Posted by: readsetu | એપ્રિલ 28, 2018

KS 19

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 17-01-2012

કાવ્યસેતુ 19   લતા હિરાણી

ઢાંક, જરી માથાને ઢાંક

જોબનને છૂટું ના મેલ, મૂઇ ! ધડો લેતી જા કાંક…

મેળામાં છેડીએ ગીત, પણ દઇએ કોઇને ન ચિત્ત

ઠોઠ ! જરી શીખ તું ગણિત. કેદી તને આવડશે આંક ?

રાખ ના ભરોસો તલભાર, સુંવાળું ટૌકી દિ ચાર

ઊડી એ જાશે ઓ પાર, કમખે પંખી ન ટાંક !

ડરતાં જે કરતાતા રાવ, આજ મોઢે કહે એ સાવ

કેટલાને કહું, હવે જાવ..! કૈંક હશે તારોય વાંક !

કાચું તે તોડ નહીં પાન, લીલાશો લઇ લેશે જાન

આગ છે વસંત: જરા માન ! કેમ નથી સાંભળતી હાંક !!… જગદીપ ઉપાધ્યાય 

આ ગીત પહેલીવાર વાંચ્યું ને મનની ઘંટડીઓ રણકી ઊઠી. આમ જુઓ તો મા પોતાની પતંગિયાની જેમ ઉડઉડ થતી ને મોરલાની જેમ ટહૂકતી દીકરીને મા શિખામણ આપે છે.. મીઠો ઠપકો આપે છે કે જરી તારા જોબનને ઝાલ્યું રાખ… ઓઢણીને છુટ્ટી ન મેલ… તારા માથાને ઢાંક ને તારા લહેરાતા મનનેય જરી લગામ દે મૂઇ… વાત સલાહ કે ઠપકાની હોય, માનું અનુભવી મન જોબનની લીલાને જાણે છે ને તાગે છે.. એટલે એના શબ્દોમાં, કલ્પનોમાં જે વૈભવ જ છલકાય છે એનું જબરું સૌંદર્ય છે ! વાત ગંભીર છે ને તોય ભાર થતી નથી.

ઢાંક જરી માથાને ઢાંક

જોબનને છૂટું ના મેલ, મૂઇ

કહેતી મા બરાબર જાણે છે કે માથાને ઢાંકવાની વાત છે પણ એમાં દીકરીએ પોતાની, કુટુંબની આબરુને ઢાંકવાની છે. જોબનના ઘોડાપૂર કાલે ઓસરી જાશે ત્યારે ખૂણે બેસીને પસ્તાવાનો વારો ન આવે એ માટે દીકરીને પોતે નહીં તો બીજું કોણ ચેતવશે ? સ્ત્રીના લાંબા કાળા કેશથી પુરુષનું મન મોહિત થાય છે. છેડો માથે રાખવાનો છે ને છેડાથી છાતીય ઢાંકવાની છે. કાળા ભમ્મર કેશ ને ભરાવદાર સ્તન, આ બે વાનાંએ ભલભલા સંન્યાસીઓના તપનેય ચળાવ્યા છે. એટલે મા સાનમાં સમજાવવા પ્રયત્ન કરે છે કે કમખે પંખી ન ટાંક ! મેળામાં તો જાતજાતના ને ભાતભાતના લોક ભેગા થાય. એમાં કોણ કોને રોકે ? દીકરી પોતે જ ઢબુરાઇને રહે તો માના જીવને જંપ વળે.

કાચું પાન ન તોડવાની અને લીલાશો લઇ લેશે જાન જેવા પ્રયોગો બહુ સાંકેતિક રીતે ઉછાળા મારતી અલ્લડ જવાની ને જો એ ન જળવાય તો એના કરુણ અંજામની આખી દાસ્તાન રજૂ કરી દે છે. અલબત્ત ગંભીર વાતને કાવ્યાત્મકતાનો એવો મજાનો સ્પર્શ છે, લયનો હિલ્લોળ આખાય ગીતમાં એવો છવાયો છે  કે વહ્યે જતી ગીતની મસ્તી કાવ્યને ક્યાંય ગંભીર બનાવતી નથી ઉલ્ટુ કલ્પનોની ને રજૂઆતની નજાકત આખાય ગીતને રસમય બનાવી દે છે. .

મા જાણે છે કે જોબન ઝાલ્યું ઝલાય નહીં. એ ઉંમર જ એવી છે. વાસંતી વાયરાને આડા હાથ દેવા કેવા વસમા છે ! સાત પહેરા તોડીનેય પોતાનો રસ્તો કરી લે. આખરે એ કુદરતની કમાલ છે. કુદરતે યૌવનમાં એટલો તલસાટ ન મૂક્યો હોત તો આ સૃષ્ટિ કેમ કરીને ચાલત ? પણ મા બધા અનુભવો પચાવીને બેઠી છે એટલે એને ખબર છે કે ખાલી આડા હાથ દીધે કંઇ નહીં વળે. રૂપના રખોપાં એમ થાય નહીં. એટલે પહેલાં જરી રસ્તોય બતાવે છે, કહો કે સમજાવે છે,

મેળામાં છેડીએ ગીત, પણ દઇએ કોઇને ન ચિત્ત

ઠોઠ ! જરી શીખ તું ગણિત. કેદી તને આવડશે આંક ?

દીકરી મેળામાં ગયા વગર રહેવાની નથી. જશે તો જુવાનિયાઓની નજરે ચડ્યા વિનાય રહેવાની નથી. આટલે સુધીની વાત પોતાના હાથમાં નથી. એટલે કહે છે કે બેટા ભલેને ગાઇએ ગીત પણ કોઇને દઇએ ના ચિત્ત.  ઠોઠ ! જરી શીખ તું ગણિત. કેદી તને આવડશે આંક ? આમાં તો કવિએ કમાલ કરી દીધી છે. જાણે છે કે દીકરી ઠોઠ છે એટલે કે ભોળી છે. ઘડીવારમાં ક્યાંક છેતરાઇ જાશે ને દિલ દઇ બેસશે. એટલે એને પોતાનો સ્વાર્થ સમજાવે છે. બે ઘડી મેઘધનુષના રંગોથી ભલે મન મલકાય, પછી આંખ ધરતી પર ઠેરવીએ. વહેતી હવામાં મન જરી મોકળું મેલીએ પણ એ વાયરાને અંગે વીંટીને ન આવીએ.. કારણ એક જ, એનો અંજામ કાં તો માએ આંખે દેખ્યો છે કે પછી પંડે અનુભવેલો છે ને એટલે જ એ પહેલાં સાનમાં સમજાવે છે પછી સીધેસીધી હાક દે છે. કાચું પાન તોડવાની મનાઇ ફરમાવે છે… સુંવાળા ટૌકા દઇ પંખી ચાર દિમાં ઊડી જાશે એની સ્પષ્ટ ચેતવણી આપે છે. સુંવાળા ટૌકા શબ્દો મૂકી કવિ અહીં તન અને મન બંનેને રજૂ કરે છે. સ્પર્શ અને સાદનો નાદ જુવાન હૈયાને કેવું ડોલાવે એવું કંઇક અહીં અભિપ્રેત છે

ગીતની શરૂઆતમાં ઢાંક જરી માથાને ઢાંક દ્વારા અપાતી શીખામણ એટલી સ્વાભાવિક બાની બની છે કે આવું કહેતી માના હાથનો નિર્દેશ (છણકો) પણ ભાવકની આંખ સામે તરવરવા લાગે છે. આમ ગીતનો ઉપાડ બરાબર ઠપકાની રીતે ઉપસ્યો છે. ઢાંક જેવા વજનદાર શબ્દનો પ્રયોગ, વળી એનો પુનરુચ્ચાર હુકમના પાલનનું ફરજિયાતપણું બતાવે છે.

કાવ્યબાની ગીતમાં રજૂ થતા ગ્રામ્યસમાજને અનુરૂપ છે. ગીતના શબ્દો વાચાળ છે. સીધીસાદી બોલચાલની ભાષા ને મૂઇ, ઠોઠ, જોબન, ધડો, કમખો.. જેવા થોડાક તળપદી શબ્દોથી આખું ગીત જાનદાર ને લચીલું બને છે. પ્રાસ મેળવવા શબ્દો શોધવા જ પડે પણ એ ભાવપ્રવાહમાં સહજ રીતે ગોઠવાઇ જવા જોઇએ. પ્રાસ મેળવવા માટે પંક્તિઓ ગોઠવી હોય એવો આયાસ અહીં જરાય વર્તાતો નથી. ઢાંક, કાંક, આંક, ટાંક, વાંક, હાંકની પ્રાસરચના મજાની લાગે છે. અને ગીતનો લય પણ પૂરેપૂરો જળવાય છે. ગીતનું સાર્થકપણું ગાનમાં છે. આ ગીત સરસરીતે સૂરબદ્ધ થાય એવું છે. વિષય એ જ ચિરપરીચિત છે પણ રજૂઆત ડોલાવે એવી છે.

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: