Posted by: readsetu | મે 10, 2018

KS 25

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 28 ફેબ્રુઆરી 2012

કાવ્યસેતુ 25  લતા હિરાણી 

બાળકને પૂર શબ્દનો અર્થ સમજાવતાં

એક ખેડૂત પિતાની આંખમાં

આવી ગયાં ઝળઝળિયાં !!

ખેતરમાં સૂતેલા ખેડૂતને

પાછલી રાત્રે આવ્યું વરસાદનું સપનું !

અને વ્હેલી સવારે એની આંખ સામે હતું –

નિરણ વગરની ગમાણ પાસે ઊભેલી ગાયના

બેસી ગયેલા પેટનું દૃશ્ય…………રેખા સરવૈયા  

હમણાં જ મધુરિમામાં આપણે સરકારી ઑફિસર રેખા સરવૈયાની અનોખી, કાબિલે દાદ, નમુનારૂપ હિંમત વિશે વાંચ્યું. એ પોતે કવયિત્રી પણ છે અને એમણે ચોમાસા વિશે કેટલાક કાવ્યપુષ્પ રચ્યાં છે એમાંના બેનો આસ્વાદ અહીં માણીશું, જે ખરેખર તો ચોમાસાના અભાવ વિશે છે. ચોમાસાની આરપાર થઇ ચુભી જતી કવયિત્રી રેખા સરવૈયાની આ રચનાના બધા જ ગુચ્છો મનની આરપાર ઉતરી જાય છે. અલબત્ત આમાં વરસે છે એ છે કોરુંધાકોર ચોમાસું અર્થાત દુષ્કાળ, એટલે જ એને ખેડૂત સાથે જોડ્યું છે. એક ખેડૂતને માટે ચોમાસું એટલે જીવન, જીવવાની જડીબુટ્ટી… ચોમાસું નહીં તો કંઇ જ નહીં..

એક સ્ત્રીના કલ્પનાવિશ્વમાં ચોમાસાના સંદર્ભે બાળક અને ખોરાકનો સ્પર્શ બહુ સ્વાભાવિક લાગે છે !!  બાળક પૂર શબ્દનો અર્થ પૂછે છે ને ખેડૂત બાપની આંખમાં ઉભરાય છે ઝળઝળિયાં…  પહેલાં તો એને ગળે ડૂમો બાઝ્યો હશે !! કંઠ રુંધાણોય હશે પણ આખરે પુરુષ છે અને એને પાછાં ઠેલતાં આંખો ઝળઝળી ઊઠી હશે. કેટલાંય ઉજ્જડ ચોમાસાં ગયાં હશે ત્યારે ખેડૂત બાપની આ હાલત થઇ હશે. આટલું કહેવા જતાં એની આંખોમાં છલકાય છે એવું ખારું ખારું ચોમાસું જેમાં નિસાસા સિવાય કશું જ ન ઊગે..

વહેલી પરોઢનાં સપનાં સાચા પડે એવું લોકો કહે છે. સૂક્કા ખેતરમાં સુતેલા ખેડૂતને વરસાદ સિવાય બીજું કયું સપનું આવે ? અને સપનામાં વરસતા વરસાદને જોઇને એણે કેટલો રાજીપો અનુભવ્યો હશે ? પણ લાચારી તો જુઓ. આંખ ખુલતાં જ એની સામે નિરણ વગરની ગમાણ પાસે બેસી ગયેલું પેટ લઇ ઊભેલી ગાયનું દૃશ્ય છે !! નિંદરમાં આવીને ખેતરને ભીંજવી દેતું રળિયામણું સપનું, હકીકતે માત્ર આંખ ભીંજવીને ચાલ્યું જાય છે. એ છળિયામણું સપનું છે…

સૂક્કા ચોમાસાની વેદના વર્ણવવા, એક બાજુ પૂર અને બીજી બાજુ ભૂખે મરતી ગાયના બે વિરોધાભાસી કલ્પનો પ્રયોજવાથી આ ગદ્યકાવ્યગુચ્છ ખૂબ સચોટ અને ધારદાર બન્યાં છે.

આ જ કવયિત્રીના, છોકરીની આંખમાં છલકાતાં ચોમાસાને વર્ણવતાં બાકીના ગુચ્છ પણ જોઇએ..

અરીસાની સપાટી પર ઝીલાતાં

ધોધમાર વરસાદનાં પ્રતિબિંબ ઉપર

ધ્રુજતી આંગળીનો તરાપો ફરતો રહ્યો

ટાઢો પવન ભીતરને વીંઝતો રહ્યો

અને અચાનક

નજરની હોડી ઊંધી વળી ગઇ !

એ છોકરીની આંખોમાં ઊમટેલાં પૂરમાં… !!!

એક અરસા બાદ આજે એને જોઇ

એની આંખોને ધારીને જોતાં

મળી આવ્યાં કેટલાંય ખોવાઇ ગયેલાં ચોમાસાં !!!

બપોરી વેળાએ વરસતા વરસાદે

આંખને પાણીની આરપાર

કરી નાખવાની ઘટનાને

લોકો ચોમાસું કહે છે !!…..

 

 


Responses

  1. નજરની હોડી ઊંધી વળી ગઇ !
    એ છોકરીની આંખોમાં ઊમટેલાં પૂરમાં… !!!

    ભીતરી દર્દની ગજબનાક અભિવ્યક્તિ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: