Posted by: readsetu | મે 17, 2018

KS 27

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 13 માર્ચ 2012

કાવ્યસેતુ 27   લતા હિરાણી   

વસંતની વાંસળીઓ વાગી ટહૂકી ઊઠે પાન

લચક લહેરે ઝૂમી નાચે આખે આખું ગામ

આંખને ખેતર આભ ઝૂકે તો લીલું જંગલ ઊગે

ભીના પ્હોરનો પોચો તડકો ચકલી ચણમાં ચૂગે

ગુનગુન કરતો ભમરો ગજવે ઝીણું ઝીણું ગાન

વસંતની વાંસળીઓ વાગી ટહુકી ઊઠે પાન.

પલપલ સરતી જાય કહોને કેમ વહે  ના વેળા ?

વસંતના આંગણમાં કેવા કામણગારા મેળા ?

સરતું જાતું ધીમેધીમે હૈયા કેરું ભાન

વસંતની વાંસળીઓ વાગી ટહૂકી ઊઠે પાન

અમે વસંતની વાતો કરીએ બંધ હોઠના દ્વારે

તમે અમારા ટહુકા સૂંઘો પાંપણના પલકારે

વાયરો થઇને મહેકી છાતી ફૂલના કાનેકાન

વસંતની વાંસળીઓ વાગી ટહૂકી ઊઠે પાન………… કોકિલા પટેલ

સામાન્ય રીતે કવયિત્રીઓના કાવ્યોમાં અંગત સંવેદનાઓ અને પીડા વધુ વ્યક્ત થતી હોય છે. સામાજિક સમસ્યાઓને પણ એમાં સ્થાન મળે છે પરંતુ એમના કાવ્યોમાં પ્રકૃતિ વિષયક અભિવ્યક્તિ ઓછી જોવા મળે છે ત્યારે આમ અચાનક કોઇ કવયિત્રીનો કાવ્યસંગ્રહ હાથ લાગે અને એમાં સરસ મજાનું વસંતગીત જડી આવે ત્યારે એને વિશે લખવા મન તરત લલચાય. હોળી-ધૂળેટી હજી તો હૈયાંવગાં છે ત્યાં આવું વાસંતીગાન જરૂર એમાં તાલ મિલાવે.

વસંત ઋતુ જ એવી કામણગારી છે. અનેક કવિઓએ એના પર સંખ્યાબંધ કાવ્યો આપ્યાં છે. આ કાવ્ય પણ એ જ વિષય પર અને ગણગણવાનું મન થાય એવું.

વસંતની વાંસળીઓ વાગે ત્યારે લીલાંછમ્મ પાનનો ટહૂકો આંખ સુધી પહોંચે જ પહોંચે. વસંતનો વાયરો જ એવો જાદૂભર્યો છે કે કેસુડાની છોળે, રસભર્યા જન મનભરીને નાચી ઊઠે. આભનો અજવાસ આંખમાં અડે ને લીલાશ ઊગી નીકળે એ તો વસંતની કરામત છે પણ એ લીલાશ સવારના પહોરનેય ભીનો બનાવી મૂકે છે ને આ ભીનો એટલે કે કૂણો તડકો ચકલીની ચાંચમાં ભરવાની સરસ મજાની કલ્પના મનનેય કુમાશ અને ભીનાશથી ભરી દે છે.

ભમરાનું ગાન, સરસર સરતી પળનું ઓસરતું ભાન કે મન પર છવાતું કામણગારા મેળાનું ગાન એ અનેકવાર પ્રયોજાયેલી બાની હોવા છતાં મનને ગમે છે. બંધ હોઠોમાં રચાતા જતા વસંતના ટહૂકાઓ કે સ્પર્શના ઉઘડતા જતા મુકામો ? અને ઇશારાથી અપાતું ટહૂકા સુંઘવાનું ઇજન પણ રસભર્યા અધરોને અધરોનું આમંત્રણ જ કે બીજું કંઇ ? વાસંતીગાનમાં ઉઘડેલા યૌવનની મસ્તી ન હોય તો જ નવાઇ !! અહીં શૃંગારરસ પ્રગટ અને અપ્રગટના બે કાંઠા વચ્ચે હળુ હળુ વહે છે.

ગુનગુન કરતો ભમરો ગજવે, ઝીણું ઝીણું ગાન પંક્તિમાં ગજવે શબ્દ જરા બંધબેસતો નથી લાગતો કારણ કે ભમરાનું ગાન ઝીણું ઝીણું છે. એમ તો પ્રથમ પંક્તિમાં પ્રાસ પણ નથી જળવાતો પરંતુ સરવાળે કહી શકાય કે પ્રણયભાવથી મત્ત પ્રકૃતિગાનના આ આખાય કાવ્યમાં વાત, વિષય એ જ જુગજૂનાં હોવા છતાં શબ્દોની પસંદગી, રજૂઆતની મસ્તી, અને પ્રમાણમાં પ્રાસ તથા લયની જાળવણી ગીતને ગમતું બનાવે છે.

 

 

Advertisements

Responses

 1. ગુનગુન કરતો ભમરો ગજવે ઝીણું ઝીણું ગાન…ને બદલે
  ગુનગુન કરતો ભમરો ગુંજે ઝીણું ઝીણું ગાન
  ———————-
  કોઈ અમીર કે ચમર બંધીના બંગલા સિવાય અમદાવાદમાં હવે વસંત ક્યાં ? અહીં તો જ્યાં જુઓ ત્યાં વસંત મ્હોરે .
  પણ….
  જાગૃત ચિત્તમાં વાસંતી વાયરો સદાય વહેતો જ રહે હોં !

 2. તમારું સૂચન યોગ્ય છે. પણ કવિએ જે શબ્દ વાપર્યો, મારે તો એ જ મૂકવો રહ્યો. બાકી એવું થાય છે. મારી કેટલીય કવિતામાં, છપાઈ ગયા પછી મને આવા નાના ફેરફાર સૂઝે ! જે એને બેટર બનાવતા હોય !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: