Posted by: readsetu | એપ્રિલ 25, 2018

KS 17

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 3-01-2012

કાવ્યસેતુ 17      લતા હિરાણી 

અહીંયા બેસી મારી વાટ્યું જોતા રેજો એમ કહ્યુંતું

ચોરે જઇને હૌની પિંજણ કરતા રેજો એમ કહ્યુંતું ?

ડાબા ગાલે લાફો ખાઇને જમણો ધરવો ઇ સાચું પણ

કાયમ ખાતે ધોલ ધપાટું ખાતા રેજો એમ કહ્યુંતું ?

ડાઘાડૂઘી તનમન કે કપડાં પર પડવા દેતા નહિ પણ

ધોબી ઘાટે મેલા લૂગડાં ધોતાં રેજો એમ કહ્યુંતું ?

મંદિરમાં ભૈ દુહા ભજનો ગઇએ એમાં ક્યાં વાંધો છે ?

પટીયાં પાડી ફિલ્મી ગાણાં ગાતા રેજો એમ કહ્યુંતું ?

પૈ પૈસો ધર્માદે નાખો તે નાખોને ક્યાં બંધી છે ?

દાતાના દીકરા થૈ હંધુય ખોતા રેજો એમ કહ્યુંતું ?

એમ હતું કે આજ નહીં તો કાલે પણ બે પૈસે થાશું

આમ જ પૂરો ભવ મેતાના મેતા રેજો એમ કહ્યુંતું ?… મધુમતી મહેતા

 

દિપોત્સવી વિશેષાંકમાં મધુમતી મહેતાની આ મજાની હળવી ગઝલ હાથ લાગી ગઇ.. જોકે વાંચતાવેંત જરા અમેય સાબદા થઇ ગયા કે ભઇ, કોણે કોને શું કીધુંતું ?

નવા નવા પ્રેમમાં પડેલાઓ કે પ્રેમમાં ભૂસ્કો મારેલાઓ કે પછી હજી રોમાંસના ઘોડા જેમના ઘટમાં થનગને છે એમણે આ ગઝલ વાંચવાની જરૂર નથી.. વંચાઇ જાય તો ભાઇ, તરત ડિલિટ કરી નાખવું પણ પરણીને જૂનો થઇ ચુકેલો એક મસમોટો વર્ગ આ ગઝલને પૂરા દિલથી માણશે એમાં કોઇ શંકા નથી.. કેમ કે આમાં લાગુ પડતું રાખવું ને બાકીનું છેકી નાખવું એ નિયમનો ઉપયોગ કરવાનો છે. દામ્પત્યજીવન જ્યારે ઘરેડ બની જાય ત્યારે ક્યાંક કોઇક પત્નીઓ પતિને સુધારી, સમજાવી એની સાન ઠેકાણે લાવવાનો પોતાનો અબાધિત અધિકાર સમજતી હોય છે. આમાં પતિ મહાશય પણ પત્નીમ્ શરણમ્ ગચ્છામિ ભજવામાં જીવનની ધન્યતા સમજતા હોય એવું બને. આ સંદર્ભમાં એક જોક યાદ આવે છે.

એક છોકરો લગ્ન કરવા તૈયાર જ નહોતો થતો. કોઇએ પૂછ્યું, ભાઇ કારણ શું છે ? તો કહે, મને બધી સ્ત્રીઓની બહુ બીક લાગે છે.

તો જલ્દી પરણી જા. પછી એકથી જ બીવાનું રહેશે…!!!

અહીંયા કંઇક આવી જબરી પત્નીની વાત છે. પતિને હાથમાં રાખવા, પોતાના કહ્યામાં રાખવા ઇચ્છતી સ્ત્રી આમ જુઓ તો ધણીને ધમકાવે છે….

મારી વાટ જોવાની હતી, પણ મૂંગા મૂંગા જ…. ઓટલે પંચાત કરવાની નહોતી … ત્યારથી માંડીને પટિયા પાડીને ઓળેલા વાળ માટે કે ફિલ્મી ગાણાં ગાવા માટે કે પછી મોટા દાતાના દીકરા થવા બદલ પતિની પૂરી ધોલાઇ (શબ્દોમાં) કરી નાખે છે. પતિના માસ્તરના માસ્તર રહેવા બદલ પણ એ લમણે હાથ દઇને બેઠી છે. કદીક બે પાંદડે થવાનું સપનું પૂરું થાય એવા કોઇ લક્ષણ એ પતિમાં ભાળતી નથી…

હળવી શૈલીમાં પણ કહ્યાગરો કંથ ઇચ્છતી વઢકણી વહુની આ વાત છે. બધી સમજણ પોતાનામાં જ છે અને પતિ મીઠા વગરનો!! એવું સમજતી સ્ત્રીઓની સંખ્યા પણ સારી એવી હશે.. પતિ આ વાતો શાંતિથી સાંભળી લે છે અને પત્નીના હુકમો માથે ચડાવવાની તૈયારી રાખે છે કે પછી એક કાને સાંભળીને બીજે કાનેથી કાઢી નાખે છે એ પતિના લક્ષણૉ પરથી નક્કી કરવું રહ્યું. અહીં બીજા પ્રકારનો પતિ જણાય છે !!

ગામઠી ભાષામાં લખાયેલી, રોફ મારતી સ્ત્રીની આ ગઝલ હળવી રમૂજ પ્રેરે છે. ભાષા સૌરાષ્ટ્રની તળપદી બોલી હોય એમ જણાય છે. આમ તો આખી ગઝલમાં ભાષાપ્રવાહ એકધારો ચાલ્યો જાય છે પણ કહ્યુંતું ને બદલે કીધુંતું વપરાયું હોત તો ભાષા એકસરખી રહેત (જોકે વજન વધી જાય એવું બને ?) અને જેમ પહેલા શેરમાં ને બદલે વપરાયો છે  (હૌની પીંજણ કે પછી હંધુય) એમ જ સાચું ને બદલે હાચું શબ્દ મૂકાયો હોત તો ગઝલનું પોત એકસરખું વણાત !!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: