Posted by: readsetu | મે 3, 2018

KS 22

દિવ્ય ભાસ્કર >  કાવ્યસેતુ > 7 ફેબ્રુઆરી 2012

કાવ્યસેતુ 22   લતા હિરાણી  (મૂળ લેખ)

હું જન્મી

ત્યારે છઠ્ઠીના દિવસે

નાનીમાએ ત્રાંબાની તરભાણી દીવા પર ધરી

હોંશે હોંશે કાજળ પાડી

મારી આંખમાં આંજ્યું હતું.

હજુ ગયા વરસે જ

મારી દીકરીને ત્યાં દીકરી જન્મી

ત્યારે મેં પણ

છઠ્ઠીના દિવસે

હોંશભેર કાજળ પાડી

મારી દોહિત્રીની

સ્વપ્નભરી આંખોમાં આંજ્યું હતું

આજે

આ ઢળતી સાંજે

આગજનીમાં બળીને

કાળામેશ થઇ ગયેલાં

મારાં શહેરનાં

મકાનોને જોતાં થાય છે

કોની છઠ્ઠી માટે

પડાઇ હશે

આટલી બધી મેશ ?  …. ઉષા ઉપાધ્યાય   

સુખ અને સંતાપની ઘડીઓને એકસાથે મૂકવી સહેલી નથી. આગ લાગે અને બધું બળીને ભસ્મ થઇ જાય ત્યારે માત્ર અને માત્ર વિષાદયોગ ફરી વળે. ઉષા ઉપાધ્યાયના આ ગદ્યકાવ્યમાં પણ ભરપૂર વિષાદ છે પણ આવા ઘેરા શોકને જેની સાથે સરખાવ્યો છે એ કોઇ સ્ત્રીને જ આવી શકે એવી કલ્પના છે.

બાળકના જન્મ પછી છઠ્ઠીના દિવસે એને નવડાવી, નવું ઝબલું પહેરાવી, ત્રાંબાના વાસણને ચોખ્ખા ઘીના દીવા પર ધરી એમાં થયેલી મેશ બાળકની આંખમાં આંજી એને પારણામાં સુવડાવી દેવામાં આવે અને એની બાજુમાં કંકુ છાંટેલો કોરો કાગળ અને લેખણ મૂકવામાં આવે. આ કાગળ પર વિધાતા રાત્રે લેખ લખવા આવશે એમ મનાય છે. બાળકની આંખમાં અંજાતી મેશનો હેતુ, આમ તો આંખોનું તેજ વધારવાનો હોય છે.

અહીં મેશનો સંદર્ભ જરા જુદી રીતે આલેખાયો છે. આગમાં બળેલા મકાનોની કાળાશ જોઇને કવયિત્રીને બાળકની છઠ્ઠી યાદ આવે છે. પોતાના જન્મ વખતે આ પરંપરા જળવાઇ જ હોય અને પોતે પણ દીકરીને ત્યાં દીકરી આવી ત્યારે પૂરા ભાવથી સ્વપ્નભરી આંખમાં મેશ આંજી હતી. પણ આ તો રિવાજ થયો, પરંપરા થઇ. દરેક બાળજન્મ વખતે થાય છે એ જ થયું. કવિતામાં આ વાત છે પણ આ મુદ્દો નથી.

મુદ્દો છે આગમાં બળી-ઝળી ગયેલાં કાળામેંશ થઇ ગયેલા ઘરોને જોઇને જાગેલી સંવેદનાનો. ઘરની અંદર રહેનારાં બચી ગયાં હોય તો પણ, જેનાં પોતાનાં આ ઘર છે એમના માટે આ કેટલી ભયંકર દુર્ઘટના છે. ઘર એમાં રહેનારાઓનું સ્વજન હોય છે, હાશ હોય છે, હૂંફ હોય છે. એને બળતું જોવા જેવી બીજી કપરી પીડા કઇ ? અજાણ્યું માનવી પણ આ જોઇને કમકમાટી અનુભવે ત્યારે સ્ત્રી માટે, ઘર સાથે એક વિશેષ અનુબંધ ધરાવતી સ્ત્રી માટે આવું દૃશ્ય વધારે પીડાકારી બની રહે અને કવયિત્રી કારમી કલ્પના કરી ઊઠે છે કે કોની છઠ્ઠી માટે પડાઇ હશે આ મેશ ?

હરખ-ઉલ્લાસની પરંપરાને બળેલાં ઘર સાથે જોડવાની વાત કવયિત્રીની કલ્પનાના દોરની ઝાંખી જરૂર આપે છે તો બીજી બાજુ ભાવકને એક ધ્રુજારીભર્યું આશ્ચર્ય પણ આપી જાય છે. છઠ્ઠીનો દિવસ અને બાળકની આંખમાં આંજવા માટે પડાતી મેશ, જીવનને એક નવા મુકામ તરફ દોરી જાય છે, ઉલ્લાસ તરફ દોરી જાય છે. બળેલા મકાનો ફરતે લપેટાયેલી મેશ દ્વારા કુદરત કઇ નવી દુનિયા તરફ આંગળી ચીંધે છે ? આ વિનાશ પાછળ નવસર્જનનો નિર્દેશ છે ? સામાન્ય રીતે ભૂકંપ, પૂર, વાવાઝોડાં જેવી કુદરતી હોનારતો પાછળ કંઇક આવાં અર્થઘટનો થતાં હોય છે. કવયિત્રીની રચનામાં આવો અહેસાસ મળે છે ત્યારે સવાલ એ પણ ઊઠે છે કે આ તો માનવીના સ્વાર્થનું પરિણામ છે. આ કાળી કરણી કાળા માથાના માનવીની છે, આ કાળાશ કશુંયે સર્જી શકે ખરી ?

આમ જુઓ તો ધરતીકંપ અને મા-બાળકના સંબંધનો અહીં સંદર્ભ છે. ગુજરાતના ધરતીકંપને અનુલક્ષીને લખાયેલા સુજાતા ચૌધરીના એક ઊડિયા કાવ્યનો સુશી દલાલે કરેલો અનુવાદ જોઇએ.

મા અને પૃથ્વી

માએ કહ્યું હતું એ દિવસે

પૃથ્વીની જેમ સહનશીલ થવા માટે

પૃથ્વી પાસેથી કંઇક શીખો

પણ હું કહીશ પૃથ્વી

મા પાસેથી કંઇક શીખે.

આંસુનો સાગર

એને ઘેરી રહ્યો હોવા છતાં પણ

બચાવે છે મા પોતાના બાળકોને

મગરમચ્છના મોઢામાંથી

બાંધી રાખે છે

પોતાના આંચલમાં

એ લહેરોને

વહેવા નથી દેતી

બાળકોના ઘરને…… સુજાતા ચૌધરી (ઊડિયા, અનુ.સુશી દલાલ કવયિત્રી વિશ્વ, 47)

મામલો હદથી વધી જાય ત્યારે

ફાટી પડે છે પૃથ્વી

સમાવી લે છે

એ કેટલાંક બાળકોને

પણ મા

બધું જ સહન કરી લે છે

આવવા નથી દેતી ભૂકંપ ઘરમાં.

જો પૃથ્વીએ માતા પાસેથી

આટલું શીખી લીધું હોત  તો

ન મર્યા હોત આટલા લોક

આ રીતે ગુજરાતમાં.


Responses

 1. બહુ જ સંવેદનશીલ કલ્પન. ગમ્યું.

  • મે એમાં અછડતો ઉલ્લેખ કર્યો છે કારણ કે હું આસ્વાદ જ લખું છું, વિવેચન નહી.
   મને ન ગમતી વાત એ છે કે જનમતા આંજવામાં આવતી મેશ એક સરસ મજાનાં ભાવને લઈને આવે
   છે, એ પોઝીટીવ છે. સુખનું પ્રતીક છે. જ્યારે આગજનીમાં બળેલા મકાનોની મેશ એની
   સાથે ન સરખાવી શકાય. એ દુખનું પ્રતીક છે. પણ ઠીક છે, કવિને ગમ્યું એ ખરું. !

   2018-05-03 20:53 GMT+05:30 સેતુ ~ લતા જ. હિરાણી :

   >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: