Posted by: readsetu | મે 18, 2018

KS 28

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 20 માર્ચ 2012

કાવ્યસેતુ 28   લતા હિરાણી

સૌ માને પૂછે છે

આ વરવીને કોણ વરશે ?

મા જુએ મારી સામે

મારું નામ કુંદા !

વધતી ગઇ ને વધતી ગઇ

ઊંટ પણ નીચું હોય જાણે !

લાંબી જ થતી ગઇ

સૌ માને પૂછે કે

આ લાંબીને કોણ વરશે ?

મા કહે, હાય ! કુંદા !

કાળે કરીને આવ્યો એક લાંબો

પડછંદ એની કાય

બોલે તો જાણે સાવજ બરાડે

મને, લાંબીને વરવા માગે

મા કહે, વાહ ! કુંદા !

જાણે સાવજ સાટે બાંધ્યુ અજબાળ

ડરું, ફફડું, પાછા ડગ દઉં

પણ તે ત્રાટકે, ખેંચે, બરાડે

એય કુંદા !

ડરું, ફફડું, વિચારું

આ લાંબો ના વર્યો હોત તો !

અરેરે ! તો મા કહેતે, હાય કુંદા !

એવામાં તે બરાડે, એય કુંદા !

હું કહું, મર કુંદા !………………… ઇલા પાઠક   

સ્ત્રીઓ પ્રતિ થતા અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર અને સ્ત્રીઓને સંગઠિત કરનાર અવાજ સંસ્થાના સ્થાપક શ્રી ઇલા પાઠકની આ કવિતા એક સ્ત્રીની આક્રોશભરી લાચારીની વક્રોક્તિ છે. હાય કુંદા, વાહ કુંદા, એય કુંદા જેવા લયાત્મક શબ્દ પ્રયોગો અને આખરે મર કુંદા કહેતી લાચાર સ્ત્રીની ભયંકર મજબુરી, એમાં રહેલ કટાક્ષ અને એ રીતે સમાજને પૂછાતો અત્યંત વેધક પ્રશ્ન એને કાવ્ય બનાવે છે. મર કુંદા શબ્દો એ જ કાવ્યનો સાર અને એ જ એની નિર્મિતિ.

એક વરવી, કુરુપ છોકરી – એ સુંદર નથી એમાં એનો શો વાંક ? પણ જાણે પરણવું એ સ્ત્રીની જિંદગીનું એકમાત્ર લક્ષ્ય હોય એમ એની સામે સવાલો ફેંકાતા રહે છે, આ વરવીને કોણ વરશે ?, આ લાંબીને કોણ વરશે ? પણ સમાજમાં કુરુપ સ્ત્રીઓ છે તો કુરુપ પુરુષો પણ છે. એક કાળો, લાંબો, જોતાં જ બીક લાગે એવો બિહામણો પુરુષ કુંદાને પરણવા તૈયાર થાય છે ને માત્ર માતાને જ નહીં, સૌને થાય છે જાણે કુંદાના ભાગ્ય ખુલી ગયાં !! એક પુરુષ કુંદાને પરણવા તૈયાર થયો છે એટલું ઘણું છે, ભલે ને એ ગમે તેવો હોય !! કુંદાની પસંદ, નાપસંદનો આમાં કોઇ સવાલ જ ઉઠતો નથી..

પરિણામ એ જ આવે છે, જે પરાપૂર્વથી ચાલતું આવ્યું છે. બકરીના બચ્ચાને મારણ માટે બાંધ્યું હોય એવી જ કુંદાની દશા છે. એ ડરે છે, પેલા રાક્ષસ જેવા પતિથી ફફડે છે, છૂટવાનો પ્રયત્ન કરે છે પણ કેમ છૂટાય ? આ તો ઢોલવાજાં વગાડીને, સૌની સંમતિથી પિરસાયેલો શિકાર છે. અને શિકારીના દિલમાં દયા જેવું કંઇ નથી. સ્ત્રી પર પુરુષને સમાજે આપેલો અધિકાર છે અને સ્ત્રીને વળી મરજી જેવુંય શું હોય ? પતિના રાજીપા પ્રમાણે રહેવું એ જ તો એનો ધર્મ અને એ જ એની નિયતિ..

કુંદાના મનમાં થયા રાખે છે કે આ લાંબો ના વર્યો હોત તો ! ભલેને એકલાં જીવી જાત, પેટ પણ ભરી લેત, પણ આ જાનવર જેવા પતિની ગુલામી તો ન કરવી પડત ! પણ ના, એવું તો ક્યાંથી બને ? કેમ કે માતાનેય પરણાવીને પોતાનો જાન છોડાવવાની પડી હતી. સમાજ પણ એ જ ચીંધે કે પરણી જા, જે મળે એને પરણ, જેવો મળે એને પરણ પણ પરણ્યા વગર તારો ઉદ્ધાર નથી !!  અને આખરે સ્ત્રીને શરણે થવું જ પડે છે, ગમે કે ન ગમે, તાબે થવું જ પડે છે, મર કુંદા !

આ કવિતા નથી, સમસ્ત સ્ત્રી સમાજનો આક્રોશ છે. ભારતીય નારીને મોટેભાગે વત્તેઓછે અંશે આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. પછી તે ગરીબ હોય કે તવંગર, ભણેલી હોય કે અભણ. ગરીબને ભાગે વધુ પીડા લખાયેલી હોય છે. અલબત્ત ભણેલા સમુદાયમાં અમુક અંશે બદલાવ આવ્યો છે, ક્યાંક ગુલામીના પ્રકાર બદલાયા છે, ક્યાંક એની રીત, ક્યાંક એનું માધ્યમ. ક્યાંક બાજી સાવ પલટાઇ પણ છે એય નોંધવું પડે જ ! પણ ગરીબ વર્ગમાં ઇલાબહેનની અવાજ જેવી સંસ્થાએ જે ચેતના જગાવી છે એનો જવાબ નથી. એક ચોક્કસ પ્રતિબદ્ધતાને લઇને રચાયેલું આવું સાહિત્ય સમાજને બદલવામાં અસરકારક ભુમિકા ભજવી જાય છે.

 

Advertisements

Responses

  1. સ્ત્રી સશક્તિકરણની વાતો અને કવિતાઓના આક્રોશનો કશો જ અર્થ ખરો?

    • હોય છે પણ એટલો મંદ કે એનો ખાસ કશો અર્થ ન રહે. અને ક્યાંય પણ કે કોઈના પણ સશક્તિકરણની વાતો મને યોગ્ય લાગતી જ નથી. આવી બાબત સામૂહિક કેવી રીતે હોઇ શકે ? થઈ શકે ? જ્યાં, જ્યારે, જે અંદરથી ઊઠે એ થાય જ અને બહારના પ્રયત્નો નિષ્ફળ જ નીવડે. વળી આ બધુ કેટલું ‘વિવેક’ / ‘સારાસાર’ પર આધારિત છે જેનો મોટેભાગે અભાવ જોવા મળે છે !


readsetu ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: