Posted by: readsetu | એપ્રિલ 26, 2018

KS 18

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 10-1-2012

કાવ્યસેતુ 18  લતા હિરાણી

કોઇ ને કોઇ મારો હાથ પકડી દોરી જાય છે મને

સવાર મારો હાથ પકડી લઇ જાય છે

કાં તો સાંજ

બપોરનો હાથ છોડાવું છું તો

વસંત હાથ પકડી લે છે મારો

મિનિટને હાથતાળી આપું છું

તો સોમવાર શોધી લે છે મને.

બધા જ સારા આશયથી

મદદ કરવા માગે છે.

પણ મારે નથી જોઇતો કોઇ સંદર્ભ

કોઇ સ્ટોરી બોર્ડ નહીં

કોઇ પરિવેશ નહીં, પડદા નહીં

રેતીની કલાકની શીશી અને તારીખિયાને

દાટી દેવાં છે મારે…

મને એકલી ચાલવા દો ને !

તમારા બધા વગર

હાથ પકડવાની જરૂર નથી હવે

મારો રસ્તો શોધવો ગમે છે મને…… સંસ્કૃતિરાણી દેસાઇ

 

નવી સદીની નારી છે આ. સ્વનિર્ભર બનવાની, રહેવાની ખુમારી કવયિત્રીના શબ્દોમાંથી ટપકે છે. બદલાતા જતા સમય સાથે એને બદલાવું છે. ચાલી આવતી પરંપરાનો અહીં વિરોધ છે પણ વિદ્રોહ નથી. સ્ત્રીસ્વાતંત્ર્યની વાત છે પણ અહીં નારીવાદના સૂત્રો નથી. સંયત શબ્દોમાં અને મૃદુતાથી, કહો કે સહજતાથી પોતાની વાત કવયિત્રીએ મૂકી દીધી છે અને એ વાત છે, હવે કોઇને પોતાનો હાથ પકડવાની ના…

અહીં સમય અને રિવાજ, બંનેનો સંદર્ભ વરતાય છે. સવાર, બપોર, સાંજ, વસંત, મિનિટ, વાર, રેતીની શીશી જેવા સમયને દર્શાવતા અનેક સંદર્ભો વપરાયા છે અને એમ કરીને બે કાંટા વચ્ચે પીસાતી જિંદગીને મુક્ત કરવા ચાહી છે. આનંદ આકાશની જેમ અસીમ છે એટલે એને હૃદયમાં ભરવા માટે પણ અસીમતા અપેક્ષિત છે. જો કે સમયના આ બધા તત્વો એની વહારે ધાતા હોય એમ પણ બને. એમ તો હાથ પકડવાવાળા લોકો પણ, એવું બને કે મદદ કરવા માગતા હોય !! પણ મુક્ત ઉડાનની મજા જેણે અનુભવી હોય એ જ જાણે.

મને એકલી ચાલવા દો ને !…….એકલાં ચાલવામાં સર્જકના અલગારી મિજાજની અભિવ્યક્તિ જરૂર છે. પણ માત્ર આટલું જ હોત તો કદાચ એ એટલું નોંધપાત્ર ન બનત. એકલાં ચાલવાની વાત કરનારાં અનેક લોકો છે. પણ આ પછીની વાત મજાની છે. પોતાનો રસ્તો જાતે શોધવામાં માત્ર સ્વાતંત્ર્યનો જ સવાલ નથી, આનંદની યે અનુભૂતિ છે. અને એટલે જ વાત અહીં નારી સ્વાતંત્ર્યની સીમાઓ વળોટી અમુક અંશે સ્વની શોધ તરફ વળાંક લે  છે. મારો રસ્તો શોધવો ગમે છે મને ! આ પંક્તિ આ કાવ્યને એક જુદી જ સુગંધ બક્ષી જાય છે. એકલાં ચાલવું છે, નવા રસ્તા ખોજવાના છે ને એમ કરતાં કરતાં પગભર અને રસભર થવાનું છે. વળી અહીં છેલ્લે ને ! શબ્દ ઉમેરીને વાતને મૃદુ બનાવી દીધી છે એ નોંધવું જ રહ્યું.

એકલાં ચાલવામાં, પોતાનો રસ્તો શોધવામાં, અદીઠ વિકટ વનો વીંધવા પડે તોય ભલે… દુર્ગમ કેડીઓ આંખને નવો નજારો આપશે. આનંદ કોઇ ભૌતિક ચીજમાં નથી હોતો. આનંદ આંખોમાં, દૃષ્ટિમાં, હૃદયમાં હોય છે. હાથ પકડો ના મારો કહેવાને બદલે હાથ પકડવાની જરૂર નથી હવે કહીને કવયિત્રીએ પૂરા વિવેક સાથે બુલંદ આત્મવિશ્વાસની ઘોષણા કરી દીધી છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: