Posted by: readsetu | એપ્રિલ 24, 2018

KS 328

દિવ્ય ભાસ્કર > 24 એપ્રિલ 2018

કાવ્યસેતુ 328   લતા હિરાણી

ખુદને ખોયા વગર     (મૂળ લેખ)

હું નદીની જેમ વ્હેવાની નથી,

ને ગગન ઓઢીને રહેવાની નથી.

આંખમાં ભીનાશ જેવુ કંઇક છે,

પણ તમારું નામ લેવાની નથી.

સ્વપ્ન થીજે, નયન રીઝે તો શું ?

ચંદ્ર ! તારી રંગતો છાની નથી.

એષણાની આંખ વનમાં તગતગે,

રાહબર છે સાથ, ડરવાની નથી.

રેતમાં ત્રોફેલ તારું નામ છે,

પણ પવનને કૈ કહેવાની નથી. …….ઉષા શાહ

દરેક પ્રેમિકાનો એટીટ્યુડ આ જ રહેવાનો. હું કાંઇ કહેવાની નથી…. જા, તું સમજી જા તો ખરો ! અલબત્ત આમાં નાયિકા આ વાત માત્ર પ્રિયજનને જ નહીં પ્રકૃતિને અને બીજાને પણ કહે છે. શરૂઆત પોતાના પ્રેમીથી કરે છે. આ સમાજ પ્રેમમાં સ્ત્રી પાસેથી સમર્પણ અને ત્યાગની વધુ અપેક્ષા રાખે છે. શા માટે ? નાયિકા કહે છે કે હું ઝૂરું છું તો તું મને મળ ! મારે એકલીને પીડા શા માટે સહન કરવી ? સાગર એક ડગલુંય નથી ખસતો, પોતાની જગ્યાએ સ્થિર રહે છે અને નદી પહાડો, જંગલો વીંધીને, અપાર કષ્ટ સહીને, સેંકડો માઈલ વહીને એને મળવા જાય છે…  એટલું જ નહીં, સાગરને મળીને એની મીઠાશ, એનો નમણો દેહ, આત્મા બધું જ, પોતાનું સમગ્ર અસ્તિત્વ ખોઈ દે છે. નદીને એ મંજૂર હશે, મને નથી. મારે મને જાળવી રાખવી છે અને તને મળવું છે. ખુદને ખોયા વગર તને પ્રાપ્ત કરવો છે. એટલે જ કવિએ કહ્યું છે ને મુહોબ્બતમાં વિનંતી ક્યાં સુધી એને સતત કરીએ, મજા એમાંય છે ઓ મન, કદી થોડી મમત કરીએ.

જો ને, આ આંખો તારી યાદમાં ચોવીસે કલાક ભીનાશ ઓઢીને ફરે છે. પણ એ તું સમજે તો ખરો. હું મારી પીડા તારી પાસે બયાન કરવા શું કામ આવું ? કહ્યા પછી તો કોઈ પણ કરે. કહ્યા વગર તું કરે તો ખરો ! જ્યારે હું તને અનરાધાર પ્રેમ કરું છું ત્યારે મારોય એટલો હક બને છે કે તું મારી બધી વણકહી વાત સમજી જા. મારું મન તું ઓળખ ને મારા હૃદય સુધીની સફર તું જ પૂરી કર. એ રીતે તું મને પામ ને હું તને. દુનિયાની કઇ પ્રેમિકા આવું નથી ઇચ્છતી ? અને હવે જ્યારે સમય બદલાયો છે ત્યારે તો ખાસ. મૌન સમર્પણ ને સંપૂર્ણ ત્યાગના આદર્શો હવે કોઈને મંજૂર નથી. સૌને પોતાનું મનવાંછિત જોઈએ છે અને પોતાની અસ્મિતા જાળવીને.

એ પછી કવિના કુદરત સાથે સંવાદો શરૂ થાય છે. માનવી જ્યારે પ્રેમમાં હોય ત્યારે પૂરી પ્રકૃતિ તેને સાથ આપતી હોય, બળ આપતી હોય એવું લાગે. ચંદ્રની રંગતો પ્રેમી મનમાં ઉછાળા લાવે છે. શાંત સરોવરને હિલોળે ચડાવે છે. આ બધામાં ક્યારેક સમતોલ રહીને તો ક્યારેક હૈયાને મદમસ્ત થવા દઈને મનની મોસમ માણી લેવાની છે. ઇચ્છાઓ હિલોળે ચડી હોય કે સમજણના સીમાડા સાબૂત હોય,  જો રાહબર પૂરા દિલથી સાથમાં હોય તો ડરવાની જરાય જરૂર નથી. હું તારું નામ રેતમાં ત્રોફેલ છે પણ હું પવનને કશું કહેવાની નથી. અહી બે વાત નાજુક છે. રેતમાં નામ ત્રોફાવવાની ! અને પવનને એનાથી બેખબર રાખવાની ! આ પ્રેમની ખૂબી છે…. આવી જ પ્રેમભીની આ પંક્તિઓ !

આ વેદનાઓ મારી કહો કોને જઇ કહું

ગુલમહોર મારી આંખ મહીં પાંગર્યા કરે.

નીંદરનું વૃક્ષ આખું લચે ભીની પાંપણે

ને પાંપણોમાં કોઇ ભીનું તરવર્યા કરે…….આશ્લેષ ત્રિવેદી

 

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: