Posted by: readsetu | એપ્રિલ 30, 2018

KS 20

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 24-01-2012

કાવ્યસેતુ 20   લતા હિરાણી (મૂળ લેખ) 

આજે મેં મારા ઘરના નંબરોનો નાશ કર્યો છે

અને ગલીને નાકે લગાડેલું પાટિયું હડસેલી નાખ્યું છે

અને પ્રત્યેક રસ્તા ઉપરનાં દિશાસૂચનો ભૂંસી નાખ્યા છે

પરંતુ તમારે જો ખરેખર મને પામવી હોય

તો પ્રત્યેક દેશનાં, પ્રત્યેક શહેરનાં

પ્રત્યેક ગલીનાં બારણાં ખખડાવો

આ એક શાપ છે અને વરદાન પણ

અને જો તમને મુક્ત આત્માની ઝાંખી થાય

તો માનજો કે એ જ મારું ઘર છે…. અમૃતા પ્રીતમ  અનુવાદ : નીરા દેસાઇ 

હમણાં જ વાંચ્યું કે પંજાબી ભાષાના મહાન લેખક કવિ અમૃતા પ્રીતમે અવસાન અગાઉ ઇચ્છા વ્યક્ત કરી હતી કે દિલ્હી ખાતેના એમના ઘરને સ્મારકમાં ફેરવવામાં આવે. આ ઘર એમણે ખુદ બંધાવ્યું હતું અને પોતાના આત્મસાથી ઇમરોઝ સાથે દાયકાઓ સુધી એમાં રહ્યા હતાં. પરંતુ એમના દીકરાએ આ ઘર એક બિલ્ડરને વેચી માર્યું અને કોઇ કશુ કરે એ પહેલાં તો બિલ્ડરે એ ઘર તોડી પણ પાડ્યું. અજબ યોગાનુયોગ છે કે આ કાવ્ય પણ એ સાથે જ વાંચવા મળ્યું. મને લાગે છે કે એમને ભવિષ્ય દેખાઇ ગયું હશે !!

અહીંયા વાત ઘરની છે અને મુક્તિની છે. ઘરના સીમાડાઓને વર્ણવતા વર્ણવતા, વિશ્વના અનંત આકાશમાં કવયિત્રીએ આત્માના મુક્ત વિસ્તારને સહજ રીતે ગૂંથી લીધો છે. એક સામાન્ય જન કે જે બંધાયેલો છે, ઘરની ચાર દિવાલોમાં કે ગલી, શહેર, દેશની સીમાઓમાં… કવયિત્રીને આ બંધન નથી ખપતું. એ દેશ કાળથી પર જવા માગે છે. અલબત્ત એની પાસે એટલે જ શબ્દનું વાહન છે જે એને સઘળા સીમાડાઓ ઓળંગાવી શકે.. અને આપણે જાણીએ છીએ કે અમૃતાજીના શબ્દોએ એ સિદ્ધ કર્યું છે.

પોતાના ઘરના નંબરનો, ગલી પર લગાવેલા પાટિયાનો નાશ કરવો સહેલો નથી.. ભલે નામ તેનો નાશ કહેવાતું હોય !! અહીં બે વિરોધી ભાવને સાંકળ્યા છે. હુંનો નાશ અને સ્વનો વિસ્તાર !! હું કે જે એક વ્યવહારની ઓળખ છે, જ્યાં નામ છે, અટક છે, કુટુંબ છે, કામ કે વ્યવસાય છે. અને ખરી વાત એ છે કે વ્યક્તિની એ સાચી કે પૂરી ઓળખ નથી. એના વ્યક્તિત્વને આ બધું બાંધે છે. એની આગવી ઓળખ સમાયેલી છે એની અંદર રહેલા એના સ્વત્વમાં. એની સાચી પહેચાન છે એની અંદર ઢંકાયેલા એના અજવાળામાં. એ જ્યોત પ્રગટાવી શકાય તો પછી ઘર નંબર, ગલી કે મહોલ્લા અર્થહીન બની જાય છે.

જેના આતમને પાંખો લાગેલી છે, જેણે મુક્ત ગગનમાં ઉડ્ડ્યન કરવું છે એને આવા સરનામાં અવરોધે જ. એ આવા સંદર્ભોની સીમાઓ અતિક્રમીને લહેરાશે. અને ત્યાં જ એની સાચી ઓળખ પ્રગટશે.. એ વૈશ્વિક હશે, સીમાહીન હશે… એને ત્યાં જ પૂરેપૂરી રીતે પામી શકાશે.

આમ જુઓ તો આખીયે સીધી સાદી વાત છે. કથનાત્મક રજૂઆત છે. કોઇપણ કલાકાર, પછી એ કવિ હોય, ચિત્રકાર કે સંગીતકાર અથવા બીજી કોઇ કલાનો મર્મજ્ઞ, કલાજીવ  હંમેશા ગગનની વિશાળતા જ ઇચ્છે. એટલે દિવાલો કે સીમાઓનો નાશ અને મુક્તિની ઝંખના એ નવી વાત નથી. પણ કંઇક જુદું બને છે આ પંક્તિમાં,

આ એક શાપ છે અને વરદાન પણ…..

કોઇ એક જ બાબત શાપ પણ હોય અને વરદાન પણ ?? આ પંક્તિમાં સંકુલતા છે, એક ઊંડી સમજ છે અને યાદ આવે છે, ઘર ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા… અહીંયા કંઇક એવી જ વાત છે. પહેલાં છોડવું પડે છે, પછી પમાય છે. પહેલાં ભૂંસવું પડે છે, ત્યારે લખાય છે પણ છોડવામાં કે ભૂંસવામાં પૂરેપૂરું જોખમ છે. ઘરના નંબરનો નાશ કરવો કે પાટિયા પરથી પોતાનું નામ ભૂંસી નાખવું સહેલું નથી. પૃથ્વી પર વસતા લગભગ પ્રત્યેક માનવીની જિંદગી આ નંબર ને નામના પાટિયાની આજુબાજુ જીવનભર ઘૂમ્યા રાખે છે ને એમાં જ પૂરી થાય છે. નામનું પાટિયું ને એમાં લાગેલા છોગા જ જીવનની ધરી બનતી હોય છે ત્યારે એ છોડવામાં કેટલી હિંમત જોઇએ !! માત્ર હિંમત જ નહીં, આંખ સામે મુક્તિનો પ્રકાશ એક ધ્રુવતારકની જેમ સતત ઝળહળતો હોય તો અને ત્યારે જ એ બને. પ્રકાશના લક્ષ્યનું સાતત્ય દુનિયાનું સૌથી વિકટ કામ છે. સંતો, મહંતો અને ઓલિયા જેવા કલાકારો જ આ લક્ષ્યને પામી શક્યા છે.

એટલે જ કવયિત્રીએ કહ્યું કે આ એક શાપ છે અને વરદાન પણ….. ઘર છોડવામાં સુરક્ષા નથી. એવુંયે બની શકે કે ઘર છૂટી જાય અને રસ્તો જ કિસ્મતમાં રહે.. નામ છૂટી જાય અને ગુમનામી નસીબમાં લખાઇ જાય !! માત્ર ભૂંસી નાખવાથી નવા અક્ષરો પડવાની ખાતરી નથી મળતી. કેમ કે જે છૂટે છે એ ખરેખર દિલથી છૂટ્યું ન હોય અને જે પામવું છે એના માટેની ઝંખનામાં રતિભારેય કચાશ હોય…… અને જો એવું થાય તો વરદાન દૂર રહી જાય અને એ શાપ બની શકે. સીમાઓને એટલી વિસ્તારવી કે આખુંય વિશ્વ એમાં સમાઇ જાય એ સામાન્ય માનવીનું કામ નથી..

અમૃતાજીનો શબ્દ એ કંઇક આવી વાણી છે…. સીમાડાઓ તોડી એ મનથી મન સુધી વિસ્તરે છે. દિલથી દિલ સુધી વ્યાપી વળે છે અને એટલે જ જનમન સમક્ષ એ તારકની જેમ ઝળહળે છે !!

જોકે અહીં સામાન્ય માનવીયે યાદ આવે છે. મહાન માનવીઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા હોય છે અને એ સારું જ છે. એક સામાન્ય માનવી માટે ઘર શબ્દ ને એની સીમાઓ કેટલી હૂંફાળી છે !! આ શબ્દ મનની અંદર કેવી મીઠાશ મહોરાવી દે છે. ઘરથી દૂર હોઇએ ત્યારે ઘરના અસ્તિત્વનો ખયાલ રોમેરોમ છવાયેલો રહે છે.. એટલે મહાન વ્યક્તિઓના ઘર ભલે સ્મારકમાં ફેરવાય કે એ વિશ્વમાં વિસ્તરે અને સામાન્ય માનવીનું સત્ય આપણે સીમાઓમાં સમાયેલું રહેવા દઇએ !! જ્યારે કોઇના ઘરે જઉં છું અને દાદા-દાદીના કે માતા-પિતાના, વૃદ્ધ બોખા મોં પર છવાયેલા રૂડા હાસ્ય સાથેના ફોટા દિવાલ પર લગાવેલા જોઉં છું, દીકરો કે દીકરી બહાર જતાં પહેલાં એ ફોટા સામે વંદન કરતાં જાય છે, ત્યારે મનમાં એક હાશકારો છવાય છે. હા, આ એમના જીવનની સાર્થકતા છે.

 

 

 

Advertisements

Responses

  1. Superb !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: