Posted by: readsetu | મે 7, 2018

KS 23

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 14 ફેબ્રુઆરી 2012

કાવ્યસેતુ 23   લતા હિરાણી

એકલો પડું ને તમે સાંભરો

થાળીમાંથી ચોખા લઇ વીણતાં હો,

એવે બપોર મને સપનામાં આવે

બારણામાં ઊભા રહી, ટીકી ટીકીને પૂછો

કાચી કેરીનું શાક ભાવે ?

જીંદગીની ગોધૂલીવેળા છે ઢૂંકડી,

છાના રહો જીવ, ન ભાંભરો…

ઊના પાણીની ડોલ ઊંચકું, ઊંચકાય ?

એમાં સાત સાત સમંદરના જળ

કૂણા ટુવાલથી લૂછું છું ડિલ

અને ખરખરતા ખરતા અંજળ

એકલો પડું ને અમે સાંભરો

એકલો પડું ને તમે સાંભરો…. દિલિપ ભટ્ટ

પત્ની વિરહની પીડાએ, વ્યથિત પતિના બળબળતા હૈયામાંથી ખરખર સરતા સૂક્કા શબ્દો એટલે દિલિપ ભટ્ટનું કાવ્ય, એકલો પડું ને તમે સાંભરો.. આમ જુઓ તો સીધી સાદી લાગતી આ વાત એવી ઊંડી ચેતનામાંથી પ્રગટી છે કે જેણે પ્રૌઢ વયે પત્ની ગુમાવી છે અને એનો તાણોવાણો પત્ની સાથે પૂરેપૂરો ગુંથાયેલો છે. જીવનની આખીયે મઝલ પત્ની સાથે ઓતપ્રોત થઇને કાપી છે.. જેમના સહવાસની ક્ષણો મધુરતામાં ઝબોળાયેલી છે. એકમેકનો સંગાથ સમજણપૂર્વકનો અને મીઠાશભર્યો રહ્યો છે. સાથ છૂટ્યાની પીડાના, નિસાસાના સંકેતો એટલા જીવંત છે કે ભાવકના ચિત્તને એ રણઝણાવી દે છે. જેમનું સહજીવન સદાય ભર્યુંભર્યું રહ્યું હોય એના ચિત્તમાં જ આવી ક્ષણો છવાય !!

પતિની સ્મૃતિમાં છવાય છે, બપોરે નવરી પડીને થાળીમાં ચોખા વીણતી પત્ની, રોજ રસોઇ બનાવતાં પહેલાં શું ભાવશે ?ની ચિંતા કરતી પત્ની, નહાવા માટે ઊના પાણીની ડોલ બાથરૂમમાં મૂકી આપતી પત્ની… સવારથી રાત સુધીની અઢળક દૈનિક ક્રિયાઓમાં પત્નીની ઝીણી ઝીણી કાળજી, એની હયાતીમાં કદાચ એટલી ન સમજાય પણ એની આખરી વિદાય પછી ઘરમાં ઘર કરીને વસી ગયેલો અજંપો જીવને બાળે છે. અલબત્ત આ સ્વગત કથન છે કેમ કે પ્રૌઢવયે હવે ક્યાંય દિલની વાત કરીને ઠરી શકાય એવું નથી રહ્યું. ઉઘડતી સવારે ને હૂંફાળી બપોરે ઉમળકા વરસાવી લીધા, હવે નજર થાકી ગઇ છે, આથમતી સંધ્યાએ વલોપાત અંદર જ ભરી રાખવાનો છે.

અહીં સુધી સ્મૃતિઓની અને સાથ છૂટ્યાની વાત સૌમ્ય રીતે આલેખાઇ છે. થાળીમાં ચોખા વીણતી અને કાચી કેરીનું શાક ભાવે ? પૂછતી પત્નીનું શબ્દચિત્ર એટલું તો સાહજિક લાગે છે અને એકદમ કવિ કહી ઊઠે છે, છાના રહો જીવ, ન ભાંભરો…જાણે બાંધી રાખેલ બંધ પાળ તોડીને છૂટી પડ્યા !! જાણે હળવે હળવે કેડીએ ડગલાં ભરતા ભરતાં અચાનક ખીણમાં ફંગોળાઇ જવાયું !! અને ભાવકનું ચિત્ત વિષાદથી છલકાઇ જાય છે. ભાંભરો શબ્દ બહુ સૂચક છે. એ સાંભરોના પ્રાસમેળમાં પ્રયોજાયો છે પણ ભાંભરવામાં શબ્દ વગરનો મોટો અવાજ, લાઉડનેસ છે. આ એક શબ્દની અર્થછાયા પીડાનો કેટલો મોટો પહાડ રચી દે છે !! આ શબ્દ વાપરીને કવિ બતાવવા માગે છે કે હૃદયનો સંતાપ હવે પોકારીને પ્રગટવા માગે છે. છાના ડુસ્કાથી મનને શાંતિ થાય એમ નથી. એણે મોકળા મને, છાતી ફાડીને વ્યક્ત થવું છે. પણ કદાચ પુરુષ માટે એ એટલું સહેલું નથી !!

પાણીની ડોલ ઊંચકવાની અસમર્થતા, પાછલી વયે માથે લદાયેલ જીવનના બોજનું પ્રતીક છે. એટલે એને સાત સાત સમંદરના જળ સાથે સરખાવાયું છે. રેલમછેલ અને ખારાં ખારાં જળ.. એ આંસુનાયે પ્રતીક બની જાય છે. પછીની પંક્તિમાં તરત જ એ ડોકાય છે, કૂણા ટુવાલથી લૂછું છું ડિલ અને ખરખરતા ખરતા અંજળ… પ્રગટ રીતે ટુવાલની કૂણાશ પાછળ શૂળ જેવી યાદોનું ભોંકાવુ સૂચિત છે.  શરીર કોરું થાય છે ને આંખ ખારા આંસુથી ભીંજાય છે. અહીં માત્ર આંસુ જ નથી ખરતાં, એકબીજાની સાથેના અંજળ પણ ખરે છે. ડિલ (શરીર) અને અંજળ શબ્દથી સૌરાષ્ટ્રવાસી તો પરીચિત હોય જ. એકની બીજા સાથે લેણદેણ એ અંજળ. મૂળ શબ્દ અન્ન અને જળ પરથી બન્યો હશે. જીવવા માટેની પ્રાથમિક જરૂરિયાત.. પોતાની વ્યક્તિથી કે વતનથીયે છૂટા પડવા માટે અંજળ ખૂટ્યાં એવો પ્રયોગ થાય.

કવિતાની છેલ્લી બે પંક્તિયે એક આખા કાવ્ય જેટલી સક્ષમ છે.

એકલો પડું ને અમે સાંભરો

એકલો પડું ને તમે સાંભરો…..

જીવનસાથીની સ્મૃતિને આ એક શબ્દ અમેથી જે અર્ઘ્ય અપાયો છે એ અદભુત છે. પતિ-પત્નીના સંબંધને આપણા સમાજમાં એવા અતૂટ બંધનની મહોર લાગે છે કે એમાં ઘણીવાર માત્ર એક છત નીચે જીવવા પૂરતી જ વાત હોય છે. કહેવાતો સંગાથ અને મન ક્યાંય જુદાં !! સપ્તપદીમાં બંધાયેલા છેડા ક્યારનાય છૂટી ગયા હોય પણ નામ પૂરતા પતિ-પત્ની ખરાં… અહીંયા આવી વાત નથી. જીવનભર જેઓ અમે બનીને રહ્યાં, સાચા અર્થમાં જેમણે દામ્પત્ય માણ્યું અને ઉજાળ્યું એવાં પતિ-પત્નીની આ વાત છે અને એટલે આ છેલ્લી બે પંક્તિમાં જીવનની મધુરતાની સાથે સાથે એકલતાનું સંતાપનું ચિત્રણ અનન્ય છે. સંગાથની અને વિખૂટી વાટની, લીલીછમ ભીનાશની ને રણ જેવા સૂક્કાપણાની, બે સામસામેના છેડાની વાતને ઓછામાં ઓછા શબ્દોમાં કવિએ મઢી દીધી છે એ ખરેખર અનુપમ છે.

અને છેલ્લે ધ્રુવપંક્તિ, એકલો પડું ને તમે સાંભરો…… કાવ્ય પૂરું થાય અને સહૃદય ભાવકનું મન એક જ પ્રશ્નથી ઊભરાય. એકલતાના તો હવે અડાબીડ વન ઊગ્યા છે…પત્નીના સાંભરણની ક્ષણોથી ભરેલો સમય પીછો કેમ કરીને છોડશે ?


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: