Posted by: readsetu | એપ્રિલ 20, 2018

KS 15

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 20-12-2011

કાવ્યસેતુ 15   લતા હિરાણી   (મૂળ લેખ)

વરસી કંઈ સ્મરણોની હેલી, હું તો લથબથ ભીંજાઈ થઈ ઘેલી.

વિસરી ગઈના છાણાં થાપી-થાપીને
મેં તો હોવાની ભીંતોને ઓકળી;
ઘરકામની કાથીઓ ખેંચી બાંધેલ ખાટે
આડી પડીતી થઈ મોકળી.
એના નામનો વંટોળ મૂઓ ફૂંકાયો એમ કે છત અને ભીંતો પડેલી.
વરસી કંઈ સ્મરણોની હેલી

અંદરથી કોઈ મારી આંખ્યું દાબીને પૂછે:
કોણ છું હું બોલ સખી, બોલ..
કૂણી હથેળીઓ શ્વસી લગીર એમાં
મનડાનો થઈ ગ્યો ચકડોળ.
આટલું રહ્યું ન ભાન? આટલા જન્મોથી હું તારા જ ટેકે ઊભેલી ?!
વરસી કંઈ સ્મરણોની હેલી….ડૉ. વિવેક મનહર ટેલર

સુરતના ડો. વિવેક મનહર ટેલરનું આ મજાનું ગીત, સ્મરણોના ધોધમાર વરસાદમાં લથબથ થતી સ્ત્રીની મન:સ્થિતિ રજુ કરે છે. પ્રેમીજન માટે આ સહજ છે. વાદળોનો દરિયો ધરતી પર વરસે અને હેલી ઊઠે એમ નાયિકાના મનમાં સ્મરણૉની હેલી વરસી છે. અલબત્ત એના મનમાં રીસ છે કેમ કે એ મળતો નથી… જા તારી સાથે નહીં બોલું ! જેવી રમત અહીં રમાઇ હશે… અબોલા, રિસામણાં-મનામણાં એ પ્રણયના જ પહલુઓ છે. આવી નારાજગી ઝાઝી ટકતી નથી. નાયિકા કંઇ પણ કહે.. પણ એના પંડમાં પ્રિયતમ એવો તો પથરાયેલો છે કે મનમાં યાદની એક લ્હેરખી ફૂટી નથી કે પળમાં વંટોળ થઇ ફૂંકાણી નથી, ને પછી રીસના આખાં રાજપાટ ડૂલ !!

પાછળથી આવીને આંખો દાબીને પૂછવું, બોલ હું કોણ ? એ રમતે બાળપણમાં અઢળક આનંદ આપ્યો છે. સખીની આંખો દાબતી પ્રિયની કૂણી હથેળીનો સ્પર્શ રુંવાડે રુંવાડે રોમાંચ ઘુઘવતો ન કરી દે તો જ નવાઇ !! પિયુના હાથ પોતાના આખાય અસ્તિત્વને પ્રિયામાં પરોવી દે છે પછી મન પછી ઝાલ્યું ઝલાતું નથી. આ ભવભવનું ભાથું છે, અતૂટ સંગાથ છે ને એનાથી જ મન રળિયાત છે…શ્વાસોના શ્વાસો જ નહીં, જન્મોના જન્મો એના ટેકે ટક્યાં છે.. આ વાત ગોપી કહે છે ને પ્રેમમાં ભરચક ભીંજાયેલી દરેક સ્ત્રી કહે છે.

પ્રણયની ઉછાળા મારતી ભરતી આખાય ગીતમાં અનુભવાય છે. વીસરી જવાની વાત એક જ પંક્તિમાં કહીને નાયિકાની ખોટી રીસ બતાવી છે કેમ કે ખરેખર તો રીસ એકેય રુંવાડામાં નથી.. એ પ્રિયતમને બોલાવવાનું બહાનું છે. એને દૂર નહીં જવા દેવાની યુક્તિ છે.

 ‘વિસરી ગઈના છાણાં થાપી-થાપીને, મેં તો હોવાની ભીંતોને ઓકળી; આ પંક્તિમાં વિસરવાની અને પછી રીસને ખેરવવાની વાત કાવ્યમય અને સાહિત્યિક રીતે કહેવાઇ છે. ગામડામાં ગારની ભીંતોને સુંદર બનાવવા માટે એના પર ઓકળીઓ (ડિઝાઇન) પાડવામાં આવે છે. છાણાં આંગણાની કે કોઢની ભીંત પર થાપવામાં આવે છે, જે સુકાય એટલે બળતણ તરીકે વપરાય. પોતાના હોવાપણાના – મનના દ્વાર પર નાયિકાએવિસરી ગઇના છાણા થાપ્યાં છે. પ્રેમમાં થોડો વિરહ, રિસામણાં-મનામણાં હોય તો રંગત જામે. આ છાણાં ભીનાં છે ત્યાં સુધી જ રહેવાનાં. પ્રિયના આવતાં જ મન લીલુંછમ થઇ જશે અને વિસરી ગઇના છાણાં સુકાઇને ખરી પડશે. છત અને ભીંતો તૂટી પડે એવો એના નામનો વંટૉળ ફૂંકાવાની તથા કૂણી હથેળીઓને લગીર શ્વસવાની તથા મનડાનો ચકડોળ થઇ જવાની વાત ગીતને કાવ્યતત્વથી અને મનને રસથી તરબોળ કરી મૂકે એવી છે.

ગીતતત્વ પ્રેમનું છે. રાધા અને કૃષ્ણનો પ્રેમ – ગોપીભાવ મોટાભાગના પ્રણયકાવ્યનું પોત બને છે. વાત પ્રેમની મસ્તીની હોય, રિસામણા-મનામણાંની હોય કે વિરહની.. સૌની બાની અલગ !! રજૂ થયેલા ભાવને કવિએ કેવી રીતે, કેટલો ઘૂંટ્યો છે ને આખાય શબ્દચિત્રના રંગો કેવા મ્હોરી ઊઠ્યા છે એનાથી કવિતાનું કાવ્યત્વ સિદ્ધ થાય છે. જે ગવાય એ ગીત અને એટલે ગીતનો લહેકો જુદો જ હોય… વહેતો લય ગળામાં આપોઆપ ઘુંટાતો રહે ત્યારે ગીત સિદ્ધ થાય.. લયના પ્રવાહને બેય કાંઠે છલકાવતું, કાનમાં ગુંજી રહે એવું મીઠું મધુરું આ ગીત બન્યું છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: