Posted by: readsetu | એપ્રિલ 24, 2018

KS 16

દિવ્ય ભાસ્કર > > કાવ્યસેતુ > 27-12-2011

કાવ્યસેતુ 16  લતા હિરાણી 

શેતરંજી

એને પત્ની નહોતી જોઈતી
એને તો એક શેતરંજી જોઈતી હતી,
જેના પર એ ચાલી શકે
જેથી એને તીણા, અણિયાળા પથ્થરો ન વાગે
સહેજ અમથો કાંટો પણ ન વાગે.
અને હા, એના પગને રજ સુધ્ધાં ન સ્પર્શે.
એની ઈચ્છા મુજબ હું પલટાઈ જાઉં
એવી એક જાદુઈ શેતરંજીમાં
જેથી એ ઈચ્છે ત્યારે તેને મનગમતાં ભોજન મળે
એનું દિલ બહેલાવવા મનગમતું પીણું ધરી
એક સુંદરીના રૂપમાં ખડી રહું
અને એના મિત્રોને મિજબાની માટે
બોલાવી શકાય અડધી રાત્રે પણ
હા, એ ઈચ્છે ત્યારે હું સામાન્ય સાદડીમાં
પણ બદલાઈ જાઉં
અને કાળક્રમે જીર્ણ થતાં એ બદલી પણ શકે…… કાલિન્દી પરીખ

આ એક સ્ત્રીની વાત છે. આમ જુઓ તો ભારતની અને વિશ્વની લાખો સ્ત્રીઓની આ વાત છે. સ્ત્રી સાધન છે, એક ચીજ છે, દુનિયાના લાખો પુરુષો માટે.. એનાથી એનાં કામ, એનો સંસાર સારી રીતે ચાલ્યા કરે છે. કુટુંબ સચવાય છે. એને કોઇ તકલીફ નથી પડતી કેમ કે પળેપળ એનો હુકમ ઉઠાવવા એક સ્ત્રી એની પાસે હાજર હોય છે. એ થાકે ત્યારે એની સેવા કરવા એને તૈયાર રહેવાનું હોય છે. એ ઇચ્છે ત્યારે પથારીમાં કે પડખે એનું મન બહેલાવવા એણે તૈયાર રહેવાનું હોય છે. આ સ્ત્રીને પોતાનું કોઇ જીવન નથી, પોતાની કોઇ ઇચ્છાઓ નથી, પોતાને કોઇ મન, મરજી નથી..

કેટલી અજીબ અને દર્દનાક વાત છે આ !! પણ આ સચ્ચાઇ છે, વાસ્તવિકતા છે જેને સ્વીકારવી જ રહી. આપણને થાય કે શું વિકાસની હરણફાળ ભરી રહેલી 21મી સદીની પણ આ સચ્ચાઇ છે ? ક્યાં સિદ્ધિના એવરેસ્ટ આંબતી કે આંબવા મથતી સ્ત્રી ને ક્યાં સાવ સાદડીની જેમ જીર્ણ થઇને જેને કાળક્રમે બદલી પણ શકાય એવી સ્ત્રી ? સ્ત્રી સ્વાતંત્ર્યના ઝંડાધારીઓ પણ આ વાત કબૂલે છે કે આર્થિક શૈક્ષણિક વિકાસનો લાભ પામતી કે ટીવી સિરિયલોમાં બતાવાતી આધુનિક નારીઓના પ્રમાણમાં સાવ કચડાયેલું જીવન જીવતી સ્ત્રીઓની સંખ્યા લાખોગણી વધારે છે.

આ બંને છેડાની વચ્ચે જીવતી એટલે કે ન કહેવાય, ન સહેવાય એવી જિંદગી જીવનારી સ્ત્રીઓની સંખ્યા પણ આકાશે આંબી જાય એટલી છે. આંખ સામે અનેક ઉદાહરણો તરવરે છે. આ વાત મધ્યમ વર્ગની સ્ત્રીઓની છે. જે કમાઇને ઘરનું પૂરું કરે છે. પતિને આર્થિક ટેકો પૂરો પાડે છે અને છતાં પોતાની મરજી મુજબ જીવવાની એની પાસે મોકળાશ નથી. પતિની તમામ જરૂરિયાતો પૂરી પાડવી એ આજે પણ એની ફરજનો જ ભાગ છે. આવું માત્ર પતિ જ નહીં, આખું કુટુંબ માને છે..

આ ગદ્યકવિતા એક વરવી વાસ્તવિકતાનું ચિત્રણ છે. કચડાયેલી સ્ત્રીનો આક્રોશ આમાં તારસ્વરે પ્રગટે છે. સ્ત્રીની પીડા, વેદના અને એની સચ્ચાઇ આ કાવ્યમાં એટલી બુલંદ છે કે એને કોઇ શબ્દોના, અલંકારોના કે કલ્પનોના આભુષણોની જરૂર નથી.. કાવ્યનું શિર્ષક શેતરંજી એટલું તો ધારદાર છે અને પછીથી સમગ્ર કવિતાની પ્રવાહી પ્રસ્તુતિ ભાવકને પીડાના દરિયામાં ડૂબાડીને જ રહે છે… લાચારીની આ જીવતી જબાન સામે તસલીમા નસરીનનો જ્વાળામુખી સમો આક્રોશ યાદ અપાવે છે,

મારે પણ ખરીદવો છે એક પુરુષ,

તેને મસળી કચડી છૂંદી લાત મારી નાખી દેવો છે બહાર,

ને બરાડવું છે: મોં કાળું કર, ચાલ્યો જા, હરામી!

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: