Posted by: readsetu | મે 15, 2018

KS 331

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 15 મે 2018

કાવ્યસેતુ 331  લતા હિરાણી 

સમજણનો સેતુ સરજીએ સખા !  (મૂળ લેખ)

ક્યાંથી આ આવીને ઊભી આપણી વચ્ચેની ભીંત?

સાવ છૂપી, તો ય સામી આપણી વચ્ચેની ભીંત!

બેય બાજુથી એ બન્નેને સતત ડસતી રહે,

થાય તગડી લોહી ચૂસી આપણી વચ્ચેની ભીંત!

લો સહારો કેટલાં પોકળ સમાધાનો તણો!

તો ય પાછી ઉગવાની આપણી વચ્ચેની ભીંત!

રોજ લાગે – આજ એ નક્કી તૂટી જાશે, અને

રોજ થોડી થાય ઊંચી આપણી વચ્ચેની ભીંત!

અણગમાથી, રીસથી, અળગાપણાથી છે બની,

એમ થોડી ભાંગવાની આપણી વચ્ચેની ભીંત!

એક જો સમજણની બારી ક્યાંક સખા રોપીએ,

થઈ જશે સાવ જ નકામી આપણી વચ્ચેની ભીંત! –  હિમલ પંડ્યા

સહજીવનમાં સંવાદની ક્ષણો ઘટે અને સહન કરવાની ક્ષણો વધે ત્યારે જીવન વેંઢારવાનો સમય આવી જાય છે. સહજીવનની યાત્રા બેરંગ અને ફીકી બની જાય છે. દિવાલોને માત્ર કાન હોય છે એવું તો દુનિયાના લોકો કહે છે, દિવાલોને આંખ અને હૈયું પણ હોય છે. અંદર રહેનારાઓની પીડામાં એણે મૂક સાક્ષી બનતા રહેવું પડે છે. ઘરની દિવાલો એમ જ ઝાંખી ને કાળી નથી થતી, એમ જ એના પોપડા નથી ખરતા. કેટલા મૂક રુદન, કેટલા નિસાસા એણે મુંગે મોઢે જોયા કરવા પડે છે ! આવી દિવાલો ધોળાવા છતાંય ડાઘવાળી રહે છે. બહારના કલર એના આત્માને નથી સ્પર્શતા. વિવાદોય દિવાલો ખમી ખાય છે પણ રંગેચંગે જોડાયેલા બે જીવ વચ્ચે જ્યારે વણદેખાતી ભીંત રચાય છે ત્યારે એને પોતાના ભીંતપણા પર શરમ આવે છે.

આ બધું આમ અચાનક થઈ જાય છે ? ના, એની શરૂઆત તો ક્યારની થઈ ચૂકી હોય છે, પણ આભાસની દુનિયા અસ્તિત્વ કરતાં મોટી છે. સચ્ચાઈ સમજતાં વાર લાગે છે અને ત્યાં સુધીમાં પેલી અણસમજની છુપાયેલી ભીંત છાતીએ ભીંસ દેવા માંડે છે. બેય લંબાવેલા હાથોમાં શૂન્યાવકાશ પરોવાવા લાગે છે ત્યારે હાથ લાંબા જ રહી જાય છે ને ખાલીપણું હૈયામાં જડાઈ જાય છે. આંખોમાં સખ્યની આશા હોય અને સામે ધૂંધળો આભાસ સર્જાય ત્યારે આભના બધા જ વાદળ આંખોમાં રોપાઈ જાય છે.  

સહજીવનમાં શૂન્યતા એ બેધારી રણે ચડેલી તલવાર છે. એની લોહીતરસતી મૂઠ કોઈ સ્પર્શી શકતું નથી અને તોય કોઈ બચી શકતું નથી. રોજ સંગ્રામ ખેલાય છે ને રોજ વિષ્ટિઓ પણ થાય છે. બીજો દિવસ ઊગે છે ને બધું પોકળ સાબિત થાય છે. ફરી રીસ અને મૌનના રણશીંગા ફૂંકાય છે, પેલા સંગાથના સપનાં વિખેરાઈ જાય છે. 

દિવાલો બોલી નથી શકતી નહીંતર એ ગીતા પર હાથ રાખીને કહેત કે હવે કોઈ જન્મે અમને બેડરૂમની દિવાલો બનવાનું નસીબ ન મળજો ! જો કે વણબોલાયેલું યુદ્ધ જોવાનું કે ફોર્માલીટીના ફીફાં ખાંડવાનું ભાગ્ય આખા ઘરની દિવાલોએ ભોગવવાનું હોય છે પણ એને ક્યારેક બાળકોના વિલાયેલા પણ નિર્દોષ ચહેરા નીરખવાની હાશ મળે છે ખરી. કાશ, દિવાલો પૂછી શકતી હોત સુખ અને ઉમંગના અજવાળા શું ‘ચાર દિનકી ચાંદની’ હતાં ? શા માટે મારા ભાગે આ રીસ ને રુદનની રાતો ? પણ આ રચના માત્ર પીડાનું પુરાણ લઈને જ નથી આવી. માનવી માત્ર સુખની ઝંખના લઈને જન્મે છે એટલે જ અંતમાં આશાવાદ એની નાનકડી ઝંડી લઈને ઊભો છે. આટઆટલી દિવાલોમાં ક્યાંક એકાદ સમજણની બારી રોપીએ સખા ! આટલું જાગશે, ઉછરશે તો આ સઘળી ભીંતોનું ભીંતપણું દૂર થઈ જશે. 

દાંપત્યજીવનની સચ્ચાઈ લઈને આવતી આ રચનાને અંતે આ જ કવિની નાનકડી પણ ચોટદાર આ પંક્તિઓ જોઈએ.

સહજીવનમાં

કેટલી કોરી રહી જતી ક્ષણો

ઓશિકા પર

રુદનના સ્વરૂપે ઠલવાતી હોય છે….

 

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: