Posted by: readsetu | મે 9, 2018

KS 24

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 21 ફેબ્રુઆરી 2012

કાવ્યસેતુ 24   લતા હિરાણી  (મૂળ લેખ)

દીવાલોની પારનાં

અજવાળાંને પામવાની મથામણમાં

મારી ચીમની બુઝાવી નાખવી

મને મંજૂર નથી.

મને મંજૂર નથી

આ પાર કે તે પારની

સંતાકૂકડીની રમત

મારે માણવા છે

આ પારની દુનિયાના બધા સૂર્યોદય

બધા સૂર્યાસ્ત

બધી આવનજાવન દિવસ અને રાતની

મારી નાનકડી ચીમનીની

જ્યોત નાનકડી

ટમટમતી

રાખવી છે મારે…….જયા મહેતા

 

આ કાવ્યને બે રીતે મૂલવી શકાય. એક દૃષ્ટિકોણ છે, જીવન પછીનું સ્વર્ગ મેળવવા આ જિંદગીને તરછોડવી. અને બીજો દૃષ્ટિકોણ છે, કાલ્પનિક સુખની પાછળ દોડવાને બદલે વાસ્તવિકતાને વધાવવી. જો વાત કાલ્પનિક સુખ એટલે કે મૃગજળની હોત તો અજવાળાં શબ્દ ન વપરાયો હોત કેમ કે દિવાલો પારનાં અજવાળાં કહીને અજવાળાના અસ્તિત્વને સંમતિ તો આપી જ છે. જ્યારે મૃગજળને સંમતિ આપવાનો કોઇ સવાલ જ ન હોય !! એટલે મારી દૃષ્ટિએ પ્રથમ દૃષ્ટિકોણ વધુ ઉચિત લાગે છે.

નકારથી આરંભાતી હકારની આ કવિતા આ સંસારના જીવનને દૃઢપણે વધાવે છે. કોઇ દુવિધા નથી, કોઇ અસમંજસ નથી. અજાણ્યા જગતના મોહમાં આજના આનંદને વેડફી મારવો નથી. પરલોકને પામવાની પ્યાસમાં આ લોક ગુમાવવો નથી. આસપાસ વીંટળાયેલી બધી જ ખુશી કે દર્દ અનુભવવા છે, માણવા છે.

આખી કવિતાના સૂરને એક વાક્યમાં વ્યક્ત કરવો હોય તો કહી શકાય કે મારે આ દુનિયામાં જ જીવવું છે, રહેવું છે, નથી જોઇતું સ્વર્ગ કે એને માટે થતી મથામણો !!

દીવાલો પારનાં અજવાળાં – અહીં અજવાળાં શબ્દ વાપર્યો છે એટલે કવયિત્રીએ, ધર્મોએ બતાવેલ જીવન પછીની ગતિ સ્વર્ગનું સુખ કે મોક્ષની કલ્પનાને નકારી નથી પણ એને દીવાલની પારનું કહી એમાં પોતાની મર્યાદા જરૂર જાહેર કરી છે. એ સુખ હશે, અજવાળું હશે પણ એ દીવાલો પારનું છે. હું એને જાણતી નથી અને એટલે એ મારે કામનું નથી. સ્વર્ગ-નરક, કલ્પના હોય કે સત્ય, કોઇએ ત્યાંથી પાછાં આવીને એને પ્રમાણ્યાં નથી. કવયિત્રીને વર્તમાનમાં વિશ્વાસ છે. એ અણજાણ દુનિયાને પામવા આ જીવનને શા માટે નકારવું ? કવયિત્રીને એ મંજૂર નથી. નોંધપાત્ર એ છે કે પોતાની નામંજૂરી એણે મક્કમ રીતે શબ્દોમાં બેવડાવીને જાહેર કરી છે.

સ્વર્ગ કે મોક્ષ મેળવવા થતી ભક્તિ કે ત્યાગ કે કષ્ટો વેઠવાને એ સંતાકૂકડીની રમત ગણાવે છે. જે નરી આંખે દેખાય નહીં એની શોધમાં શા માટે મથ્યા રહેવું ? એને તો આ પારના બધા જ સૂર્યોદય ને સૂર્યાસ્ત માણવા છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત તથા દિવસ-રાતની આવનજાવન જેવા શબ્દોથી સાંકેતિક રીતે જીવનના સુખ-દુખ, ચડતી-પડતી, ધૂપછાંવ બધાનો સ્વીકાર છે. મારી નાનકડી ચીમની કહીને પોતાની ભલે સામાન્ય ગણાય એવી પણ વહાલી જિંદગી માટે પૂરી વફાદારી અને આસ્થા વ્યક્ત કરી છે. કોઇક અજાણ્યા સુખને પામવા માટે આજના વર્તમાનને ખોવાની એની તૈયારી નથી. જે મળ્યું છે એમાં પૂરો સંતોષ છે.

ચીમનીય અજવાળું જરૂર ફેલાવે છે, ભલે એ નાનકડા વિસ્તારમાં સીમિત હોય. નાનકડી ચીમનીની નાનકડી જ્યોત કહીને કવિ એક સામાન્ય માનવીની જિંદગીમાં વણાયેલી નીતિમત્તાની વાત કરે છે, જીવનના મૂલ્યો તરફ ઇશારો કરે છે. કદાચ એમ દર્શાવવા માંગે છે કે માનવી જ્યાં વસે છે ત્યાં પોતાની આસપાસ સમજદારીનું અજવાળું ફેલાવી શકે તોય ઘણું. કલાકોના પૂજાપાઠ કે મોટાં મોટાં દાન-દક્ષિણા જરૂરી નથી. માનવી પોતાની પાસે આવેલાને થોડોક વિસામો આપી શકે તોય ઘણું.

મોટા ભાગના મનુષ્યોની જિંદગી સંતાકૂકડીની રમતમાં જ પૂરી થાય છે. રોજબરોજના વ્યવહારોમાં નીતિ-અનીતિનો વિચાર છોડી દેતા લોકો પછી મંદિરો કે કહેવાતા મહાત્માઓને શરણે જઇ દાનદક્ષિણાથી કે થોડાક સત્સંગથી બધું સરભર કરવાનો પ્રયત્ન કરી લે છે. પોતાની પાસે રહેતા ભૂખ્યા ગરીબને મદદ કરવાનું ચૂકી મંદિરમાં ભોગ ધરાવવા દોડી જાય છે. મહેનત કરીને આજીવિકા રળતા માનવીના પરસેવાની કમાણી ચુકવવામાંયે રકઝક કરતો માનવી બાબાઓના ચરણે મોટાં દાન કરીને સંતોષ અનુભવે છે. આમ બેવડી જિંદગી પ્રત્યે આ કાવ્યમાં આડકતરો કટાક્ષ છે

મને આ નથી જોઇતું ને આ જોઇએ છે જેવી સીધી ને સરળ રજૂઆતમાં સાંકેતિક શબ્દાવલિના પ્રયોગથી કવયિત્રીએ બહુ મોટી વાત કહી દીધી છે ને એ આ કાવ્યની ગરિમા છે

આજના સમયમાં એક બાજુ પોતાની જાતને ઇશ્વરની સમકક્ષ ગણાવતા બાબાઓ, ઇશ્વર અને મોક્ષની દુકાન ખોલીને બેઠેલા કહેવાતા આચાર્યો છે. રાફડાની જેમ ફાટી નીકળેલા ઢગલાબંધ સંપ્રદાયો, આશ્રમો પોતપોતાના પંથોના વિસ્તાર માટે, ભવ્યાતિભવ્ય ઇમારતો અને ઝાકઝમાળ ઉત્સવો પાછળ કરોડો રૂપિયા ખર્ચતા ગુરુઓ અને ચેલાઓ છે ત્યારે બીજી બાજુ ગરીબીમાં સબડતો માનવી બેહાલ, બેઘર થઇ ભૂખમરા અને જીવનની પ્રાથમિક જરૂરિયાતો માટે વલખાં મારે છે ત્યારે ચુપચાપ એક નીતિમાન જિંદગી જીવવાની તરફદારી કરતું આ કાવ્ય એનેય ક્યાંક જરૂર સ્પર્શે છે.

 

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: