Posted by: readsetu | મે 23, 2018

KS 332

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 22 મે 2018

કાવ્યસેતુ  332   લતા હિરાણી

ઘાસનું ઝીણું ફૂલ  (મૂળ લેખ)

અંધારાને

હળવા હાથે

સંકોરીને

એકઠું કર્યું

ત્યાં જ

દીવો ઠરી ગયો

અને

ફરી વેરવિખેર થઈ ગયું

અંધારું ! – તમન્ના આઝમી

આમ જુઓ તો કહી શકાય કે એક પંક્તિની આ કવિતા છે. ગદ્યમાં લખો તો પાકકી એક લાઇન થાય પણ આ કવિતા છે, ગદ્યની લાઇનની જેમ લખી શકાશે, ગદ્યની જેમ એનો સીધો અર્થ પામી નહીં શકાય. પૂરેપૂરી પ્રતીકાત્મક વાત છે અને એટલે જ કવિતા છે ! એક લાઇનને સમજવા માટે આ શબ્દોની પાછળ રહેલા ભાવજગતમાં ડૂબકી લગાવવી પડશે. માત્ર શાબ્દિક અર્થને છોડી એના સંકેતોને પામવા પડશે અને તો કવિતાનો સ્પર્શ પમાશે. માત્ર સત્તર શબ્દોમાં જ કવિએ ભાવને સંકોરીને કવિતાનો દીવો પ્રગટાવ્યો છે. એ કેટલી હૂંફાળી વાત છે !

એક તરફ છે અજવાળું અને બીજી તરફ છે અંધારું. અજવાળા અને અંધારા વચ્ચે રોપાય છે એક ભાવ, એક માનવીય પ્રયત્ન. સમજી શકાય કે કશુંક તો ઉગવાનું જ. અજવાળું અને અંધારું એક કલ્પન છે, પ્રતીક છે. એને આશા-નિરાશામાં સમજી શકાય, સુખ-દુખમાં સમજી શકાય…. હકાર-નકારમાં સમજી શકાય. જેવી મનની અવસ્થા અને જેવો સંદર્ભ. એ પ્રમાણે પ્રક્રિયા ચાલવાની ને પરિણામ આવવાનું.

અંધારું એકઠું કરવામાં આવે છે. એ હૈયામાં હોય ને પરિસ્થિતિમાં પણ હોય. અંધારાને એકઠું કરવાનો આશય એને દૂર કરવાનો જ હોઇ શકે. આમ જુઓ તો અંધારું એ કવિઓને કે પ્રેમીઓને ગમતી પરિસ્થિતી છે. એવું હોત તો અંધારાનું માહાત્મ્ય ગવાયું હોત. એની સુંદરતાની વાત હોત. આ વિશ્વમાં ઈશ્વરની રચેલી એવી કોઈ બાબત નથી કે જે સુંદર ન હોય. પણ અહીં દીવાને અને અજવાળાને પણ સાથે જ લાવીને મૂક્યા છે એટલે વાત એ બંને વિરોધ વચ્ચેથી પ્રગટતા સત્યની છે. સત્ય પ્રિય હોય કે અપ્રિય પણ હોય. પ્રિય અને અપ્રિય એ માનવમનની અવસ્થા છે. એને સચ્ચાઈ સાથે લેવાદેવા નથી. આ કાવ્યમાં પ્રગટતું સત્ય છે કે અંધારાને હટાવવાના પ્રયત્ન પછી પણ પ્રયત્નનું તેલ ઓછું પડ્યું, દીવો ઠરી ગયો અને ફરી અંધારું વ્યાપી ગયું. આ મારું અર્થઘટન છે. કવિતાને ખૂબી એ છે કે એમાંથી અનેક અર્થઘટનો થઈ શકે. 

મોટા સંકેતો આપતી આ નાનકડી કવિતાના શબ્દો પણ એક સુંવાળપ લઈને આવે છે. જુઓ, ‘હળવા હાથે અંધારાને સંકોરવું’ ! અહીં હાથનો સ્પર્શ હળવો છે અને સંકોરવાની ક્રિયા જ બહુ મજાની અને પોઝીટીવ છે. આપણે જાણીએ છીએ કે દિવાની વાટ માટે સંકોરવું શબ્દ વપરાય. અર્થાત એના અજવાળાને સાચવવાનું હોય. અહીં અંધારાને સંકોરવાની વાત છે. માનવમન અજબ છે. જે પીડામાંથી મુક્તિ જોઈતી હોય એ જ પીડા વહાલી પણ હોય. દુખ પણ સુખ આપતું હોય એ દરેકનો ક્યારેક ક્યારેક અનુભવ હશે. કદાચ એટલે જ અહીં અંધારાને સંકોરવાની વાત છે. અચાનક ઈંધણ ખૂટે છે અને દીવો ઠરી જાય છે. કદાચ પીડાને દૂર કરવાનો પ્રયત્ન ઓછો પડે છે. અજવાળું જતાં સ્વાભાવિક જ અંધારું એનું સામ્રાજ્ય જમાવે !

અનેક વિધેયાત્મક સંકેતો આપતું આ કાવ્ય ઘાસના ઝીણા પણ સુંદર ફૂલની જેમ હળવેકથી મનને સ્પર્શી જાય છે.

Advertisements

Responses

 1. ટૂંકી ટચ વાત ગમી ગઈ. આપણે વાતો દિવાની કરતાં હોઈએ છીએ, પણ ભેગું તો અંધારું જ કરીએ છીએ ; જીવીએ તો છીએ – પણ મડદાંની કની !

 2. સંકોરવું શબ્દના ઘણા અર્થો છે : વધારે અંદર ઠેલવું; પ્રજ્વલિત કરવું; ઉશ્કેરવું; સંકેલવું–આટોપવું; વેરાયેલું એકઠું કરવું; પાછું વાળી લેવું.

  આમાંનો સંકેલવું શબ્દ જ કાવ્યને અનુરુપ થશે એમ માનનું છું. નહીંતર તો એકઠું કરવું તેવો અર્થ પણ હોવાથી કાવ્યમાં તે પુનરુક્તી પામે છે…..

  આ ભેળું કરવાની વાત પાછી દીવાની હાજરીમાં જ થાય છે એટલે અંધારાનું પ્રભુત્વ જોઈએ તેટલું ન હોય તે સહજ છે. વળી અંધારા પછી અજવાળાનું આગમન તો નીશ્ચીત છે જ. એટલે દુખ કરતાં અજ્ઞાનને લઈએ તો કદાચ વધુ ઠીક રહે તેમ બને. જ્ઞાનનો દીપક પ્રગટાવાયો હોય ત્યારે અંધારું ધીમેધીમે ઓછું થવાની શરુઆત થાય; એ જ વાતને આગળ કરતાં એકઠું કરતાં જતાં દીવાની (શિક્ષણની)હાજરી હોવાની ધરપતને કારણે અંધારાના દુર થવાની આશા રહે છે….પણ આશાની માંડણી જેના પર થઈ હતી તે જ્ઞાનસ્રોત જ ન રહેતાં અજ્ઞાન વ્યાપી વળે છે.

  જોકે અંધારાનું દુખ સાથેનું જોડાણ ખોટું છે એમ તો નહીં જ કહેવાય.
  આ તો ઠીક છે કે બધા અર્થોમાંથી આપણે એક જલીધો, બાકી બીજા અર્થો અહીં લાગુ કરી જુઓ તો કાવ્યનો અર્થ જ બદલાઈ જશે – કદાચ અનર્થ કરી બેસશે !!

  • અર્થના અનર્થ – આ વળી સાવ જુદો જ વિષય, પણ અગત્યનો …
   જીવન જીવવાની એક રીત એ છે કે, ‘ક્શું અર્થઘટન કરવામાં સમય બરબાદ ન કરવો. એ બહુ કિમતી છે.’

 3. સુકાકા અને જુકાકાની ટિપ્પણી ગમી. કવિતાની એ જ મજા છે. અભિધાના લેવલ પર ન હોય તો વિચાર્યા જ રાખો….

 4. વાહ આજે શીખવાની મજા પડી ગઈ। ..લતાદીદી તુસી ગ્રેટ હો। .તમને વાંચતા અમે થાકતા જ નથી

  • અરે, આ વળી નવી વાત ! પણ વાંચો છો એ મારા માટે આનંદની વાત છે. ખૂબ ગમ્યું !


સુરેશ જાની ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: