકીના બાળવિશ્વને અને એના સંવેદના જગતને તાદૃશ્ય કરે છે. 

પુત્ર વંશવેલાને આગળ વધારે છે અને દીકરી સાપનો ભારો છે એવું માનતા સમાજને ધીમે ધીમે બદલાવાની આમાં પ્રાર્થના છે અને પછી શરૂ થાય છે, નાજુક નમણી દીકરીની પગલીની યાત્રા. દીકરી માની જ પ્રતિકૃતિરૂપે જન્મે છે. ઘરમાં જાણે એક નાનકડો દીપ પ્રગટ્યો !! આખું ઘર ઢીંગલી અને ઘર ઘરની રમતોથી રંગાઇ જાય છે. નાનકડી ઝાંઝરીનું છમછમ ઘરના સૂના વાતાવરણમાં ગુંજારવ ભરી દે છે. નાની નાની બંગડીઓ પહેરેલા હાથ પર શોભતી મહેંદી ને ચણિયાચોળી ઘરમાં ઉત્સવ પ્રગટાવે છે. ભઇલાને રાખી બાંધતી ને ગરબે તાળી દેતી કે પછી ગોરમાના વ્રતમાં છાબમાં લીલુડા જ્વારા પૂજતી કન્યા આંખને કેવી સોહાય છે !! ઝંખનાના દ્વારે ને દોરે બાળકી ભાવનાથી જોડાયેલી રહે છે. દીકરીને વ્હાલનો દરિયો કહેવાયું છે. અહીં કવયિત્રી એને વ્હાલની વેલી કહે છે. પપ્પા આયા, પપ્પા આયા કહી હરખાઇ ઊઠતી ને તાળીઓ પાડી નાચતી દીકરી અહીં નજર સામે તરવરે છે. 

ગઝલની ભાષા અને શબ્દ સંયોજનો વિષયને અનુરૂપ છે પણ વાત અજન્મા દીકરીના મુખમાં મુકાઇ છે. માની આંગળી પકડીને ચાલવાને ઉત્સુક નાનકડી દીકરીની ભોળી મીઠ્ઠી વાતથી જે શરુઆત છે, પછી સળંગ એવી જ નાજુક ને ભોલીભાલી બાની પ્રયોજી હોત તો આ ગઝલ વધુ ઉઠાવ પામી હોત.

પુત્રની જેમ પુત્રીજન્મને પણ વધાવવાનો સંદેશો આપતી વાત કોઇને કોઇ સ્વરૂપે ભલે કહેવાતી રહી હોય, તેમ છતાંયે, હજુ નગારાં વગાડીને કહેવી પડે એવી પરિસ્થિતિ તો છે જ. સામાજિક સમસ્યાઓ પરત્વે કલાજગતનો પ્રતિભાવ ઓછો અને આછો હોય છે ત્યારે પૂરી નિસ્બતથી આવા પ્રશ્ન પર ગઝલ રચી કવયિત્રી એની સામાજિક પ્રતિબદ્ધતાનું દર્શન કરાવે છે. કન્યાને અવતરવા દેવાની આજીજી કરતો આ ગઝલદીપક ભાવકના દિલમાં એક ઝીણી જ્યોત પ્રગટાવી જ જાય છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: